Sat Sep 05 2026

Logo

વિશેષઃ મથુરા કાન્હાની ભક્તિ ને ભાવનાનો મહાસંગમ...

2026-09-02 07:59:40
Author: Vina Gautam
વિશેષઃ મથુરા કાન્હાની ભક્તિ ને ભાવનાનો મહાસંગમ...

વીણા ગૌતમ

ભગવાન કૃષ્ણની જન્મભૂમિ મથુરા એક એવું શહેર છે જે જન્માષ્ટમી પહેલાં ભક્તિ અને ભાવનાનો સંગમ બની જાય છે. 29 ઓગસ્ટથી જ મથુરાની ગલીઓ, એક તીર્થધામ બની ગઈ છે. અહીંની દરેક ગલીમાં આવેલા અનેક મંદિરો એક વિશાળ મહોત્સવમાં ફેરવાઈ જાય છે.

જન્માષ્ટમીના દિવસે અહીં આખી રાત દેશના ખૂણે-ખૂણેથી આવેલા લાખો શ્રદ્ધાળુઓ ભક્તિનું જાગરણ કરે છે, અહીં દેશના જ નહીં પરંતુ વિશ્વના વિવિધ ભાગોમાંથી આવેલા તીર્થયાત્રીઓની ઉત્સવમય ઉપસ્થિતિની રોનક રહે છે. આમ તો વર્ષના બાકીના દિવસોમાં પણ મથુરામાં શ્રદ્ધાળુઓની ભીડ રહે જ છે, પરંતુ જન્માષ્ટમીમાં આખું શહેર કૃષ્ણમય ઉત્સવનું સાક્ષી બને છે.

આ વર્ષે કૃષ્ણ જન્માષ્ટમી 4 સપ્ટેમ્બર 2026ના રોજ આવી રહી છે અને પંદર દિવસ અગાઉથી જ શ્રદ્ધાળુઓ માટે રોકાવાની તમામ જગ્યાઓ ફુલ થઈ ચૂકી છે. જોકે આ શહેરમાં તીર્થયાત્રીઓને રોકાવાની ક્યારેય સમસ્યા નથી નડતી, કારણ કે એક દાયકા પહેલાં આવેલી ‘હોમસ્ટે’ નીતિના કારણે મથુરામાં ઘણા લોકો આ પ્રસંગે પોતાનાં ઘરો શ્રદ્ધાળુઓ માટે ખોલી દે છે. 

અહીં કૃષ્ણ માત્ર મંદિરમાં દેવતા રૂપે જ બિરાજમાન નથી રહેતા, પરંતુ શહેરની દરેક ગલી, દરેક ખૂણે અને દરેક ચોકે લોકસ્મૃતિ તથા સંસ્કૃતિની જીવંતતામાં કૃષ્ણની હાજરી અનુભવાય છે. ભગવાન કૃષ્ણનું જન્મસ્થાન એ જગ્યા છે જ્યાં પરંપરા મુજબ કંસના કારાગારમાં દેવકી અને વાસુદેવ નંદન કૃષ્ણનું પ્રાગટ્ય થયું હતું.

કૃષ્ણ જન્મભૂમિની સૌથી મોટી વિશેષતા માત્ર તેનો ધાર્મિક અર્થ જ નથી, પરંતુ તેની કથાનું નાટકીય પાસું પણ છે. અત્યાચારી કંસનું કારાગાર, દેવકી-વાસુદેવની આજીવન કેદ, અડધી રાતે કૃષ્ણનો જન્મ અને પછી નવજાત શિશુને લઈને વાસુદેવનું યમુના પાર કરીને ગોકુળ પહોંચવું. હજારો વર્ષોથી આ કથા ભારતીય જનમાનસમાં એવી રીતે વણાઈ ગઈ છે કે અહીં આવનારો દરેક શ્રદ્ધાળુ દરેક જગ્યાએ કૃષ્ણની હાજરી અનુભવે છે. 

આ જ કારણ છે કે મથુરા આવતા તીર્થયાત્રીઓ માત્ર મંદિરના દર્શન જ નથી કરતા. તેઓ મથુરામાં વિવિધ જગ્યાએ ફરે છે અને જ્યાં-જ્યાં કૃષ્ણની હાજરીના પ્રસંગો જોડાયેલા છે, તે સ્થળોએ પહોંચીને ભક્તિ અને ભાવનાના આનંદમાં લીન થઈ જાય છે. જેવા રાતના 12 વાગે કે તરત જ મંદિરોના ઘંટનાદ, શંખનાદ અને જય ક્ધહૈયાલાલકીના સૂરથી આખું શહેર ગૂંજી ઊઠે છે.