ઈરાન-ઈઝરાયેલ સંઘર્ષની જ્વાળાઓ હવે પશ્ચિમ એશિયાથી આગળ વધીને કોરિયન પેનિનસુલા સુધી પહોંચી રહી હોય તેવું જણાય છે. ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામેનેઈના નિધન બાદ સમગ્ર વિશ્વમાં પરમાણુ શક્તિ અને સુરક્ષા નીતિઓ પર નવી ચર્ચાઓ શરૂ થઈ છે. આ ઘટનાક્રમની સૌથી મોટી અસર ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન પર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નિષ્ણાતો માની રહ્યા છે કે મધ્ય પૂર્વમાં અમેરિકાની આક્રમકતા જોઈને કિમ જોંગ પોતાની વ્યૂહરચનામાં મોટો ફેરફાર કરી શકે છે.
મીડિયા અહેવાલ મુજબ, સિયોલમાં સંરક્ષણ નિષ્ણાતો માની રહ્યા છે કે ઈરાન પર થયેલા હવાઈ હુમલાએ ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન પર માનસિક દબાણ વધાર્યું હશે. યુનિવર્સિટી ઓફ નોર્થ કોરિયન સ્ટડીઝના પ્રોફેસર યાંગ મૂ-જિનના જણાવ્યા અનુસાર, કિમ જોંગ હવે પોતાની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવશે. જોકે, દુનિયાની સામે તેઓ પોતાને એક પરમાણુ સંપન્ન રાષ્ટ્રના મજબૂત નેતા તરીકે જ રજૂ કરશે, પરંતુ અંદરથી તે અમેરિકાના દરેક પગલાથી સાવધાન રહશે.

Erin Schaff/The New York Times
ટ્રમ્પ સાથે ફરી વાતચીતનો ખુલશે રસ્તો?
વિશ્લેષકોનું માનવું છે કે કિમ જોંગ ઉન અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના વ્યક્તિગત સંબંધો ફરી એકવાર ચર્ચામાં આવી શકે છે. જો કિમ જોંગને લાગશે કે તેમની સત્તા પર જોખમ વધી રહ્યું છે, તો તેઓ વોશિંગ્ટન સાથે વાતચીતની બારી ખુલ્લી રાખશે. આ રણનીતિ પાછળનો હેતુ અમેરિકાનો મૂડ પારખવાનો અને સાથે સાથે પોતાની પરમાણુ ક્ષમતા વધારવા માટે સમય મેળવવાનો હોઈ શકે છે. જોકે, ઉત્તર કોરિયા માટે સૌથી મોટો પડકાર એ છે કે અમેરિકા પાસેથી પરમાણું રાષ્ટ્ર તરીકેની માન્યતા પ્રાપ્ત કેવી રીતે કરવી.
ઈરાન પાસે પરમાણુ બોમ્બ નહોતો, પરંતુ ઉત્તર કોરિયાએ પોતાની પરમાણુ નીતિને બંધારણમાં સ્થાન આપ્યું છે. કિમ જોંગ ઉન પાસે અદ્યતન મિસાઈલ ટેકનોલોજી અને પરમાણુ બટન છે, જે તેમને ઈરાન કરતા વધુ શક્તિશાળી બનાવે છે. આ ઉપરાંત, કિમ જોંગને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો મજબૂત સાથ છે. તાજેતરમાં જ તેમણે બેજિંગમાં સૈન્ય પરેડ દરમિયાન આ બંને નેતાઓ સાથે દેખાઈને દુનિયાને સંદેશ આપ્યો હતો કે તેઓ એકલા નથી.
ઉત્તર કોરિયાના મૂળ ઉદ્દેશ્યો પર નજર કરીએ તો, તેઓ માત્ર અમેરિકા દ્વારા એક પરમાણુ રાષ્ટ્ર તરીકેની માન્યતા ઈચ્છે છે. આસન ઇન્સ્ટિટ્યૂટ ફોર પોલિસી સ્ટડીઝના જણાવ્યા અનુસાર, જો ભવિષ્યમાં ટ્રમ્પ અને કિમ વચ્ચે કોઈ વાતચીત થાય છે, તો તે પરમાણુ નિઃશસ્ત્રીકરણને બદલે બે પરમાણુ શક્તિઓ વચ્ચેના હથિયાર નિયંત્રણ પર આધારિત હોઈ શકે છે. ઈરાન પરના હુમલાએ કિમ જોંગ ઉનને એ વાત સમજાવી દીધી છે કે જો ટકી રહેવું હશે તો પરમાણુ શક્તિ હોવી અનિવાર્ય છે.