Fri Sep 04 2026

Logo

કટોકટીની પહોંચી વળવા ગણેશમંડળોના સ્વયંસેવકોને બીએમસી ટ્રેનિંગ આપશે

2026-09-03 19:52:48
Author: Sapna Desai
કટોકટીની પહોંચી વળવા ગણેશમંડળોના સ્વયંસેવકોને બીએમસી ટ્રેનિંગ આપશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ગણેશોત્સવ દરમ્યાન સાર્વજનિક ગણેશોત્સવ મંડળોમાં રોજના હજારો ગણેશભક્તો દર્શન માટે ઉમટી પડતા હોય છે. ભીડના સમયે ધક્કાધક્કી સહિતની અન્ય કોઈ આફત ઊભી થાય તો ફાયરબિગ્રેડ સહિતની રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલા જ પરિસ્થિતિને નિયંત્રણમાં લાવી શકાય તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ સાર્વજનિક ગણેશમંડળઓના સ્વયંસેવકોને ફર્સ્ટ રિસ્પોન્ડર ઈમરજન્સી મેનેજમેન્ટ ટ્રેનિંગ આપવાની છે. દરેક મંડળના ઓછામાં ઓછા આઠ થી ૧૦ સ્વયંસેવકોને તાલીમ આપવામાં આવશ.

ગણેશોત્સવ દરમ્યાન દર્શન માટે આવનારા ભક્તો સહિત ગણેશમંડળોની સુરક્ષા અને સલામતી જાળવવા મુંબઈ મહાનગરપાલિકાએ દર વર્ષની માફ્ક આ વર્ષે પણ  ગણેશોત્સવ મંડળના ઓછામાં ઓછા આઠ થી ૧૦ સ્વયંસેવકોને  મંડળોને તાલીમ આપવાની છે, જેમાં મંડળો   દ્વારા લેવાતી સાવચેતી, આપત્તિને રોકવા માટે શું સાવચેતી રાખવી જોઈએ અને આપત્તિના સમયે કટોકટીની સ્થિતિનું સંચાલન કેવી રીતે કરવું તે અંગે મહાનગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા એક દિવસીય ફર્સ્ટ રિસ્પોન્ડર ઈમરજન્સી મેનેજમેન્ટ તાલીમ આપવામાં આવશે. 

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ગણેશોત્સવમાં  લાખો ભક્તો અને પ્રવાસીઓ મુંબઈ આવે છે. તેથી ગણેશ મંડળોના ઉત્સવના મંડપમાં ભારે ભીડ જોવા મળે છે. આવા સંજોગોમાં ભીડનું આયોજન કેવી રીતે કરવું, કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે શું કાળજી રાખવી, પ્રસાદ વહેંચતી વખતે શું સાવચેતી રાખવી, કઇ અને કેવી ઇમરજન્સી પ્રક્રિયાઓ કરવી તે અંગેની તાલીમ આપવામાં આવશે.  ઈલેક્ટ્રિક કરન્ટ સહિત આગ અને આરોગ્ય કટોકટીનો સામનો કેવી રીતે કરવો તેનું માર્ગદર્શન પણ આપવામાં આવશે. તેમજ પ્રાથમિક સારવાર અને સીપીઆર વિશેની માહિતી ડેમોસ્ટ્રેશન દ્વારા આપવામાં આવશે. 

આ તાલીમ મહાનગરપાલિકાના તમામ ૨૬ પ્રશાસકીય વોર્ડમાં હાથ ધરવામાં આવશે. આ તાલીમ માટે વોર્ડ ઓફિસ ગણેશોત્સવ મંડળો સાથે સંકલન કરશે.