Tue Sep 01 2026

Logo

તંદુરસ્ત કોષોને આંચ પણ નહિ આવે,  IIT ગાંધીનગરની આ શોધથી થશે માત્ર કેન્સરના કોષોનો ખાતમો!

2026-08-25 16:34:13
Author: Devayat Khatana
તંદુરસ્ત કોષોને આંચ પણ નહિ આવે,  IIT ગાંધીનગરની આ શોધથી થશે માત્ર કેન્સરના કોષોનો ખાતમો!

ગાંધીનગર: દેશમાં કેન્સરની બીમારી એ સમાજ સામે ઊભો થયેલો એક મોટો પડકાર છે. ત્યારે કેન્સરની સારવારની દિશામાં  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર (IITGN)એ એક મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. કેન્સરને હરાવવા માટે સૌથી મોટો પડકાર એ એવી સારવારના વિકાસનો છે કે જે માનવ શરીરના તંદુરસ્ત કોષોને નુકસાન ન પહોંચે તેના અને માત્ર કેન્સર કોષોનો જ ટાર્ગેટ કરી શકે. આ દિશામાં IIT  ગાંધીનગરના સંશોધકોએ ગોલ્ડ નેનોરોડ-આધારિત પ્લેટફોર્મ તૈયાર કર્યું છે, જે થેરાપ્યુટિક એજન્ટોને ખાસ કરીને એન્ડોપ્લાઝમિક રેટિકુલમ (ER) સુધી પહોંચાડે છે, જે કોષોમાં પ્રોટીન ઉત્પાદન અને પ્રક્રિયા માટે જવાબદાર એક માળખું છે, તેમજ નજીકના ઇન્ફ્રારેડ (near-infrared) પ્રકાશના સંપર્કમાં આવે ત્યારે ગરમી પણ ઉત્પન્ન કરે છે.

આ નવી ટેકનોલોજીની કાર્યપદ્ધતિ વિશે વાત કરીએ તો, આ ગોલ્ડ નેનોરોડ્સ નજીકના ઇન્ફ્રારેડ પ્રકાશને શોષીને તેને ગરમીમાં રૂપાંતરિત કરવાની ક્ષમતા ધરાવે છે. સંશોધકોએ તેની સાથે સિસ્પ્લેટિન અને ઇન્ડોમેથાસિન જેવી કીમોથેરાપી દવાઓનું સંયોજન કર્યું છે. જ્યારે આ નેનોરોડ્સ કેન્સર કોષોના ER માં પ્રવેશીને એકઠા થાય છે, ત્યારે તે કોષની સિસ્ટમને ભારે તાણ હેઠળ લાવી દે છે. પ્રકાશના સંપર્કમાં આવવાથી ઉત્પન્ન થતી ગરમી અને રિએક્ટિવ ઓક્સિજન સ્પીસિઝના કારણે કેન્સરના કોષોમાં ઓટોફેજી અને એપોપ્ટોસિસ એટલે કે કોષોના મૃત્યુની પ્રક્રિયા શરૂ થાય છે.

સંશોધન ટીમે આ નેનોપ્લેટફોર્મનું પરીક્ષણ કોલોન કેન્સર, સર્વિકલ કેન્સર અને સ્તન કેન્સરના કોષો પર સફળતાપૂર્વક કર્યું હતું, જેમાં સૌથી મોટી રાહતની વાત એ હતી કે તેનાથી સામાન્ય અને તંદુરસ્ત કોષોને નહિવત નુકસાન થયું હતું. પ્રોજેક્ટ સાથે જોડાયેલા પ્રોફેસર સુદીપ્તા બાસુ જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય નેનોપદાર્થને માત્ર દવા વહન કરવા પૂરતો સીમિત રાખવાનો ન હતો. સંશોધનના મુખ્ય લેખક અસીમા સાહુ અને સહ-લેખક દીપાનિતા ચૌધરીએ પણ નોંધ્યું હતું કે નેનોસ્કેલ માળખામાં કરાયેલા નાના ફેરફારો જૈવિક સ્તરે અદભુત પરિણામો આપી શકે છે.

જોકે, નિષ્ણાતોએ સ્પષ્ટ કર્યું છે કે આ સંશોધન હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે અને હાલ પૂરતું લેબોરેટરીમાં કોષ સંવર્ધન સુધી મર્યાદિત છે. આ ગોલ્ડ નેનોરોડ્સ માનવ શરીરમાં કેટલી અસરકારક અને સુરક્ષિત રીતે કામ કરશે, તે ચકાસવા માટે હજુ એનિમલ મોડેલ્સ પર વધુ અભ્યાસ જરૂરી છે. ક્લિનિકલ ઉપયોગમાં લેતા પહેલા તેમાં રહેલા ઝેરીપણા એટલે કે (toxicity) અને ફાર્માકોકાઇનેટિક ચકાસણી કરવી અનિવાર્ય રહેશે. આમ છતાં, આ શોધ ભવિષ્યમાં કેન્સરની વધુ ચોક્કસ અને અસરકારક સારવાર માટે એક નવો માર્ગ મોકળો કરશે તેવો વિશ્વાસ સંશોધકોએ વ્યક્ત કર્યો છે.