Tue Aug 25 2026

Logo

પોલીસ જનતાની સુરક્ષા માટે 'ભગવાન હનુમાન'ની ભૂમિકા ભજવશેઃ અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી...

2026-03-22 17:56:14
Author: Ajay Motiwala
પોલીસ જનતાની સુરક્ષા માટે 'ભગવાન હનુમાન'ની ભૂમિકા ભજવશેઃ અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી...

(અમારા પ્રતિનિધિ તરફથી)
વડોદરા: ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શનિવારે વડોદરા સિટી પોલીસ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું ઉદ્ઘાટન કરતા સ્પષ્ટ જણાવ્યું હતું કે અપરાધીઓને કોઈ ધર્મ કે જાતિ હોતી નથી અને રાજ્યમાં અસામાજિક તત્વોને ડામવા માટે પોલીસ મક્કમ છે. તેમણે જણાવ્યું કે જો કોઈ ગુનેગાર સામાન્ય જનતાને હેરાન કરશે, તો પોલીસ જનતાને બચાવવા માટે 'ભગવાન હનુમાન'ની ભૂમિકા ભજવશે. 

આ કાર્યક્રમ દરમિયાન તેમણે વડોદરા પોલીસના ૨,૬૦૮ અને ખાનગી ૭,૦૦૦ કેમેરાના નેટવર્કની સમીક્ષા કરી હતી અને જાહેરાત કરી હતી કે આગામી સમયમાં આ સિસ્ટમને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ફેસ રેકગ્નિશન અને નંબર પ્લેટ ઓળખ જેવી અત્યાધુનિક ટેકનોલોજી સાથે જોડવામાં આવશે, જેથી ગુના શોધવાની પ્રક્રિયા વધુ તેજ બનશે.

વડોદરાની મુલાકાત દરમિયાન હર્ષ સંઘવીએ પોલીસ કર્મીઓના આવાસ, જેલ સુધારણા અને પોલીસ સ્ટેશનોના આધુનિકીકરણ માટે કરોડો રૂપિયાની યોજનાઓની વિગતો આપી હતી. 

આ ઉપરાંત, તેમણે વડોદરા જિલ્લા માટે રૂ.૫૩૮ કરોડના વિકાસ કામોને મંજૂરી આપી હતી, જેમાં નર્મદા નદી પર પુલ નિર્માણ અને ગ્રામીણ રસ્તાઓના સુધારાનો સમાવેશ થાય છે. તેમણે રૂ. ૪.૧૨ કરોડના ખર્ચે બનેલા આધુનિક 'પબ્લિક ટ્રસ્ટ રજિસ્ટ્રેશન ઑફિસ' અને 'જોઈન્ટ ચેરિટી કમિશનર ઑફિસ'નું પણ ઉદ્ઘાટન કર્યું હતું.