ભુજઃ વાતાવરણમાં સતત વધી રહેલા કાર્બન ઉત્સર્જન અને પ્રદૂષણને કારણે કચ્છમાં મધમાખીઓના અસ્તિત્વ સામે ગંભીર જોખમ ઊભું થયું છે. પર્યાવરણીય ફેરફારોને કારણે મોટા શરીરવાળી મધમાખીઓ, જેમ કે એશિયાઈ ભમરો અને લાકડાની મધમાખીઓની પ્રજાતિ નાની અને આનુવંશિક રીતે નબળી પડી રહી છે.
કાર્બનનું પ્રમાણ વધતાં વનસ્પતિના પરાગમાં પ્રોટીન અને મધમાં મીઠાશ ઘટી રહી છે, જેનાથી મધમાખીઓના વિકાસ અને પ્રજનન ક્ષમતા પર માઠી અસર પડી છે. પરાગનયનની મુખ્ય કામગીરી કરતી આ મધમાખીઓ ઘટતાં કચ્છના ખેડૂતો અને માલધારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પૂણેની ‘સેન્ટ્રલ બીકીપિંગ ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ’ના અભ્યાસ મુજબ બન્ની પ્રદેશમાં પ્રતિ ચોરસ કિલોમીટરે અગાઉ ૬૦ થી ૭૦ મધમાખીની વસાહતો જોવા મળતી હતી, જે હવે ઘટીને માત્ર ૨૦ થી ૨૫ રહી ગઈ છે.
મધમાખીઓની સંખ્યા ઘટતાં પરંપરાગત રીતે જંગલી મધ એકઠું કરતા કોળી સમાજનું વાર્ષિક ઉત્પાદન ૩૦૦ ટનથી ઘટીને માત્ર ૫૦ ટન થઈ ગયું છે. સાથોસાથ પરાગનયનના અભાવે ખજૂર, લીંબુ, પપૈયા અને કેસર કેરીના ઉત્પાદનમાં ૫૦ ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. સ્થાનિક સ્તરે 'ગાંડા બાવળ'ની બેફામ કાપણી અને કોલસાની ભઠ્ઠીઓમાંથી નીકળતો અતિશય ધુમાડો મધમાખીઓના વિનાશનું મુખ્ય કારણ બન્યો છે.
જો આ સંકટ નિવારવા માટે મધમાખીઓના કુદરતી રહેઠાણોનું રક્ષણ અને ગ્રીન કોરિડોર જેવાં કડક પગલાં નહીં લેવાય, તો સમગ્ર ક્ષેત્રનું કૃષિ અર્થતંત્ર ખોરવાઈ જવાની ભીતિ છે.
(ઉત્સવ વૈદ્ય)