Thu Sep 03 2026

Logo

વરસાદે વિરામ લીધો, જુલાઈ મહિનામાં રાજ્યનો 60 ટકા વરસાદ વરસી ગયો

2026-08-02 19:51:12
Author: Pooja Shah
વરસાદે વિરામ લીધો, જુલાઈ મહિનામાં રાજ્યનો 60 ટકા વરસાદ વરસી ગયો

અમદાવાદઃ ગુજરાતના મોટાભાગના જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ભારે વરસાદ પડ્યો હતો. અમુક જિલ્લામાં સરકારે રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા હતા. ગુરુ, શુક્ર અને શનિવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમ જ મધ્ય અને ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો હતો, ત્યારે રવિવારે વરસાદે વિરામ લીધો હતો. રવિવારે સવારે છથી સાંજના છ વાગ્યાના આંકડા અનુસાર રાજ્યમાં 179 તાલુકામાં વરસાદે હાજરી નોંધાવી હતી. જોકે રાજકોટ શહેરને બાદ કરતા અન્ય સ્થળોએ ઘણો જ સામાન્ય એવો વરસાદ વરસ્યો હતો. રાજકોટમાં રવિવારે 2.72 ટકા વરસાદ નોંધાયો હતો. 

વરસાદી સિઝનની શરૂઆત જૂન મહિનાથી થતી હોય છે. દેશભરમાં ચોમાસું મોડું બેઠું હતું. ગુજરાતમાં પણ જૂન મહિનો લગભગ કોરો ગયો હતો, પરંતુ જુલાઈ મહિનામાં રાજ્યમાં સતત વરસાદી માહોલ રહ્યો અને એક જ મહિનામાં સિઝનનો 60 ટકા કરતા વધારે વરસાદ વરસી ગયો હોવાનું આંકડાઓ જણાવે છે. સિઝનનો કુલ 68.58 ટકા જેટલો વરસાદ ગુજરાતમાં પડ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડાઓ અનુસાર છેલ્લા દસ વર્ષમાં આ વર્ષે જુલાઈ મહિનામાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. 2022 બાદ રાજ્યમાં જુલાઈ મહિનામાં 500 મીમી કરતા વધારે વરસાદ નોંધાયો હતો. છેલ્લા દસકામાં માત્ર ત્રીજીવાર એવું બન્યું છે કે જુલાઈ મહિનામાં આટલો વરસાદ વરસ્યો હોય, તેમ અહેવાલો જણાવે છે. 

અમદાવાદમાં એક જ દિવસમાં એકસાથે પડેલા વરસાદને કારણે શહેરનો સિઝનનો 60 ટકા કરતા વધારે વરસાદ પડી ગયો હોવાનું અહેવાલો જણાવે છે. જુલાઈના અંતમાં શહેરમાં રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ તે પ્રમાણે વરસાદ થયો ન હતો. ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વરસાદ ઓછો હોવાનું અનુમાન છે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર આગામી અઠવાડિયામા રાજ્યના મોટાભાગના જિલ્લામાં છુટાછવાયા ઝાંપટા કે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. 

દરમિયાન રાજ્યમાં સૌથી વધારે 95 ટકા વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો હતો. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 65.06 ટકા, સૌરાષ્ટ્રમાં 53.58 ટકા, ઉત્તર ગુજરાતમાં 50.12 ટકા અને કચ્છમાં 28.29 ટકા વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે રાજ્યના મોટાભાગના જળાશયો છલોછલ ભરાયા છે. કુલ 34 ડેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા હોવાની માહિતી રાજ્ય સરકારે આપી હતી.