Tue Aug 18 2026

Logo

રાષ્ટ્રહિતના રક્ષણ માટે 'જે જરૂરી હશે તે કરીશું': પાકિસ્તાનને ભારતની આકરી ચેતવણી

2026-08-04 20:51:00
Author: Devayat Khatana
Article Image

સરહદે ચીની SH-15 તોપો તૈનાત કરનાર પાકિસ્તાન સામે ભારતીય વિદેશ મંત્રાલયે લાલ આંખ કરી

નવી દિલ્હી: ભારતની સરહદ નજીક પાકિસ્તાન દ્વારા ચીનમાં બનેલી અત્યાધુનિક આર્ટિલરી તોપો તૈનાત કરવામાં આવ્યા બાદ ભારતે આકરું વલણ અપનાવ્યું છે. આતંકવાદ અને મહાસત્તાઓના ઈશારે પાકિસ્તાન આતંકવાદને છાવરી રહ્યું છે, જેના અંગે આજે ભારત સરકારે પાકિસ્તાનને રોકડું પરખાવ્યું હતું. ડ્રેગનની તોપો સરહદ પર તહેનાત કરવા મુદ્દે  વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ અંગે સ્પષ્ટ કરી દીધું છે કે ભારત પોતાના રાષ્ટ્રહિતોના રક્ષણ માટે 'જે પણ જરૂરી હશે તે કરીશું'. 

સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે સરહદ પારના આતંકવાદ સામે ભારતનું વલણ યથાવત છે અને દેશ પોતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે તૈયાર છે. આ પહેલા ઓપરેશન સિંદૂરમાં પણ ભારતે જડબાતોડ જવાબ આપ્યો હતો, અને દેશની સેના કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સતર્કતાથી તૈનાત છે. પહલગામ હુમલાનો બદલો લેવા માટે ભારત સરકારે હાથ ધરેલા ઓપરેશન સિંદૂરને કારણે પાકિસ્તાનના નાકમાં દમ લાવી દીધો હતો.

આ ઉપરાંત, વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (PoJK)માં યોજાયેલી તાજેતરની ચૂંટણીઓને માત્ર એક નાટક ગણાવીને આકરી ટીકા કરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાની સેના દ્વારા ત્યાંના લોકોના વિરોધને દબાવવા માટે બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે. 

જૂન મહિનાથી અત્યાર સુધીમાં PoJKમાં થયેલી કાર્યવાહીમાં લગભગ 90 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. તેમણે આગળ કહ્યું  હતું કે ગોળીબાર, બ્લેકઆઉટ અને સરકારના દમન દ્વારા લોકોના અસંતોષને દબાવીને પાકિસ્તાન આ ખોખલી ચૂંટણીઓ દ્વારા પોતાની કાયદેસરતા સાબિત કરવાનો ખોટા પ્રયાસ કરી રહ્યું છે.

લશ્કર-એ-તૈયબાના કમાન્ડરોની હત્યા અંગેના એક વાયરલ વીડિયો અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પણ ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું હતું. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતીય એજન્સીએ તેમના 30થી 40 કમાન્ડરોને મારી નાખ્યા છે. 

આ મુદ્દે ભારતે આંતરરાષ્ટ્રીય સમુદાયને સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપનારાઓ સામે કડક પગલાં લેવા અપીલ કરી છે તેમ જ પાકિસ્તાનને પોતાની ધરતી પરથી ચાલતા આતંકવાદી માળખાને નેસ્તનાબૂદ કરવા અને આતંકવાદ સામે નિર્ણાયક કાર્યવાહી કરવા માટે ફરી એકવાર તાકીદ કરી છે.

પાકિસ્તાનની સૈન્ય તૈયારીઓની વાત કરીએ તો વર્ષ 2019માં ચીનની સરકારી સંરક્ષણ કંપની નોરિન્કો પાસેથી 236 SH-15 વ્હીલ્ડ સેલ્ફ-પ્રોપેલ્ડ આર્ટિલરી ગન ખરીદવાનો કરાર કર્યો હતો. જેની ડિલિવરી 2022-2023માં શરૂ થઈ ગઈ છે. આ અત્યાધુનિક તોપોને મુખ્યત્વે ભારતની સામે ગુજરાનવાલા, સિયાલકોટ અને જલાલપુર જટ્ટન સેક્ટરમાં તૈનાત કરવામાં આવી છે. 

155mmની આ તોપ રોકેટ-આસિસ્ટેડ પ્રોજેક્ટાઇલ્સની મદદથી 50 કિલોમીટરથી વધુના અંતર સુધી સચોટ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ પી.આર. શંકરના જણાવ્યા અનુસાર આ શસ્ત્રોના ઉમેરાથી પાકિસ્તાનની પરંપરાગત મારક ક્ષમતા અને લાંબા અંતરના હુમલાની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે.