Tue Sep 01 2026

Logo

ઝબાન સંભાલ કે: અજા કુંજર શિર પર, મનમાન્યાં ફળ ખાય

2026-05-10 08:20:00
Author: Henry Shastri
ઝબાન સંભાલ કે: અજા કુંજર શિર પર, મનમાન્યાં ફળ ખાય

 

- હેન્રી શાસ્ત્રી

એક બકરીને તરસ લાગી હોવાથી નદીએ પાણી પીવા ગઈ. કિનારે જોયું તો વાઘનાં તાજા પગલાં દેખાયા. એ ગભરાણી કારણ કે વાઘ આટલામાં જ કયાંક હશે અને એની ઝાપટમાંથી નાસી નહીં શકાય અને એ મને ફાડી ખાશે એનો ખ્યાલ એને આવી ગયો. પણ જો નદી ઓળંગી સામે પાર પહોંચી જવાય તો ઊગરી જવાની શક્યતા ભારોભાર રહેલી છે એટલું એને સમજાઈ ગયું. સામે પાર જવું કેમ? બકરીએ એક યુક્તિ લડાવી. વાઘનાં પગલાંને ફરતું કુંડાળું કરીને એ ત્યાં બેસી ગઈ.

થોડી વારમાં ત્યાં હાથી પાણી પીવા આવ્યો. બકરીએ એને વાઘનું પગલું બતાવીને કહ્યું કે ‘હાથીભાઈ, વાઘ મને અહીં બેસાડીને ગયો છે. કોઈ શિકાર આવે તો જાણ કરવા મને કહી ગયો છે. હવે તમે આવ્યા છો તો એને હું જણાવી આવું.’ આટલું બોલી બકરી બહેન તો ચાલવા લાગ્યા. આખી વાત સાંભળી અને એનું શું પરિણામ આવશે એનો ખ્યાલ આવતા હાથી ગભરાયો. બકરીને અટકાવી અને કહ્યું કે ‘બકરીબાઈ, મારા સમ, વાઘને ખબર આપો તો. આપણે બંને ઘાસ ખાનારાં પ્રાણી છીએ. તમારે વાઘથી ઊગરવાનો રસ્તો મને સુઝાડવો જોઈએ.’ બકરી મનોમન મલકાઈ અને વિચાર કરવાનો ડોળ કરી હાથીને કહ્યું કે ‘એક ઉપાય છે. જો તમે મને માથે બેસાડીને સામે કિનારે લઈ જાઓ તો બચી જવાય.

પણ તમારો ભરોસો કેમ કરાય? અધવચ્ચે પાણીમાં મને ફેંકી દો તો મારો તો જીવ જ જાય ને.’ હાથીને જીવ વહાલો હતો અને એટલે તેણે વચન આપ્યું કે આજીવન હું તને માથે રાખીને ફેરવતો રહીશ. બકરી રાજી થઈ ગઈ અને હાથીએ એને માથે બેસાડી નદી પાર કરી. બસ એ દિવસથી એ બકરી હાથીને માથે બેસીને મોજ કરે છે. તેથી દોહરો છે કે: સંગત કીજિયે સાધ કી, બનત બનત બન જાય, અજા કુંજર શિર પર, મનમાને ફલ ખાય. અજા એટલે બકરી અને કુંજર એટલે હાથી. સારા માણસની સંગત કરવાથી કામ બની જાય, બેડો પાર થઈ જાય એ આ દોહાનો ભાવાર્થ છે.

जर्मन कहावतें  हिन्दी में हाजिर 

ભૌગોલિક દ્રષ્ટિએ દુનિયા ભલે વિશાળ હોય, વિવિધ ખંડોમાં પથરાયેલી હોય, એમાં અનેકવિધ ભાષા બોલાતી હોય, પણ જ્યારે એનો ભાવ સમજીએ ત્યારે શું આ દુનિયા ખોબા જેવડી છે એનો ખ્યાલ આવી જાય. હિન્દીમાં જર્મન કહેવતોની હાજરી વિષે જાણીએ અને એનો અર્થ સમજવાની કોશિશ કરીએ. बोलना चांदी, खामोशी सोना કહેવત બહુ માર્મિક છે. જ્યાં સુધી તમારું મોઢું બંધ હોય કે તમે કંઈ બોલો નહીં ત્યાં સુધી તમારા વિષે કોઈ અભિપ્રાય બાંધે નહીં. જેવું તમે મોઢું ખોલો એટલે તમારી અસલિયત લોકોની  નજરમાં આવી જાય ને તમારું પાણી મપાઈ જાય. હિન્દીમાં આને મળતી બીજી એક કહેવત છે बंद  मुठ्ठी लाख की, खुली तो खाक की. બંનેના ભાવ સરખા છે. एक हाथ दूसरे को धोता है કહેવત એક ગુનેગાર બીજા ગુનેગારને મદદ કરે એવા અર્થની છે. આ એક ચક્રવ્યૂહ છે જેમાં એક શ્રીમંત વ્યક્તિ ભ્રષ્ટ રાજનેતાને પૈસા આપે અને એના બદલામાં એ રાજનેતા ધનવાનની સગવડ સાચવી લે.

