Sun Sep 13 2026

Logo

કચ્છી ચોવકઃ એ કેમ રચાતી હશે?

2026-09-02 08:23:44
Author: Kishor Vyas
કચ્છી ચોવકઃ એ કેમ રચાતી હશે?

કિશોર વ્યાસ

જીવનમાં વાતાવરણ સંવર્ધક જોઇએ. જો એ સંવર્ધક હોય તો જીવનમાં ખિલવવા જેવું બધુંના ખિલી ઊઠે! ગુજરાતીમાં ઘણીવાર એક ઉક્તિનો ઉપયોગ બોલવા-ચાલવામાં થતો જોવા મળે છે. મન વગરનો મેળો, ને વન વિનાનો વેલો. એજ અર્થ સાથે એક ચોવક પણ પ્રચલિત છે કે ‘મન વૉણુ મેળો, વન વૉણ વેલો’ જેનો ભાવાર્થ એવો પણ થઇ શકે છે કે મન રાજી ન હોય મિલનમાં પણ ખુશી નથી ખિલતી. શાયરે પણ કહ્યું છે ને કે ‘દિલ વિના લાખો મળે, તેને સભા નથી કહેતા.’ બસ એવું જ ! 

મિલન પણ મનપૂર્વક, મનોસભર હોવું જોઇએ. તેવું જ વન માટે કહી શકાય, જેનો ચોવકમાં ઉલ્લેખ છે : ‘તે વન વૉણ વેલો’ અહીં ભાવાર્થ સુધી પહોંચવા મોટાં વૃક્ષને બદલે ‘વન’ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે, એટલું જ નહીં વર્ણાનુપ્રાસ માટે પણ... ‘મન’ અને ‘વન’ શબ્દોનો ઉપયોગ થયો છે. એ મોટાં વૃક્ષ ન હોય તો ‘વેલ’ કયાંથી પાંગરે? એટલે જ વાતાવરણ સંવર્ધક હોવું જરૂરી છે. જો ખિલવું હોય તો એની આવશ્યકતા રહેવાની જ! એ મૂળભૂત આવશ્યકતા છે, એ ન હોય તો બધું જ અધૂરું જ નહીં, નકામું બની જાય છે.

આ ચોવકો કેમ રચાતી હશે? બહુ મહત્ત્વનું પ્રશ્ન છે. કોઇ તાગ નથી  પણ કારણો જ તગતગે છે, તે કંઇક આવાં હોઇ શકે? એ સર્વસામાન્ય જવાબ છે કે, તેની ઉત્પતિમાં લોકજીવન તથા લોકસમાજના વિસ્તૃત કાર્યક્ષેત્ર અને કાર્યપ્રવૃત્તિનો ચોવકોના જન્મમાં ઘણો મોટો ફાળો છે. વળી એ લોકસમાજમાં વિસ્તૃત કાર્યક્ષેત્ર અને કાર્યપ્રવૃત્તિનો પણ ઘણો મોટો ફાળો છે. જે લોકસમાજમાં વિવિધ પાસાંઓની ઝલક પણ દેખાડે છે જેમ કે ઘણા બધા અર્થ ધરાવતી ઉક્તિ છે : ‘કતર હલાયણી (કાતર ચલાવવી) ‘કલઇ કરાયલી’ (કલઇ કરાવવી) ‘કચી તંધ ત્રુટેણી કાચા સૂતરનો તાંતણો તૂટવો) ‘બાજરખેણી’ અને બાજર ખૂટણી (બાજરો ખાવો કે બાજરો ખૂટવો).

આ બધું જ સમાજના વિધ-વિધ વર્ગના લોકો દ્વારા થતી કાર્ય પ્રવૃત્તિમાંથી જન્મતી હોય તેવું સ્પષ્ટપણે લાગે છે. ઘણું વ્યાપક અને વિસ્તૃત ક્ષેત્ર છે. આ ઘરકામ કરતી કે બાળકના ઉછેરમાં વ્યસ્ત ગૃહિણીથી માંડીને વિવિધ વેપાર-ધંધામાં કે અન્ય વ્યવસાયોના લોકો ગ્રામજીવનમાં એકરૂપ થઈને પોતપોતાનાં કાર્યમાં પોતાના ભાવ કે વિચારો વ્યક્ત કરતા તેમાં જોવા મળે છે. ખાસિયતો અને જીવનપદ્ધતિના આધારે પોતાની પ્રતિક્રિયાઓ રજૂ કરતા હોય છે, જેમાં વ્યંગ અને પ્રશંસાના સ્વર સંભળાય છે.

