આજના સમયમાં બેંક એકાઉન્ટ હોવું કંઈ મોટી વાત નથી, કારણ કે બેંક એકાઉન્ટ વિના તો અનેક સરકારી યોજનાઓનો લાભથી વંચિત રહી જવાય છે. વાત ત્યારે બેંક એકાઉન્ટ અને બેંકિંગ સેક્ટરની થઈ રહી હોય ત્યારે ભારતની બેંકિંગ સિસ્ટમમાં ક્રાંતિ લાવનાર એચડીએફસી બેંક (HDFC Bank)નો ઉલ્લેખ ના આવે તો જ નવાઈ. પરંતુ શું તમને ખબર છે કે એચડીએફસી બેંકમાં એચડીએફસીનું ફૂલફોર્મ શું છે? 99 ટકા લોકો આ સવાલનો જવાબ નથી આપી શકતા, ચાલો તમને આજે આ વિશે જણાવીએ...
ભારતની બેંકિંગ સિસ્ટમમાં ક્રાંતિ લાવનાર એચડીએફસી બેંકની સફર ખરેખર અદભૂત અને પ્રેરણાદાયી છે. વર્ષ 1977માં જ્યારે સામાન્ય માનવી માટે પોતાના ઘરનું સપનું પૂરું કરવું આર્થિક રીતે ખૂબ જ અઘરું હતું. ત્યારે હસમુખભાઈ પારેખ (એચ.ટી. પારેખ) એ એક વિઝન સાથે 'હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન' એટલે કે એચડીએફસી નામક સંસ્થાની સ્થાપના કરી. શરૂઆતમાં આ માત્ર હોમ લોન પૂરી પાડતી એક નાણાકીય સંસ્થા હતી, જેનું મુખ્ય લક્ષ્ય મધ્યમ વર્ગના પરિવારોને ઘર ખરીદવામાં મદદ કરવાનું હતું.
મુંબઈના વરલી વિસ્તારમાં 'સેન્ડોઝ હાઉસ' નામના એક નાનકડા મકાનમાંથી આ સંસ્થાના શ્રીગણેશ થયા હતા. એ સમયે ખાનગી ક્ષેત્રમાં બેંકિંગ લાયસન્સ મેળવવું લોઢાના ચણા ચાવવા સમાન હતું, પરંતુ ભારતીય રિઝર્વ બેંક પાસેથી લાયસન્સ મેળવનારી પ્રથમ ખાનગી બેંકોમાં એચડીએફસી બેંકે પોતાનું સ્થાન બનાવી લીધું હતું.
1994માં બેંકિંગ ક્ષેત્રમાં પ્રવેશ્યા પછી, આ બેંકે પોતાની વિશ્વસનીયતા અને ગ્રાહકલક્ષી સેવાઓના જોરે પાછું વળીને જોયું નથી. લાંબા સમય સુધી આદિત્ય પુરીના કુશળ નેતૃત્વ હેઠળ બેંકે અનેક સિદ્ધિઓ હાંસલ કરી અને 2020માં શશિધર જગદીશને આ જવાબદારી સંભાળીને બેંકને ડિજિટલ યુગમાં નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે.
એચડીએફસીની સફરનો સૌથી ઐતિહાસિક પડાવ પહેલી જુલાઈ 2023ના રોજ આવ્યો, જ્યારે હોમ લોન આપતી પેરેન્ટ કંપની 'એચડીએફસી લિમિટેડ' અને બેંકિંગ સેવાઓ આપતી 'HDFC બેંક'નું વિલીનીકરણ થયું. આ 40 બિલિયન ડોલરના મર્જરને કારણે હવે ગ્રાહકોને હોમ લોનથી લઈને ઇન્શ્યોરન્સ, મ્યુચ્યુઅલ ફંડ અને સેવિંગ્સ એકાઉન્ટ જેવી તમામ નાણાકીય સેવાઓ એક જ છત નીચે ઉપલબ્ધ બની છે. આ મર્જરથી HDFC બેંક વિશ્વના સૌથી શક્તિશાળી ફાઈનાન્શિયલ પ્લેયર્સની યાદીમાં સામેલ થઈ ગઈ છે.
આજે 8000થી વધુ બ્રાન્ચ અને લાખો કર્મચારીઓ ધરાવતી આ બેંક કોઈ એક વ્યક્તિ કે પરિવારની માલિકીની નથી, પરંતુ તે એક પબ્લિક લિમિટેડ કંપની છે જેમાં તમારા અને મારા જેવા લાખો શેરધારકોની ભાગીદારી છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ એચડીએફસીએ અગ્રેસર રહીને 'PayZapp' જેવી એપ્લિકેશન્સ દ્વારા બેંકિંગને દરેક ભારતીયના સ્માર્ટફોન સુધી પહોંચાડી દીધું છે.
છે ને એકદમ અનોખી અને કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો હં ને? આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...