Sat Sep 05 2026

Logo

લાતુરમાં સિઝેરિયન ડિલિવરી બાદ મહિલાનું મૃત્યુ: ડૉક્ટર વિરુદ્ધ ગુનો

2026-08-25 17:07:42
Author: Yogesh D. Patel
લાતુરમાં સિઝેરિયન ડિલિવરી બાદ મહિલાનું મૃત્યુ: ડૉક્ટર વિરુદ્ધ ગુનો

લાતુર: લાતુર જિલ્લામાં ગેરકાયદે રીતે કાર્યરત હૉસ્પિટલમાં સિઝેરિયન ડિલિવરી બાદ 30 વર્ષની મહિલાનું મૃત્યુ થતાં પોલીસે મહિલા ડૉક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. હૉસ્પિટલમાં મહિલા ડૉક્ટરે 11 ઑગસ્ટે જ્યોતિ શિશુપાલ વાલસે (30) પર સર્જરી કરી હતી અને સર્જરી બાદ જ્યોતિની તબિયત લથડી ગઇ હતી, જેને કારણે તેનું મૃત્યુ થયું હતું.

હૉસ્પિટલ અને તેનું ઑપરેશન થિયેટર રજિસ્ટર્ડ નહોતા અને જ્યાં નિયમોનું પાલન કરવામાં નહોતું આવ્યું એવા બિલ્ડિંગમાં સર્જરી કરવામાં આવી હતી. ઉપરાંત સરકારી સેવામાં રહેલો ડૉક્ટર ખાનગી હૉસ્પિટલમાં સર્જરી કરવા માટે અધિકૃત નહોતો, એમ પોલીસે જણાવ્યું હતું.

પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં દર્દીની સંભાળ રાખવા માટે જરૂરી તાલીમ પામેલા સ્ટાફનો પણ અભાવ હતો. ડિસ્ટ્રિક્ટ સિવિલ સર્જ્યને આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે રવિવારે મહિલા ડૉક્ટર વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 105 (સદોષ મનુષ્યવધ) અને 125 (માનવ જીવન અથવા અન્યોની સલામતીને જોખમમાં મૂકતું કૃત્ય) હેઠળ તથા બોમ્બે નર્સિંગ હોમ્સ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)