Sun Aug 23 2026

Logo

સુરતના વેપારીઓએ હર્ષ સંઘવીને રજૂઆત કરીને 7 દિવસમાં દોઢ વર્ષથી ફરાર આરોપી ઝડપાઈ ગયો

2026-08-12 12:49:50
Author: Mumbai Samachar Team
Article Image

સુરતઃ ટેક્સટાઈલ માર્કેટમાં દોઢ વર્ષ પહેલાં લાખોની છેતરપિંડી આચરી એક ઈસમ ફરાર થઈ ગયો હતો. આ અંગે સુરતના વેપારીઓ હર્ષ સંઘવીને રજૂઆત કરી હતી. હર્ષ સંઘવીના આદેશ બાદ પોલીસે કાર્યવાહી કરીને માત્ર 7 દિવસમાં જ દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો.

શું છે સમગ્ર મામલો

કાપડના ત્રણ વેપારીઓ સાથે રૂ. ૨૩.૫૦ લાખની છેતરપિંડી આચરી દોઢ વર્ષથી કાયદાની પકડથી ભાગતા-ફરતા 'ઝાઈદ ટેક્સટાઈલ્સ'ના માલિક મોહમદ ઝાકીરીયા સામે પીડિત વેપારીઓએ ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી. હર્ષ સંઘવીએ અરજદારોની વ્યથા અત્યંત ગંભીરતાથી સાંભળીને સુરત ક્રાઈમ બ્રાન્ચને ત્વરિત અને કડક કાર્યવાહીના આદેશો આપ્યા હતા, જેના પરિણામે પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપીને ઝડપી પાડી વેપારીઓનો જટિલ પ્રશ્ન ક્ષણભરમાં ઉકેલી આપ્યો હતો.

બમરોલી સ્થિત હરિઓમ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટી-૨ માં ગ્રે યાર્નનો વ્યવસાય કરતા મનીષકુમાર બાબુલાલ પટેલ (જય અંબિકા ટેક્સટાઈલ્સ), જય પટેલ (દેવ ટેક્સ) અને રોહિતભાઈ પટેલ (જય સધીમા ટેક્સટાઈલ્સ) સાથે આરોપી મોહમદ ઝાકીરીયાએ વર્ષ ૨૦૧૭થી વેપાર શરૂ કર્યો હતો. પ્રારંભમાં સમયસર પેમેન્ટ ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ, વિશ્વાસઘાત કરીને ઉધારમાં ગ્રે-કાપડનો મોટો માલ મેળવી લીધો હતો. આરોપીએ મનીષકુમાર પટેલ સાથે રૂ.૧૩ લાખ, જય પટેલ સાથે રૂ.૩.૮૦ લાખ અને રોહિતભાઈ પટેલ સાથે રૂ.૬.૪૬ લાખ મળી કુલ રૂ.૨૩.૫૦ લાખનું ગ્રે યાર્ન ખરીદી પેમેન્ટ ચૂકવ્યા વગર આપેલા ચેક બેંકમાંથી બાઉન્સ થયા હતા. હકના નાણાં માગવા જતાં વેપારીઓને ધમકીઓ પણ આપવામાં આવી હતી.

આ મામલે પીડિત વેપારી દ્વારા સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમજ કોર્ટમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જોકે, આરોપી પોતાની દુકાનનું સરનામું બદલી કાયદાના સકંજાથી બચવા નાસતો ફરતો હતો અને કોર્ટ કાર્યવાહીમાં ગેરહાજર રહેતો હતો.

પોલીસ દ્વારા સતત તપાસ ચાલુ જ હતી, પરંતુ આરોપી વારંવાર પોતાના સ્થળ બદલતો હોવાથી પીડિત વેપારી મનીષકુમાર પટેલે ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીની રૂબરૂ મુલાકાત લઈ રજૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રીએ અરજદારની વાત અત્યંત ગંભીરતાથી સાંભળી તુરંત જ સુરત ડી.સી.પી. ક્રાઈમ બ્રાન્ચને કડક અને તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા.

હર્ષ સંઘવીની સ્પષ્ટ સૂચના મળતાં જ સુરત ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી  બી.પી.રોજીયા અને તેમની ટીમે તપાસ તેજ બનાવીને માત્ર 7 દિવસના ટૂંકા સમયગાળામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી મોહમદ ઝાકીરીયાને ઝડપી પાડી કોર્ટ સમક્ષ રજૂ કરી જેલહવાલે કર્યો હતો.