Tue Sep 01 2026

Logo

ગુજરાતની આંગણવાડીની બહેનોએ જવાનોની રક્ષા માટે 4.50 લાખ રાખડીઓ મોકલી

2026-08-25 15:57:00
Author: Chandrakant Kanoja
ગુજરાતની આંગણવાડીની બહેનોએ જવાનોની રક્ષા માટે 4.50 લાખ રાખડીઓ મોકલી

ગાંધીનગર:  દેશમાં રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દેશની સરહદો પર ખડેપગે રાત દિવસ ફરજ બજાવતા વીર જવાનો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સ્નેહની લાગણી વ્યક્ત કરવા માટે ગુજરાતની આંગણવાડીની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે 4.50  લાખ રાખડીઓ જવાનોને મોકલવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની  ઉપસ્થિતિમાં રક્ષાસૂત્ર કળશ સરહદી દળોના અધિકારીઓને પ્રતિકરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.

સરહદના જવાનો પોતાના પરિવારથી દૂર રહીને માતૃભૂમિની સુરક્ષા માટે સમર્પિત છે. તેમની સદાય રક્ષાની ભાવના સાથે આંગણવાડી બહેનોએ રક્ષાબંધન પર્વ નિમિત્તે આ રાખડીઓ મોકલાવી છે. દેશની સીમાઓ સાચવતા અને ઘર પરીવારથી દૂર રહેતા સેનાના જવાનોની રક્ષા માટે આંગણવાડી બહેનોએ આ રક્ષાસુત્ર બનાવ્યું છે.

એક રાખી દેશ કે જવાનો કે નામ અંતર્ગત રાખડીઓ મોકલાઇ 

ભાઈ બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધન આ સૈનિકો સરહદ પર રહીને પણ મનાવી શકે અને માતાઓ બહેનો તેમની સાથે જોડાયેલી છે એવો અહેસાસ તેમને આપવાનો સરાહનીય પ્રયોગ 'એક રાખી દેશ કે જવાનો કે નામ' અંતર્ગત ગુજરાત છેલ્લા ત્રણ વર્ષથી કરે છે. 

 રક્ષાસુત્ર કળશનો જવાનોએ સ્વીકાર કર્યો 

ગુજરાતની બહેનોએ વીર જવાનોની રક્ષાનું કવચ રાખડીઓ દ્વારા પ્રદાન કરીને ભાઈ-બહેનના પ્રેમના તહેવારને રાષ્ટ્રભક્તિ મય બનાવ્યો છે. આ રક્ષાસુત્ર કળશનો આર્મી, બી.એસ.એફ., સી.આર.પી.એફ. અને એન.ડી.આર.એફ.ના ગાંધીનગર સ્થિત જવાનોએ સ્વીકાર કર્યો હતો

આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ સચિવ  રાકેશ શંકર, મહિલા બાળ વિકાસ કમિશનર  ડૉ. રણજીત કુમાર સિંહ, મહિલા બાળ કલ્યાણ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ, BSF,CRPF,NDRFના જવાનો, આંગણવાડી કાર્યકર બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.