Sun Apr 19 2026

Logo

વલસાડમાં હર્ષ સંઘવીના કોંગ્રેસ-આપ પર પ્રહાર: "વિરોધ પક્ષને ચૂંટણી લડવા મુરતિયા પણ મળતા નથી"

2026-04-19 19:08:25
Author: Devayat Khatana
Article Image

વલસાડ: જિલ્લાના સેગવા ખાતે આયોજિત 'વિકાસ સંકલ્પ સભા'માં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જંગી જનમેદનીને સંબોધતા ભાજપના પક્ષમાં માહોલ ગરમાયો હતો. આકરી ગરમી હોવા છતાં મોટી સંખ્યામાં ઉમટી પડેલા લોકોનો આભાર માનતા તેમણે જણાવ્યું હતું કે, લોકો ઉનાળાના તાપમાં બહાર નીકળતા પણ વિચારે છે, તેવા સમયે ભાજપ પ્રત્યેનો તમારો આ વિશ્વાસ અભિનંદનને પાત્ર છે. 

તેમણે કહ્યું હતું કે ચૂંટણી શરૂ થાય તે પહેલા જ ગુજરાતની જનતાનો મૂડ પારખીને કોંગ્રેસ અને સાથી પક્ષોને મેદાનમાં ઉતારવા માટે 'મુરતિયા' પણ મળતા નહોતા, અને જેમને ટિકિટ મળી તેમણે પણ અંતિમ સમયે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે.

કોંગ્રેસના શાસનકાળની ટીકા કરતા હર્ષ સંઘવીએ સુરક્ષાના મુદ્દે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું કે કોંગ્રેસના રાજમાં દીકરીઓ રાત્રે બહાર નીકળી શકતી નહોતી અને ગુજરાતીઓને રાત્રે ગરબા રમવા પર પણ પ્રતિબંધોનો સામનો કરવો પડતો હતો. 

વિરોધ પક્ષો પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, જેમ ઘરમાં નાની-મોટી મરામતની જરૂર પડે તેમ વિકાસના કામોમાં ક્યારેક ક્ષતિ રહી જાય, પરંતુ 'ઝાડુવાળા' રસ્તાના ખાડાના ફોટા પાડીને તેને મોટો મુદ્દો બનાવે છે. આપણે આવી નકારાત્મક શક્તિઓને સાફ કરતા આવ્યા છીએ અને આગળ પણ કરતા રહીશું.

તેમણે 'આપ' અને કોંગ્રેસ વચ્ચેના કથિત જોડાણ અને ભ્રષ્ટાચાર પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, ઈમાનદારીની વાતો કરનારા નેતાઓ પાસેથી કરોડો રૂપિયા મળી આવ્યા છે. તેમણે હવાલા કૌભાંડનો ઉલ્લેખ કરીને આક્ષેપ કર્યો કે ગુજરાતના લોકોને અંદરોઅંદર ઝઘડાવવા માટે કોંગ્રેસના ઉમેદવારોને કરોડો રૂપિયા આપવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમનું આખું ષડયંત્ર ખુલ્લું પડી ગયું છે. ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનારા તત્વોનો હિસાબ જનતા આ ચૂંટણીમાં ચોક્કસપણે કરી આપશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

અંતમાં, મહિલા અનામત બિલનો ઉલ્લેખ કરતા હર્ષ સંઘવીએ જણાવ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહિલાઓના હક માટે ઐતિહાસિક બિલ લાવ્યા, પરંતુ કોંગ્રેસ, સપા અને 'આપ' જેવી ટોળકીઓએ સામાન્ય મહિલાઓને સાંસદ બનતા અટકાવવા પ્રયાસો કર્યા છે. 

તેમણે સવાલ કર્યો હતો કે જો પ્રિયંકા ગાંધી કે ડિમ્પલ યાદવ સાંસદ બની શકતા હોય તો વલસાડની સામાન્ય પરિવારની મહિલા કેમ સાંસદ ન બની શકે? ભાજપ સામાન્ય મહિલાઓને નેતૃત્વ આપવા માટે કટિબદ્ધ છે તેમ કહી તેમણે ભાજપને જંગી મતે વિજયી બનાવવા આહવાન કર્યું હતું.