અલબત્ત ભ્રષ્ટાચારની શરૂઆત ક્યાંથી થાય અને મદદ ક્યાં જઈને અટકે એ નક્કી કરવું કે શોધી કાઢવું બહુ મુશ્કેલ હોય છે. छत पर बैठे कबूतर से हाथ में आई चिड़िया भली. ભાગતા ભૂતની ચોટલી ભલી એ માતૃભાષાની કહેવતથી ચોક્કસ પરિચિત હશો. લગભગ આવો જ અર્થ આ જર્મન કહેવતમાં જોવા મળે છે. જે કંઈ મળ્યું છે એમાં સંતોષ માની લેવો, વધુ પડતી મેળવવાની આશા રાખવી નહીં કારણ કે એ ઠગારી  નીવડી શકે છે એ આ કહેવતનો ભાવાર્થ છે. આજની અંતિમ કહેવત झूठ के पाँव छोटे होते हैंમાં નાનું કદ ધરાવતા લોકો કાયમ ખોટું બોલતા હોય છે એવો અર્થ નથી. આનો ભાવાર્થ એમ છે કે અસત્ય કે જૂઠ ઝાઝો સમય નથી ટકતું. આજે નહીં તો કાલે એની પોલ ખુલી જ જાય છે. અસત્ય નહીં બોલવાની સલાહ આપવામાં આવી છે. 

ભાષા  વૈભવ 

લાફો શબ્દના વિવિધ અર્થ છે જેમાંનો એક અર્થ છે બારીબારણાં બંધ કરવા માટે આડો રાખવામાં આવતો લાકડાનો કકડો જે ભૂંગળ તરીકે પણ ઓળખાય છે. અસલના જમાનામાં જ્યારે તાળા ચાવી નહોતા ત્યારે વાસેલા બારણાં ઉઘડે નહીં એ આશય સાથે આડું રાખવામાં આવતું લાકડું પણ લાફો તરીકે ઓળખાય છે. લફરું શબ્દ લાફોનું લઘુતાદર્શક રૂપ છે. લાકડાનું આશરે બે ફૂટ લાંબું અને ચારેક ઇંચ પહોળું અને અડધો ઇંચ જાડું પાટિયું લાફો તરીકે ઓળખાય છે. સુથારીકામ ચાલુ હોય ત્યારે ફર્નિચર તૈયાર થઈ ગયા પછી લાફો પૂરો ન વપરાવાને કારણે વધેલો નાનોસરખો ટુકડો લફરું તરીકે ઓળખાય છે. પૂરા લાકડાની જરૂર ન હોય ત્યાં નાનાં કાણાં કે સાંધો પૂરવા લફરાં એટલે કે લાકડાનાં નાનાં ટુકડા મારવામાં આવતા હોય છે. આ લફરું શબ્દ ઉપરથી જ પરિણીત પુરુષને બીજી સ્ત્રી સાથે અનૈતિક સંબંધ બંધાય અને 
એમાંથી એનો છુટકારો થઈ શકે એમ ન હોય એ લફરુંં તરીકે ઓળખાય છે. 

आयजी - बायजी 

ગુજરાતી ઉપરાંત અન્ય ભાષાઓમાં પણ કહેવત કથાઓ છે. કોઈ કથા કે પ્રસંગને કારણે કહેવત જન્મી હોય એવા અનેક ઉદાહરણો મરાઠી ભાષામાં પણ જોવા મળે છે. આજે આપણે એક મજેદાર કથા કહેવતનો આસ્વાદ માણીએ. આજની કહેવત છે आयजीच्या  जीवावर बायजी उदार. પૈસા બીજાના વાપરવા અને શેખી પોતે મારવી એવો આ કહેવતનો ભાવાર્થ છે. કહેવત પાછળની કથા કંઈક આવી છે. એક ગામમાં  આયજી નામનો એક મહેનતુ ખેડૂત રહેતો હતો. મહેનતુ હોવાની સાથે સ્વભાવે પરગજુ. થયેલી આવકનો અમુક હિસ્સો અન્ય લોકોને મદદરૂપ થવામાં વાપરતો હતો. આ જ ગામમાં બાયજી નામનો એક ખેડૂત પણ રહેતો હતો પણ સ્વભાવે ખૂબ જ કંજૂસ.  