આ બધાં પરિબળો ચોવકોની ઉત્પત્તિ અને વિકાસમાં યથેષ્ટ ફાળો આપે છે. જેમ કે કચ્છમાં પશુ પાલનનો ધંધો કરતા માલધારીઓ ઘણીવાર કહેતા હોય છે કે ‘ઉન ઉતારી ગિનણી’! ઘેટાં-બકરાંની ઊન ઉતારી તેનો યોગ્ય ઉપયોગ કરવો એ અર્થમાં બોલાવેલા એ ત્રણ શબ્દો કાળક્રમેે રૂઢ બની, લાક્ષણિક રૂપે બોલચાલમાં વપરાવા લાગ્યા ત્યારે તેનો અર્થ પ્રગટ થયો ‘કસ કાઢી લેવો’! આમ જન્મતી હશે ચોવકો?

એક જમાનામાં માટીની બનાવેલ કોઠીમાં અનાજ-ધાન રખાતાં. હવે સમયાંતરે જયારે નવું ધાન ભરવાની મોસમ આવે ત્યારે એ કોઠી ધોઇને સાફ કરવામાં આવતી. માટીની કોઠી, સ્વાભાવિક રીતો માટીની કોઠી બને. સંગ્રહેલા ધાનની માટી પલળે એટલે ગારો બનીને જ નીકળે! તેના પરથી ચોવક બની: ‘કોઠી ધૂઓ તે ગારો નિકરે’ શબ્દો સરળ છે, તેના અર્થમાં ન જતાં ભાવાર્થમાં જઇએ... કેટલીક વાતો ભૂતકાળની એવી હોય કે તેને ઉખેડવાની કે ઉલેચવાની ન હોય! તેનાથી મન, કોઠીની જેમ સાફ નથી થતું પણ વધુ ‘ગારો’ થાય છે! ડાહ્યા માણસો એટલે જ એવી વાતો ઉખેડે નહીં. તેને ઉખેડવાથી બંને પક્ષોને નુકસાની જ થાય?  કેટલી અદ્ભુત શીખામણ આપે છે, ચોવક!

હા, તેના જેવું જ કે, ‘વાડ મેં હથ વિજોં ત કંઢા ન લગેં’. વાડમાં હાથ નાખીએં તો કાંટા જ લાગે. અર્થનો ભાવ એવો પણ થાય છે કે, ખોટાં અને ખરાબ કૃત્યો કરીએં તો, તેનાં પરિણામ ભોગવવાં જ પડે!

એક જ સ્વરૂપની બે ચોવકો અને બન્નેનો અર્થ અલગ થાય એવું પણ બને! તેમાંની એક છે : ‘ભિત ડિસી ચિતર કઢા જે’ અને બીજી છે ‘ભિત વગર ચિતર ન નિકરે’ પહેલી ચોવકનો શબ્દાર્થ થાય છે: ભીંત પ્રમાણે ચિતરામણી કરાય અને બીજી ચોવકનો શબ્દાર્થ છે ‘ભીંત વગર ચિત્ર ન દોરાય’. ‘ભીંત’ એટલે ભીંત કે દીવાલ અને ‘ચિતર’ એટલે ચિત્ર. ‘ડિસી’નો અર્થ થાય છે, જોઇએ બન્ને ચોવકોમાં સમાન શબ્દોનો પ્રયોગ થયો છે.

પહેલી ચોવકનો ભાવાર્થ કંઇક આવો નીકળી શકે કે, માણસની યોગ્યતા પ્રમાણે તેની સાથે વાત કરાય કે કામ સોંપાય. એ વ્યક્તિની સમજ કે આવડત બહારનું કશું કહીયેં તો એ નિરર્થક નીવડે ! અને બીજી ચોવક કહે છે કે ‘જયાં ધુમાડો હોય ત્યાં અગ્નિ તો હોય જ.’ કોઇ વાતમાં જરૂર તથ્ય હોય અને તો જ એ આગળ વધે કે આગની જેમ ફેલાય!

આ ચોવકનો વિશિષ્ટ સંદર્ભે એવો પણ છે કે, કોઇ વ્યક્તિ પર તેના ચારિત્ર્ય અંગે આળ આવે અને સાંભળનાર વિશ્વાસપૂર્વક કહે કે ‘ના, એ બની જ ન શકે, એ વ્યક્તિ એવી નથી. ત્યારે આગને સમર્થન આપનાર કહેજ કે ‘ભીંત વગર ચિતર થોડું દોરા જેં તા?’ મતલબ કે કંઇક તો છે, વાત એમને એમ થોડી જ ફેલાય. ‘ભીંત વગર કીં ચિતર નિકરેં?’

એ જ સંદર્ભમાં ઘણીવાર બીજી એક ચોવક પણ વપરાય છે કે ‘ધરા વિગર ધાંઇ ન થીએં’ ધરા એટલે જમીન અને ‘ધાંઇ’ એટલે અનાજ, પણ મોટા ભાગે તેનો ભાવાર્થ લોકો એવો કરે છે કે, સારી જમીન વગર, અનાજ પેદા થતું નથી.