Wed Sep 23 2026

Logo

મગજ મંથનઃ ન્યૂ જનરેશન મેરેજ કરવાથી કેમ દૂર ભાગે છે?

2026-09-02 07:56:42
Author: Vitthal Waghasiya
મગજ મંથનઃ ન્યૂ જનરેશન મેરેજ કરવાથી કેમ દૂર ભાગે છે?

વિઠ્ઠલ વઘાસિયા

ભારતીય સંસ્કૃતિમાં લગ્નને માત્ર બે વ્યક્તિનું મિલન નહીં, પરંતુ બે પરિવાર, બે સંસ્કાર અને બે જીવનપ્રવાહના પવિત્ર સંગમ તરીકે માનવામાં આવે છે. એક સમય હતો જ્યારે યુવક - યુવતીઓ જીવનનાં સ્વાભાવિક અને આવશ્યક પગલાં તરીકે લગ્નને સ્વીકારતાં હતાં. પરંતુ આજે એક નવો પ્રવાહ જોવા મળે છે. અનેક યુવક-યુવતીઓ લગ્ન મોડાં કરે છે અથવા લગ્ન ન કરવાનું પસંદ કરે છે. આ બદલાવ માત્ર વ્યક્તિગત પસંદગી નથી, પરંતુ બદલાતી સામાજિક, આર્થિક, માનસિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનું પ્રતિબિંબ છે.

* આત્મનિર્ભરતા ને કારકિર્દીનું મહત્ત્વ:

આજનું ન્યૂ જનરેશન શિક્ષણ અને કારકિર્દીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. યુવકો અને યુવતીઓ બંને આર્થિક રીતે સ્વતંત્ર બનવા માગે છે. તે પોતાની ઓળખ અને સફળતા પહેલાં સ્થાપિત કરવા ઈચ્છે છે. પરિણામે લગ્નની ઉંમર સતત વધી રહી છે. તેમને લાગે છે કે લગ્નથી જવાબદારીઓ વધશે અને કારકિર્દી પર અસર પડશે.

* સ્વતંત્ર જીવનશૈલી પ્રત્યેનો ઝોક:

આધુનિક યુવાનો પોતાની સ્વતંત્રતા, વ્યક્તિગત સમય અને જીવનશૈલીને ખૂબ મહત્ત્વ આપે છે. તે પોતાના નિર્ણયો કોઈ દબાણ વિના લેવા માગે છે. લગ્ન પછી સમાધાન, જવાબદારીઓ અને પરસ્પર અનુકૂલન જરૂરી બને છે, જ્યારે આજના ઘણા યુવાનો આ પ્રકારની જવાબદારીઓ માટે માનસિક રીતે તૈયાર હોતા નથી.

* તૂટતા પરિવારોની અસર:

આજના સમયમાં છૂટાછેડાના વધતા બનાવો, ઘરેલુ વિવાદો અને પરિવારોમાં વધતી અસહિષ્ણુતા યુવાનોને લગ્ન અંગે વિચારતા કરી દે છે. બાળપણથી જ જો તેઓ માતા - પિતાના ઝઘડા કે છૂટાછેડા જુએ છે, તો તેમના મનમાં લગ્નજીવન પ્રત્યે ભય અને અવિશ્વાસ જન્મે છે. પરિણામે તેઓ લગ્નને જોખમી નિર્ણય માનવા લાગે છે.

*સોશ્યલ મીડિયા ને આભાસી દુનિયા:

સોશ્યલ મીડિયા અને ડિજિટલ યુગે સંબંધોની વ્યાખ્યા બદલી નાખી છે. લોકો સતત બીજા લોકોના દેખાવ, જીવનશૈલી અને સંબંધો સાથે પોતાની સરખામણી કરે છે. આ કારણે વાસ્તવિક જીવનમાં અપેક્ષાઓ અસ્વાભાવિક રીતે વધી જાય છે. આદર્શ જીવનસાથીની શોધમાં ઘણા લોકો યોગ્ય વ્યક્તિને પણ સ્વીકારી શકતા નથી.

* આર્થિક દબાણ:

મોંઘવારી, ઘર, શિક્ષણ, આરોગ્ય અને જીવનશૈલીના વધતા ખર્ચને કારણે લગ્ન પછીનું જીવન વધુ જવાબદારીભર્યું લાગે છે. ઘણા યુવાનો માને છે કે પહેલાં આર્થિક સ્થિરતા આવવી જોઈએ ત્યાર પછી જ લગ્ન વિશે વિચારવું યોગ્ય છે. કેટલીકવાર આ તૈયારી ક્યારેય પૂર્ણ થતી નથી અને લગ્ન સતત પાછળ ધકેલાતા રહે છે.

* વ્યક્તિવાદી વિચારસરણી:

આજના યુગમાં ‘મારું જીવન, મારો નિર્ણય’ જેવી વિચારસરણી મજબૂત બની છે. વ્યક્તિ પોતાના સુખ, સ્વતંત્રતા અને પસંદગીને પ્રથમ સ્થાન આપે છે. લગ્નમાં ‘હું’ કરતાં ‘આપણે’નો ભાવ જરૂરી હોય છે, પરંતુ આજની વ્યક્તિગત જીવનશૈલીમાં આ પરિવર્તન સ્વીકારવું સૌ માટે સરળ નથી.

* યોગ્ય જીવનસાથી શોધવાની મુશ્કેલી:

શિક્ષણ, કારકિર્દી, સ્વભાવ, જીવનમૂલ્યો, આવક અને પરિવાર જેવી અનેક બાબતોમાં યોગ્ય જીવનસાથી શોધવો મુશ્કેલ બન્યો છે. અપેક્ષાઓ ઊંચી હોવાને કારણે નાના મતભેદો પણ સંબંધને આગળ વધવા દેતા નથી. ઘણીવાર સંપૂર્ણ જીવનસાથીની શોધમાં સારા સંબંધો પણ ગુમાય જાય છે.

* શું લગ્નની પ્રથા નબળી પડી રહી છે?

આવું કહેવું યોગ્ય નથી કે આજનું ન્યૂ જનરેશન લગ્નનો વિરોધ કરે છે. હકીકતમાં  તે માત્ર ઉતાવળમાં લગ્ન કરવા માગતા નથી. તે એવો સંબંધ ઈચ્છે છે જેમાં સમાનતા, સન્માન, વિશ્વાસ, લાગણી અને વ્યક્તિગત વિકાસ માટે પૂરતી જગ્યા હોય એટલે પ્રશ્ન લગ્નનો નથી, પરંતુ ગુણવત્તાયુક્ત લગ્નજીવનનો છે.

ટૂંકમાં... 

પરિવાર, શિક્ષણ અને સમાજે યુવાનો પર માત્ર લગ્ન માટે દબાણ કરવાને બદલે તેમને સંબંધોની સમજ, સંવાદની કળા, જવાબદારી અને ભાવનાત્મક પરિપક્વતા શીખવવી જોઈએ. માતા-પિતાએ પણ સંતાનો સાથે ખુલ્લી ચર્ચા કરવી જોઈએ. વિશ્વાસ અને સમજણના આધારે લેવાયેલા નિર્ણયો લાંબા ગાળે વધુ સફળ સાબિત થાય છે.