વોશિંગ્ડન ડીસીઃ અમેરિકા-ઈરાન વચ્ચે સત્તાવાર યુદ્ધવિરામની સમજૂતી થવાના અહેવાલ વચ્ચે ફિફા વર્લ્ડ કપમાં ઈરાનની ટીમે મેચ રમ્યા પછી ઈરાનના કોચ દ્વારા ચોંકાવનારો આદેશ આપવામાં આવ્યો હતો. ફિફા વર્લ્ડ કપનો રોમાંચ ધીમે ધીમે જામી રહ્યો છે. આ દરમિયાન અમેરિકન અધિકારીઓ દ્વારા ઈરાનની ટીમને લૉસ એન્જલસ છોડવાનો આદેશ આપ્યો હતો. ઈરાનની પ્રથમ મેચ ન્યૂ ઝીલેન્ડ સામે 2-2થી બરાબર રહ્યા બાદ આપવામાં આવેલા આદેશની નવો વિવાદ સર્જાઈ શકે છે. ઈરાનના મુખ્ય કોચ આમિર ઘાલેનોઈએ ટીમને ટૂર્નામેન્ટની સૌથી પીડિત ટીમ ગણાવી હતી.
ઈરાનના કેપ્ટન મેહદી તોરમી, મિડફિલ્ડર મોહમ્મદ મોહબી અને કોચ આમિર ઘાલેનોઈએ કહ્યું કે, સતત સામે આવી રહેલી લૉજિસ્ટિક સમસ્યાના કારણે ટીમની તૈયારી પર અસર થઈ છે. કોચ અનુસાર સોમવારે રાતે રમાયેલી મેચ બાદ ટીમને અમેરિકામાં રોકાવાના બદલે તાત્કાલિક મેક્સિકો સ્થિત તિઅુજાના ટ્રેનિંગ બેસમાં પરત ફરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
ટુર્નામેન્ટમાં સૌથી પીડિત ટીમ હોવાનો કર્યો દાવો
ઈરાનના કોચ ઘાલેનોઈએ આ નિર્ણય પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, ટુર્નામેન્ટની શરૂઆતથી જ ટીમ અનેક અડચણોનો સામનો કરી રહી છે. ટીમની યોજના મેચના બે દિવસ પહેલા લૉસ એન્જલસ પહોંચવાની અને મુકાબલા બાદ એક રાત રોકવાની હતી, પરંતુ આમ ન થયું. મને લાગે છે કે અમારી ટીમ સમગ્ર વર્લ્ડ કપની સૌથી પીડિત ટીમ છે. અમારું ફેડરેશન અહીંયા નથી, અમારું મીડિયા અહીં નથી અને અમારું મેનેજમેન્ટ પણ અહીં ઉપસ્થિત નથી.
ઈરાનની તૈયારી વિઝા અને મુસાફરી સંબંધી સમસ્યાઓથી પ્રભાવિત રહી હતી. ટીમને એરિઝોનાના ટેક્સનમાં ટ્રેનિંગ બેસ બનાવવાની યોજના રદ કરવી પડી હતી. અમેરિકાની ઈમિગ્રેશન પ્રક્રિયાને લઈ ચિંતાના કારણે તિજુઆનામાં કેમ્પ કરવો પડ્યો હતો. ઈરાનના સપોર્ટ સ્ટાફના અનેક સભ્યોને અમેરિકામાં પ્રવેશ માટે વિઝા નહોતા મળ્યા. જેના કારણે મીડિયા અધિકારીઓ, વિશ્લેષકો અને ફૂટબોલ મહાસંઘના અધ્યક્ષ સહિત ઘણા મહત્વપૂર્ણ સભ્યો ટીમ સાથે લૉસ એન્જિલિસ પહોંચી શક્યા નહોતા.
ઈરાન ફૂટબોલ મહાસંઘના અધ્યક્ષે જણાવ્યું કે, સતત મુસાફરી અને અનિશ્ચિતતાના કારણે ટીમની તૈયારી પર અસર પડી રહી છે. તિજુઆનાથી લૉસ એન્જિલિસની સફર, સામાન્ય રીતે થોડા કલાકમાં પૂરી થઈ શકતી હતી પરંતુ ઈમિગ્રેશન પ્રક્રિયાના કારણે તેમાં 5 કલાકનો વિલંબ થયો હતો.