Fri Sep 04 2026

Logo

હરિશંકર પરસાઈની વ્યંગ મસ્તીઃ રાજ કરવાનું ‘રાઝ’: માનવસેવાનું માર્કેટિંગ

2026-09-02 08:02:46
Author: Sanjay Chhel
હરિશંકર પરસાઈની વ્યંગ મસ્તીઃ રાજ કરવાનું ‘રાઝ’: માનવસેવાનું માર્કેટિંગ

સંજય છેલ

મહારાજે ચાર રાજકુમારને બોલાવીને કહ્યું ‘આજે મેં તમને એટલે બોલાવ્યા છે કે એક જ ગાદી પર ચાર જણ બેસી ના શકો. ટ્રેનની સીટની જેમ ચારેય બેસીય જાવ તો પણ અંદરોઅંદર ધક્કામુક્કી થશે ને બધા નીચે પડી જશો, પણ હું દશરથ જેવી ભૂલ નહીં કરું કે તમારામાંથી કોઈ એકનો પક્ષ લઉં. હું તમારી પરીક્ષા લઈશ. તમે ચારેય એક વર્ષ માટે રાજ્યની બહાર ચાલ્યા જાઓ. બરાબર એક વર્ષ પછી આ જ ફાગણની પૂનમે ચારેય દરબારમાં પાછા આવજો. આ એક વર્ષમાં કોણે કેટલું ધન કમાયું ને કેવી લાયકાત મેળવી, એ હું જોઈશ. પછી મંત્રીમંડળની સલાહ લઈને, જે સૌથી યોગ્ય લાગશે એને રાજગાદી સોંપીશ.’

રાજાની આજ્ઞા માનીને ચારેય પુત્ર, પ્રણામ કરીને પોતપોતાના પુરુષાર્થ તથા નસીબને અજમાવવા નીકળી પડ્યા. એક વર્ષ પછી ચારેય રાજકુમાર રાજસભામાં હાજર. રાજા સિંહાસન પર ને નીચેના આસન પર વડા પ્રધાન બિરાજમાન હતા.. સામે દરબારી કવિઓ, વિદૂષક અને ચાટુકારો બેઠાં હતા.

રાજાએ કહ્યું, ‘અરે વાહ પુત્રો, તમે ચારેય અહીં પાછા પણ આવી ગયા! મને હતું કે એક વર્ષમાં તમારામાંથી ત્રણેક તો બીમારીનો ભોગ બની ગુજરી જશે અથવા કોઈ એક બાકીના ત્રણને મારી નાખશે ને રાજગાદીની સમસ્યા આપોઆપ ઉકેલાઈ જશે! પણ ખેર, હવે મને કહો કે કોણે શું કર્યું ને કેટલું ધન કમાણાં?’

મોટા પુત્રે કહ્યું, ‘પિતાજી, મેં પાસેનાં રાજ્યમાં જોયું કે રાજા બનવા માટે ઈમાનદારી ને પરિશ્રમ બહુ જરૂરી ગુણ છે. એટલે હું એક વેપારીને ત્યાં નોકરીમાં કોથળા ઊંચકવાનું કામ કરવા લાગ્યો. પીઠ પર આખું વર્ષ કોથળા ઊંચકીને પરિશ્રમ કરીને, ઈમાનદારીથી ધન કમાયો. પરસેવાની કમાણીની આ 100 સોનામહોરો જુઓ. મારામાં ઈમાનદારી ને પરિશ્રમ, બેઉ ગુણ છે, એટલે રાજગાદી મને આપો.’

રાજાએ બીજા પુત્રને ઇશારો કર્યો.

બીજો પુત્ર બોલ્યો, ‘રાજા પોતાના બાહુબળ પર વિશ્વાસ રાખે. એટલે પાડોશી રાજ્યમાં જઈ મેં લૂંટારાઓની એક ટોળકી બનાવી ને લૂંટફાટ કરવા લાગ્યો. ધીમે ધીમે મને રાજ્યના કેટલાક કર્મચારીઓનો સહકાર પણ મળવા લાગ્યો. મોટાભાઈ જે વેપારીને ત્યાં કામ કરતા હતા, તેના ઘરે પણ મેં બે વખત ધાડ પાડી હતી. એક વર્ષની કમાણીની પૂરી પાંચ લાખ સોનામહોરો કમાયો. રાજામાં સાહસ ને લૂંટવાની આવડત હોવી જોઈએ, તો જ તે રાજ્યનો વિસ્તાર કરી શકે. માટે રાજગાદી મને સોંપો.’