એકના એક દીકરાના લગ્ન બાયજીએ ધામધૂમથી કરવાનું નક્કી કર્યું. આખા ગામને નોતરું દીધું, પણ ભોજન સમારંભમાં બહુ ખર્ચ થશે એનો ખ્યાલ આવતા એને પરસેવો વળી ગયો. તરત પહોંચ્યો આયજી પાસે અને ઘઉંની ચાર-પાંચ ગૂણ આપવા વિનંતી કરી. આયજીએ પળવારનો વિચાર કર્યા વિના પાંચ ગૂણ અનાજ મોકલાવી દીધું. એક મદદ મળી એટલે બાયજીની લાળ વધુ ટપકી. ગામમાં એ વખતે રિટર્ન ગિફ્ટનો રિવાજ હતો અને એ હોંશ પૂરી કરવા બાયજીએ દસેક ગૂણ જુવારની માંગી જે સુધ્ધાં આયજીએ પોતાના માણસો સાથે તરત મોકલી દીધી. લગ્નમાં સ્વાદિષ્ટ જમણ અને ત્યારબાદ રિટર્ન ગિફ્ટમાં  જુવાર મળતા રાજી રાજી થઈ ગયેલા ગામવાસીઓ બાયજીની સ્તુતિ કરી એની ઉદારતાની પ્રશંસા કરવા લાગ્યા. આ બધો ખેલ જોઈ રહેલા આયજીના મજૂરોમાંથી એક બોલ્યો, 'જુવાર કોની અને વખાણ કોના થાય છે? આ કંજૂસ બાયજીને લોકો ઉદાર માને છે?' આ સાંભળી નજીક ઊભેલો બાયજીનો મજૂર બોલ્યો કે 'ખરી વાત! આયજીના પૈસે બાયજીની બોલબાલા!'

CONTRONYM

અંગ્રેજી ભાષામાં જેમ કેટલીક વિચિત્રતાઓ છે એમ કેટલીક લાક્ષણિકતાઓ પણ છે. CONTRONYM તરીકે ઓળખાતા પ્રયોગને જાણીએ - સમજીએ અને એના ઉદાહરણ પરથી એના લક્ષણો જાણીએ. CONTRONYM શબ્દપ્રયોગમાં એક જ શબ્દમાં બે વિરુદ્ધ અર્થ સમાયેલા હોય છે. AUTO-ANTONYM કે પછી JANUS તરીકે પણ ઓળખાય છે. પહેલો શબ્દ છે LEFT. એના પ્રચલિત અર્થ ડાબો વિશે તો બધા જ જાણતા હશે. એ સિવાય નીકળી ગયું કે જતું રહ્યું અથવા રહી ગયું એ અર્થ પણ છે જે એકબીજાથી વિરુદ્ધ અર્થ ધરાવે છે. ઉદાહરણ જોઈએ. Men have LEFT the room and only Women are LEFT. આ વાક્યનો અનુવાદ એમ થાય કે પુરુષો રૂમની બહાર નીકળી ગયા અને માત્ર સ્ત્રીઓ રૂમમાં રહી. અહીં LEFT શબ્દ બે વાર છે પણ પહેલી વાર નીકળી ગયાઅર્થ છે અને બીજી વાર રહી ગયા એ વિરુદ્ધ અર્થ છે.

FIGHT નામના અંગ્રેજી શબ્દના બે અલગ અર્થ છે ઝઘડો અથવા બોલાચાલી અને લડાઈ.  Mother - in - law had a FIGHT with her Daughter - in - law. સાસુને વહુ સાથે બોલાચાલી થઈ એવો અર્થ ફાઈટનો છે. મતલબ કે બેઉ એકબીજાની સામે થયા હતા. હવે અલગ અર્થનું વાક્ય જોઈએ. They will FIGHT together against enemy. અહીં ફાઈટનો ભેગા થઈને દુશ્મન સામે લડશે એવો અર્થ છે. પહેલા ઉદાહરણમાં બેઉ સામસામે હતા જ્યારે બીજામાં સાથે છે એવો અર્થ છે. OUT શબ્દ પણ વિરુદ્ધ અર્થ ધરાવે છે. આ શબ્દના અનેક અર્થ છે, પણ અહીં આપણે દેખાવું અને અદ્રશ્ય થવું એ બે વિરુદ્ધ અર્થ જ જોઈશું. The full moon was OUT when the lights went OUT. આ એક જ વાક્યમાં બેઉ વિપરીત અર્થ સમાઈ ગયા છે. લાઈટ જતી રહી ત્યારે પૂનમનો ચાંદ આવી ગયો હતો. લાઈટ સાથે જે આઉટ છે એનો અર્થ છે જતા રહેવું અને ચંદ્ર સાથે રહેલા આઉટમાં આગમન એવો અર્થ છે.

SCREEN શબ્દ તમે અલગ અલગ ઉપયોગમાં જાણ્યો હશે. ફિલ્મ, વીડિયો કે ટીવી કાર્યક્રમ દેખાડવામાં આવે ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે. The film was SCREENED at many festivals. આ વાક્યમાં SCREENEDનો અર્થ છે દેખાડવું. ફિલ્મ અંશે ફેસ્ટિવલમાં દેખાડવામાં આવી હતી. બીજું વાક્ય છે As the person was SCREENED with a magazine, it was difficult to recognise. અહીં SCREENEDનો અર્થ છે નહીં દેખાડવું કે સંતાડવું. વ્યક્તિનો ચહેરો મૅગેઝિનથી ઢંકાયેલો હોવાથી એને ઓળખી શકાઈ નહીં. છે ને વિરોધાભાસી અર્થ.