ભુજ: કચ્છમાં મિલિટરી ઈન્ટેલિજન્સ અને ભુજ બી-ડિવિઝન પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ભુજ તથા માધાપરના આર્મી સ્ટોર્સમાંથી ભારતીય સેનાના પ્રતિબંધિત યુનિફોર્મ અને કાપડનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.
50 જોડી કોમ્બેટ ડ્રેસ, 280 નંગ ટોપીઓ મળી આવી
ચોક્કસ બાતમીના આધારે ભુજના આર.ટી.ઓ. સર્કલ પાસે આવેલ ‘ઢાકા આર્મી જનરલ સ્ટોર’ અને માધાપરના ‘રાઘવ આર્મી સ્ટોર’ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ તપાસ દરમિયાન ભારતીય આર્મીના નવા કોમ્બેટ યુનિફોર્મનું 128 મીટર કાપડ, 50 જોડી કોમ્બેટ ડ્રેસ, 280 નંગ ટોપીઓ અને 36 નંગ કોટ-જેકેટ સહિતનો ગેરકાયદે સંગ્રહિત મુદ્દામાલ જપ્ત કરાયો હતો.

ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
આ બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ વિક્રમસિંહ પરમારની ફરિયાદના આધારે પોલીસે નથુસિંહ ઈશ્વરરામ ઢાકા (રહે. સીકર, રાજસ્થાન), કાનજી તેજા મહેશ્વરી (રહે. ભુજ) અને દુકાન માલિક તારાચંદ રામકુમાર શિવરાન સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોમ્બેટ યુનિફોર્મનું ખુલ્લા બજારમાં વેચાણ કે સંગ્રહ કરવા પર સખત પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023થી સેનાના નવા ડિઝાઈનવાળા કોમ્બેટ યુનિફોર્મનું ખુલ્લા બજારમાં વેચાણ કે સંગ્રહ કરવા પર સખત પ્રતિબંધ છે. રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડાં કરતી આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે પોલીસ અને સુરક્ષા એજન્સીઓની આકરી કાર્યવાહીથી વેપારી આલમમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(ઉત્સવ વૈધ)