ભાટી એન.
શ્રાવણ વદ આઠમ, એટલે કે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો પાવન દિવસ. હિંદુ ધર્મના સૌથી લોકપ્રિય અને આસ્થાભર્યા તહેવારોમાં જન્માષ્ટમીનું વિશેષ સ્થાન છે. ભગવાન વિષ્ણુના આઠમા અવતાર શ્રીકૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવાતો આ પર્વ ભક્તિ, ઉત્સાહ અને આનંદનું અનોખું સંગમ સર્જે છે.
આ વર્ષે ચાર સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ જન્માષ્ટમીની ઉજવણી થશે. જન્માષ્ટમીના પર્વને લઈને સમગ્ર ગુજરાતમાં અત્યારથી જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરોથી લઈને ગામડાં સુધી મંદિરોમાં શણગાર, ભજન-કીર્તન, ધાર્મિક કાર્યક્રમો અને કૃષ્ણજન્મોત્સવની તૈયારીઓ કરવામાં આવશે અને જાણે સમગ્ર ગુજરાત ગોકુળિયું બની જશે.
શ્રીકૃષ્ણના જન્મ સાથે જોડાયેલી મથુરાની કથા આજે પણ કરોડો શ્રદ્ધાળુઓના હૃદયમાં જીવંત છે. દેવકી અને વસુદેવના પુત્ર તરીકે મથુરાના કારાગૃહમાં મધ્યરાત્રિના સમયે શ્રીકૃષ્ણનો જન્મ થયો હતો. કંસના અત્યાચારથી કૃષ્ણને બચાવવા માટે વસુદેવજી તેમને યમુના નદી પાર કરીને ગોકુળમાં નંદરાય અને માતા યશોદાના ઘરે લઈ ગયા હતા.
આ પાવન પ્રસંગની યાદમાં જન્માષ્ટમીની મધ્યરાત્રિએ મંદિરોમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવ ઉજવાય છે. ભક્તો ઉપવાસ રાખે છે, ઘરમાં ગોકુળિયું સજાવે છે, લાલજીને પારણામાં ઝુલાવે છે અને બાર વાગ્યે ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’ના જયઘોષ સાથે જન્મોત્સવ ઉજવે છે. ગુજરાતમાં જન્માષ્ટમી એટલે ભક્તિ અને લોકઉત્સવનો અદ્ભુત સંગમ. ખાસ કરીને દ્વારકાધીશની નગરી દ્વારકામાં જન્માષ્ટમીનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે.
આ પવિત્ર પર્વ નિમિત્તે દ્વારકામાં વિશેષ પૂજા, આરતી, શણગાર અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન કરવા ઊમટી પડશે. મંદિર પરિસર સહિત સમગ્ર દ્વારકા નગરી કૃષ્ણમય બની જશે અને ચારેય તરફ ‘જય શ્રીકૃષ્ણ’ના નાદ સાથે ભક્તિનો માહોલ છવાઈ જશે. ગુજરાતનાં અન્ય શહેરો અને ગામડાંઓમાં પણ મંદિરો તથા વિવિધ સંસ્થાઓ દ્વારા કૃષ્ણજન્મોત્સવ, ભજન-સંધ્યા, રાસ-ગરબા, મટકી ફોડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
જન્માષ્ટમી માત્ર ધાર્મિક તહેવાર નથી, પરંતુ પ્રેમ, કરુણા, ધર્મ અને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપતો પાવન પર્વ છે. શ્રીકૃષ્ણના જીવન અને ભગવદ્ગીતા દ્વારા મળેલો કર્મનો સંદેશ આજના યુગમાં પણ એટલો જ પ્રાસંગિક છે.
બીજા દિવસે ગોવિંદાઓની ટોળીઓ દ્વારા મટકી ફોડના કાર્યક્રમોમાં ઉમંગ જોવા મળશે. બાળકો ગોકુળના કાનુડાના વેશ સજશે, ઘરોમાં વિવિધ વાનગીઓ બનશે અને મંદિરોમાં ભક્તિભાવનો મહેરામણ ઊમટી જશે.
ચાર સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની ધરતી પર જાણે ગોકુળ ઊતરી આવ્યું હોય એવો માહોલ સર્જાશે અને દ્વારકાથી લઈને ગામડાંની શેરીઓ સુધી શ્રીકૃષ્ણના નામનો જયઘોષ ગુંજશે.