પાંચ લાખ સોનામહોરો સાંભળતાં જ દરબારીઓની આંખો પહોળી થઈ ગઈ. પછી ત્રીજો રાજકુમાર બોલ્યો, ‘મહારાજ, મેં પાસેનાં રાજ્યની રાજધાનીમાં મારી બહુ મોટી દુકાન ખોલી. હું ઘીમાં મગફળીનું તેલ ને ખાંડમાં રેતી ભેળવીને વેચતો હતો. રાજાથી માંડીને મજૂર સુધી આખું વર્ષ બધાને મેં ઘી-ખાંડ ખવડાવ્યાં. રાજ્યના કર્મચારીઓ મને પકડતા નહીં કારણ કે હું મારા નફામાંથી તેમને કટકી આપતો. 

એકવાર સ્વયં રાજાએ પૂછ્યું કે ખાંડમાં આ રેતી જેવી વસ્તુ શું ભળેલી છે? મેં કહ્યું, ‘કરુણાનિધાન’. આ ખાસ પ્રકારની ઉત્તમ ખાણમાંથી મળતી ખાંડ છે, જે માત્ર રાજા-મહારાજાઓ માટે વિદેશથી મંગાવું છું.’ રાજા આ સાંભળીને ખુશ. મોટા ભાઈ જે શેઠને ત્યાં કોથળા ઊંચકતા હતા, તે પણ મારું જ ભેળસેળવાળો માલ ખાતા અને મારા લૂંટારા ભાઈને પણ મેં મગફળીના તેલવાળું ઘી ને રેતીવાળી ખાંડ ખવડાવી છે. એક રાજા બેઈમાન ને ધૂર્ત હોવો જોઈએ, તો જ તેનું રાજ ટકી શકે. સીધાસાદાને કોઈ એક દિવસ પણ ટકવા ન દે. હું દસ લાખ સોનામહોરો કમાયો છું. બોલો, મને આપશો રાજગાદી?’

‘દસ લાખ’ સાંભળતાં જ દરબારીઓની આંખો એટલી પહોળી થઈ કે જાણે આંખોના ખૂણેથી લોહી ટપકવા માંડશે!

નાના રાજકુમારની વેશભૂષા ત્રણેયથી સાવ અલગ. અત્યંત સાદાં કપડાં હતાં, ના પાઘડી કે ફૈંટો. ચહેરા પર અપાર પ્રસન્નતા ને આંખોમાં ઊંડી કરુણા હતી.

નાનો બોલ્યો, ‘પિતા શ્રી, દુનિયામાં હરતાં ફરતાં શરૂઆતમાં ઘણા દિવસ ભૂખ્યો-તરસ્યો કશું ના સમજાતાં ભટકતાં ભટકતાં, એક જગ્યાએ પહોંચ્યો: ‘સેવા આશ્રમ.’ અંદર 45 માણસો ઢગલાબંધ સોનામહોરો ગણી રહ્યા હતા. મેં આ જોઇને તરત પૂછ્યું, ‘ભાઈ, તમે લોકો શેનો ધંધો કરો છો?’

‘ત્યાગ અને સેવાનો.’ આશ્રમવાસી બોલ્યો.
મેં કહ્યું, ‘ત્યાગ ને સેવા તો ધર્મ છે. એનો ધંધો કરાય?’
‘તને નહીં સમજાય! ચલ, નીકળ...’
પણ સોનામહોર જોઇને મેં ફરી પૂછ્યું, ‘આટલું બધું સોનું તમે ક્યાંથી મેળવ્યું?’
પેલાએ ગુસ્સાથી કહ્યું, ‘બહેરો છે? કહ્યું ને, સેવા ને ત્યાગના ધંધામાંથી!’

એકને મારા પર દયા આવી ‘તને શું જોઇએ છે?’
‘હું પણ તમારો ધંધો શીખવા માગું છું. આમ સોનું કમાવા માગું છું.’

