ભુજઃ કચ્છમાંથી લાકડા ભરીને જતાં વાહનો પાસેથી ગેરકાયદેસર નાણાં ઉઘરાવતી સુરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર પૂર્વ કચ્છ એસીબી દ્વારા સફળ ઓપરેશન પાર પાડીને રૂપિયા ૧૦૦ની લાંચ લેતાં વનરક્ષકના મળતિયા એવા એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ, સુરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પરથી પસાર થતાં લાકડા ભરેલા વાહનોના ચાલકો પાસેથી વાહતુક પાસ પર સિક્કા મારી રજિસ્ટરમાં નોંધ કરવા બદલ અધિકારીઓ અને તેમના મળતિયાઓ દ્વારા રૂ.૧૦૦ થી રૂ.૧૦૦૦ સુધીની રકમની લાંચ માંગવામાં આવતી હોવાની ફરિયાદો લાંચ રુશવત વિરોધી શાખાને મળી હતી,જેના આધારે ગાંધીધામ એસીબીના પી આઈ એચ.વી. ચૌધરી અને તેમની ટુકડીએ એક જાગૃત નાગરિકનો સહકાર લઈ છટકું ગોઠવ્યું હતું.
(૧) જામનસા ઓસામણ સૈયદ (ખાનગી વ્યક્તિ-મિડલમેન) તથા (૨) ભચાઉ નોર્મલ રેન્જ કચ્છ ખાતે ફરજ બજાવતા વનરક્ષક હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરી વિરુદ્ધ રૂ.૧૦૦/- ની લાંચ લેવા અંગેનો ગુનો નોંધાયો.@sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani @InfoGujarat @HARESHM38109376@BaldevD11469478 pic.twitter.com/ucgXSzziIe
— ACB Gujarat (@ACBGujarat) August 25, 2026
ગત ૨૪ ઓગસ્ટના રોજ ગોઠવાયેલા આ છટકામાં ભચાઉ નોર્મલ રેન્જના વનરક્ષક હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરીના કહેવાથી તેમના ખાનગી મળતિયા જામનસા ઓસામણ સૈયદ (રહે. બુઢાર મોરા, અંજાર) એ પાસ પર નોંધ કરવાના બદલામાં જાગૃત નાગરિક પાસેથી રૂપિયા 1૦૦ની લાંચ માંગીને સ્વીકારી હતી. એસીબીની ટુકડીએ સ્થળ પર જ દરોડો પાડી લાંચની રકમ રિકવર કરી વનરક્ષક અને ખાનગી વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)