Tue Apr 28 2026

Logo

અવકાશમાંથી 'ઝગમગતું' ભારત: ISS એ ક્લિક કરી ગુજરાત અને ભારતીય શહેરોની મનોહર તસવીર

2026-03-12 19:30:17
Author: Mumbai Samachar Team
Article Image

વોશિંગટનઃ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાંથી ક્લિક કરવામાં આવેલી ભારત દેશની તસવીર સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ભારતીય શહેરોનો રોશનીમય ઝગમગાટ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનના(ISS) ઓફિશિયલ એકાઉન્ટ પર આ તસવીર પોસ્ટ કરવામાં આવી હતી. અવકાશના અંધારામાંથી આ ક્લિક કેમેરામાં કરવામાં આવી છે. 

અવકાશમાં રોશનીમય ગુજરાત

આ તસવીર એવા સમયે ક્લિક કરવામાં આવી જ્યારે સ્પસક્રાફ્ટ અરબ સાગર પરથી પસાર થઈ રહ્યુ હતું અને હિમાલયના ક્ષેત્ર બાજુ આગળ વધી રહ્યું હતું.આ તસવીરમાં રોશનીમય ગુજરાતનો નક્શો સ્પષ્ટ જોઈ શકાય છે. જ્યારે આ તસવીર પોસ્ટ કરવામાં આવી એ સમયે તેના કેપ્શનમાં લખવામાં આવ્યું હતું કે,‘ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી લેવામાં આવેલો ભારતના શહેરોનો રાતનો રોશનીથી ઝગમગતો  સુંદર નજારો, જ્યારે તે અરબ સાગર ઉપરથી પસાર થઈને ઉત્તર ભારતના હિમાલય તરફ આગળ વધી રહ્યું હતું.’ ફોટોમાં રસ્તાઓના જાળથી જોડાયેલા શહેરો અને આસપાસના નાના ગામડાં/કસ્બા નાની ચમકતી લાઇટોથી જે અજવાડું થાય છે એ આ ક્લિકમાં ઝીલાયું છે. સ્પેસક્રાફ્ટની સ્થિતિ એવી હતી કે તેને પૃથ્વીની કક્ષામાંથી આ અદ્ભુત તસવીરો કૅપ્ચર કરવાની તક મળી હતી.

રોશનીનું નેટવર્ક હોય એવો નજારો

અવકાશમાંથી ભારતીય શહેરોનું આ કોઈ મોટું નેટવર્ક હોય એવો નજારો જોવા મળ્યો હતો. એવું લાગી રહ્યું હતું કે, માનવ વસાહત છે ત્યાં રોશની કરીને માણસે અજવાડું કર્યું પણ અવકાશમાંથી જાણે આ કોઈ ભૂલભૂલૈયા હોય એવું દેખાઈ રહ્યું છે. અંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર રહેલા એસ્ટ્રોનોટ્સ રાત્રે પૃથ્વીની તસવીરો લેવા માટે લાંબા એક્સપોઝર સેટિંગ્સ ધરાવતા ખાસ ડિજિટલ કેમેરાનો ઉપયોગ કરે છે. સેંસેટિવ લેન્સ અને એક્સપોઝર, ટાઈમિંગથી શહેરોની લાઇટોને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.  ISS લગભગ 28,000 કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની પરિક્રમા કરે છે અને સતત પૃથ્વીની સ્પષ્ટ તસવીરો લેતું રહે છે. પૃથ્વીથી લગભગ 400 કિમી દૂર આવેલું આ સ્પેસક્રાફ્ટ દરરોજ લગભગ 16 વખત પૃથ્વીની પરિક્રમા કરે છે. આ દરમિયાન તે શહેરો, સમુદ્ર કિનારા અને હવામાન પ્રણાલીની તસવીરો લેતું રહે છે.