દયાળુ આશ્રમવાસીએ કહ્યું, ‘ભલે,અઠવાડિયામાં અમે તને સેવા ને ત્યાગનો ધંધો શીખવી દઈશું. એની ફી નહીં લેવાય, પણ જ્યારે તારો ધંધો ચાલવા માંડે ત્યારે ગુરુદક્ષિણા ચોક્સ આપજે.’
સૌ દરબારીઓ નવાઇથી ‘માનવસેવાનાં ધંધા’ની પહેલીવાર વાત સાંભળતા હતા.

પછી હું સેવા આશ્રમમાં શિક્ષણ લેવા લાગ્યો. ત્યાં ઠાઠથી રહેતો, સુંદર વો પહેરતો, સ્વાદિષ્ટ ભોજન કરતો, સુંદરીઓ પંખા ઝુલાવતી અને..પછી તો શિક્ષાનાં છેલ્લા દિવસે આશ્રમના વડાએ મને કહ્યું,

‘વત્સ, તું બધી કળાઓ શીખી ગયો છે. હવે માનસેવાનું કામ શરૂ કર.’ તેમણે મને સાદા ને સસ્તાં કપડાં આપીને કહ્યું, ‘હવે જાહેરમાં આ જ પહેરજે. કર્ણના કવચ-કુંડળની જેમ આ વેશ, બદનામીથી તારું રક્ષણ કરશે.’

પછી મેં ‘માનવ સેવા સંઘ’ શરૂ કરી દીધો. પ્રચાર કર્યો કે માનવમાત્રની સેવા અને સમાજનો ઉદ્ધાર કરવો છે. દેશનો વિકાસ કરવા ગરીબ, ભૂખ્યાં ને નગ્ન લોકોની મદદ કરવી છે. સૌએ આ પુણ્યકાર્યમાં, માનવસેવા માટે દાન આપવું રહ્યું.’

મહારાજ, ચોંકી ગયા.
‘પિતાજી, લોકો બહુ ભોળા હોય છે. સેવાને પુણ્યને નામે લોકો દાન આપવા લાગ્યા. નાના ભાઈએ પણ દાન આપ્યું. મોટાભાઈના શેઠે પણ આપ્યું. મોટા ભાઈએ પોતે પણ બે સોનામહોરો આપી. લૂંટારા ભાઈએ તો મારા શિષ્યોને 1000 સોનામહોરો આપી, કારણ કે એકવાર રાજાના સૈનિકો એને પકડવા આવ્યા ત્યારે મેં એને મારા આશ્રમમાં આશ્રય આપીને સંતાડેલો! પિતાજી, રાજ્યસત્તાનો આધાર કેવળ ધન છે. રાજા પાસે, પ્રજા પાસેથી ધન વસૂલ કરવાની કળા હોવી જોઇએ. પ્રજાની ખુશીથી કે જબરદસ્તીથી ટેક્સ રૂપે ધન કઢાવવું જોઈએ. મારામાં આ ગુણ છે ને મેં સેવાનાં ધંધામાંથી, દાનનાં વીસ લાખ સોનામહોરોની કમાણી કરી છે. તમે માનવસેવા માટે મને ગાદી આપશો?’

‘વીસ લાખ’ સાંભળતાં જ દરબારીઓની આંખો એવી ફાટી ગઈ કે જાણે આંખો જ નીચે પડી જશે!
રાજાએ મંત્રીને પૂછ્યું, ‘મંત્રીમંડળ, તમારો શું મત છે? ચારમાંથી કોણ વધુ લાયક છે?’

મુખ્યમંત્રી બોલ્યા, ‘મહારાજ, આખી કેબિનેટનો મત છે કે નાનો કુમાર જ સૌથી યોગ્ય છે. એનામાં પોતાના ગુણ ઉપરાંત ત્રણેય કુમારોના ગુણો પણ છે. મોટા જેવો પરિશ્રમ કરી શકે છે, બીજા કુમાર જેવી લૂંટવાની આવડત પણ છે ને ત્રીજા કુમાર જેવી બેઈમાની ને ધૂર્તતા પણ છે!

મંત્રીની વાત સાંભળીને આખી રાજસભાએ તાળીઓ પાડી.
બીજા દિવસે સૌથી નાના રાજકુમારનો રાજ્યાભિષેક થયો. ત્રીજા દિવસે પાડોશી રાજ્યની સુંદર રાજકન્યા સાથે લગ્ન થયાં ને સુખેથી રાજ કરવા લાગ્યો.
જેમ ‘માનવસેવા’થી એના દિવસો ફર્યા, તેમ સૌના દિવસો ફરે.