Thu May 28 2026

Logo

કેરીના નિકાસ ઉદ્યોગને મોટો ઝટકો: જાપાને ભારતીય કેરીની આયાત પર મૂક્યો પ્રતિબંધ, જાણો કારણ

2026-05-28 22:28:49
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: ભારતના કેરી નિકાસ ક્ષેત્રે એક માઠા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જાપાન સરકારે ભારતીય કેરીની આયાત પર અચાનક પ્રતિબંધ લાદવાનો મોટો નિર્ણય લીધો છે. જાપાનના ક્વોરેન્ટાઇન અધિકારીઓએ માર્ચ 2026માં ભારતના વેપર હીટ ટ્રીટમેન્ટ સેન્ટર્સની તપાસ દરમિયાન પેસ્ટ કંટ્રોલ પ્રક્રિયામાં ગંભીર ખામીઓ શોધી કાઢી હતી, જેના પગલે આ કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી ઉનાળાની મુખ્ય સિઝનમાં ભારતની પ્રીમિયમ કેરીના નિકાસને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે.

ખાસ કરીને વાત કરવામાં આવે તો, ભારતમાંથી જાપાન મોકલવામાં આવતી કેરીની પ્રીમિયમ અને મોંઘી જાતો જેવી કે અલ્ફાન્સો, કેસર, લંગડો અને બંગનાપલ્લી પર આ પ્રતિબંધની સૌથી વધુ નકારાત્મક અસર પડવાની છે. સ્વાભાવિક છે કે, કેરીની આ જાતોની વિદેશમાં ભારે માંગ રહેતી હોય છે, જેના કારણે ખેડૂતો તેમજ નિકાસકારોને મોટો નફો મળે છે. પરંતુ જાપાન સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયના કારણે તેમાં મોટું નુકસાન થવાનું છે. 

અલ્ફાન્સો અને કેસર જેવી પ્રીમિયમ જાતો પર મોટી અસર

જાપાન લગભગ 20 વર્ષના લાંબા ગાળા બાદ પ્રથમ વખત ભારતીય કેરી પર આ પ્રકારનો પ્રતિબંધ લગાવી રહ્યું છે. આ પૂર્વે વર્ષ 2006માં ‘ફ્રૂટ ફ્લાય’ના જોખમને કારણે જાપાને પ્રતિબંધ મૂક્યો હતો, જેને ભારતે પોતાની ટ્રીટમેન્ટ પ્રક્રિયા મજબૂત કર્યા બાદ હટાવવામાં આવ્યો હતો. જાપાનમાં કૃષિ પ્રોડક્ટ્સના મામલે અત્યંત કડક નીતિ નિર્ધારિત કરવામાં આવેલી છે, આ બાબતે કોઈ પણ પ્રકારની બાંધછૂટ આપવામાં આવતી નથી. ખાસ કરીને ‘ફ્રૂટ ફ્લાય’ જેવા આક્રમક કીટકો માટે ત્યાં 'ઝીરો ટોલરન્સ' નીતિ છે, કારણ કે આ જીવાત જાપાનની સ્થાનિક ખેતીને બરબાદ કરી શકે છે. આ ખતરાના કારણે જાપાન સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવે છે.

શું છે આ VHT પ્રક્રિયા જેની સામે જાપાનને વાંધો છે?

દર વર્ષે ભારતથી નિકાસ કરતા પહેલા જાપાની નિષ્ણાતો દ્વારા ભારતના વેપર હીટ ટ્રીટમેન્ટ કેન્દ્રોનું કડક નિરીક્ષણ કરવામાં આવે છે. આ કેન્દ્રોમાં કેરીઓને ગરમ અને ભેજવાળી હવાના નિયંત્રિત વાતાવરણમાં રાખવામાં આવે છે, જેથી તેના પર રહેલા કીટકો અને તેના લાર્વા નાશ પામે. આ વખતે રહેમાનપુર કેન્દ્ર ખાતે ફ્યુમિગેશન અને ડિસઇન્ફેક્શન પ્રક્રિયામાં ખામીઓ ઝડપાતા જાપાને આયાત રોકી દીધી છે. મહત્વની વાત એ છે કે, 25 માર્ચ, 2026 પછી જારી કરાયેલા પ્રમાણપત્રો ધરાવતા ભારતીય કેરીઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

વૈશ્વિક બજારમાં ભારતનું સ્થાન અને નુકસાન

આંકડા પ્રમાણે વાત કરવામાં આવે તો, કેરીના નિકાસમાં જાપાન ભારતીય માટે સૌથી મોટું બજાર નથી, પરંતુ તે એક ‘હાઈ-એન્ડ માર્કેટ’ છે જ્યાં ભારતીય કેરીના ખૂબ સારા ભાવો મળી રહેતા હોય છે. ભારત વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ છે, જ્યાં દર વર્ષે આશરે 2.8 કરોડ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે. નિષ્ણાતોના મતે, જાપાન જેવા પ્રીમિયમ દેશ દ્વારા લાદવામાં આવેલો આ પ્રતિબંધ ભારતીય કૃષિ ઉત્પાદનોની ગુણવત્તાની છબીને વૈશ્વિક સ્તરે અસર કરી શકે છે.