Mon Aug 24 2026

Logo

યુદ્ધ વિરામ બાદ ઈરાનના સુપ્રીમ લીડરનું પહેલું નિવદેન, દુશ્મન દેશોને આપી ચેતવણી

Tehran   2026-04-10 09:13:00
Author: Vimal Prajapati
યુદ્ધ વિરામ બાદ ઈરાનના સુપ્રીમ લીડરનું પહેલું નિવદેન, દુશ્મન દેશોને આપી ચેતવણી

તહેરાનઃ અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે યુદ્ધ વિરામની ઘોષણા કરી દેવામાં આવી છે. યુદ્ધ વિરામની ઘોષણા બાદ ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈનું પહેલું નિવેદન પ્રકાશમાં આવ્યું છે. એકબાજુ 40 દિવસ બાદ યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી છે, તો સામે ઈરાન હજી શાંતિ ઇચ્છતું હોય તેમ લાગતું નથી. કારણે કે, અત્યારે સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ દુશ્મનોને વળતો જવાબ આપવાની ચેતવણી આપી છે. દાવો એવો છે કે, પાકિસ્તાન આ બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાય તે માટે મધ્યસ્થી કરી રહ્યું છે. આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ ચેતવણી આપી છે. 

સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ દુશ્મનોને ભારે ચેતવણી આપી

પાકિસ્તાનમાં અમેરિકા સાથે યુદ્ધ વિરામની બેઠક થાય તે પહેલા ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ દુશ્મનોને ભારે ચેતવણી આપી છે. સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ કહ્યું કે, ઈરાન યુદ્ધ નથી ઈચ્છતું પરંતુ તે પોતાનો અધિકાર નહીં છોડે! પોતાના દુશ્મનોને કોઈ પણ હાલતમાં છોડવામાં આવશે નહીં. ઈરાન પર હુમલો કરનારાઓને માફ નહીં કરવામાં આવે! 

વધુમાં સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈએ કહ્યું કે, ઈરાન હવે પહેલા જેવો દેશ નથી. ઈરાન હવે દુનિયાની સૌથી મોટી શક્તિ બનશે. આ યુદ્ધમાં ઈરાનની જીત થઈ છે. અને અમેરિકાને શરતો માનવા માટે મજબૂર કરવામાં આવ્યું છે. હવે જો ફરી અમારા પર હુમલાઓ થયાં તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

યુદ્ધ વિરામની ઘોષણા પર અત્યારે લટકતી તલવાર

અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી યુદ્ધ વિરામની ઘોષણા પર અત્યારે લટકતી તલવાર છે. કારણે કે, એકબાજુ શાંતિની ઘોષણાં કરવામાં આવી છે, અને સામે ઈઝરાયલ હજી પણ દક્ષિણી લેબનોન પર હુમલાઓ કરી રહ્યું છે. અમેરિકા અને ઇઝરાયલનું કહેવું છે કે, યુદ્ધવિરામ હિઝબુલ્લાહના વિસ્તારો લાગુ થતું નથી. આ મતભેદે રાજદ્વારી પ્રયાસોને વધુ જટિલ બનાવ્યા છે અને યુદ્ધવિરામ તૂટવાનું જોખમ વધાર્યું છે.