Sun Aug 23 2026

Logo

રાજ્યમાં આજથી બે દિવસ ગાજવીજ સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે ધોધમાર વરસાદ

2026-08-08 08:23:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં આજથી ફરી વરસાદી માહોલ જામશે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યમાં 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી શકે છે. વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, દાહોદ અને પંચમહાલમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાનના જણાવ્યા અનુસાર, એકસાથે અનેક સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં વરસાદી માહોલ ફરી જોવા મળી રહ્યો છે.  ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે આજે અને આવતીકાલે રાજ્યમાં મેઘગર્જના, વીજળીના કડાકા-ભડાકાની સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપી છે.

છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર મુજબ આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં માત્ર 12 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો. આ તમામ તાલુકા દક્ષિણ ગુજરાતના છે અને ઝરમર વરસાદ વરસ્યો છે. તાપીના વોલાડમાં સૌથી વધુ 0.63 ઇંચ, ડાંગના સુબીરમાં 0.20 ઇંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં અત્યાર સુધીનો સિઝનનો સરેરાશ 70.10 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96.87 ટકા અને કચ્છમાં સૌથી ઓછો 29.05 ઇંચ વરસાદ પડ્યો છે. ઉત્તર ગુજરાતમાં 51.39 ટકા, પૂર્વ મધ્યમાં 67.05 ટકા તથા સૌરાષ્ટ્રમાં 54.58 ટકા વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમ 81.14 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયોમાં 63.87 ટકા પાણીનો સંગ્રહ છે. રાજ્યમાં 25 ડેમ 100 ટકા ભરાયેલા છે. જ્યારે 38 ડેમ હાઈ એલર્ટ રાખવામાં આવ્યા છે.

અંબાલાલ પટેલે શું કરી છે આગાહી

રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આજથી વરસાદનો વધુ એક રાઉન્ડ જામવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજથી 11 ઓગસ્ટ દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં ત્રણ ઇંચ કે તેથી વધુ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, વાવ, થરાદ, બનાસકાંઠા, કચ્છ, દક્ષિણ ગુજરાત તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે. રાજ્યમાં પવનની ગતિ વધુ રહી શકે છે. 17-18 ઓગસ્ટે મઘા નક્ષત્રમાં અને 23 ઓગસ્ટ બાદ પણ સારા વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે.