Sun May 31 2026

Logo

ગુજરાતમાં ડીઝલની માંગમાં 43 ટકાનો તોતિંગ ઉછાળો, કચ્છ મોખરે

2026-05-30 10:26:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદ: ઈરાન સંકટના કારણે દેશમાં છેલ્લા 15 દિવસમાં પેટ્રોલ-ડીઝલમાં ચાર વખત ભાવ વધારો થયો છે. આ દરમિયાન પેટ્રોલ અને ડીઝલમાં પ્રતિ લીટરે 7 થી 8 રૂપિયા જેટલો વધારો થયો છે. પેટ્રોલ-ડીઝલમાં વધી રહેલા ભાવની અસર હવે આ તેની માંગ પર જોવા મળી રહી છે. રાજ્યમાં મે મહિનામાં ઈંધણની માંગ ગત વર્ષના સમાનગાળાની સરખામણીએ 42.6 ટકા વધી છે. રાજ્યમાં પેટ્રોલ-ડીઝલની વધી રહેલી માંગના કારણે અછત ન સર્જાય તે માટે ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમે લોજિસ્ટ્કિસ અને સપ્લાય કામગીરી ઝડપી બનાવી છે.

આ ત્રણેય સરકારી ઇંધણ રિટેલર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, રાજ્યમાં 1 મે થી 28 મે વચ્ચે ડીઝલનું વેચાણ વધીને 6.26 લાખ કિલોલીટર થયું છે, જે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 4.39 લાખ કિલોલીટર હતું.

કચ્છમાં સૌથી વધુ વપરાશ

મધ્ય પૂર્વમાં ચાલી રહેલાં યુદ્ધને કારણે સર્જાયેલી ડીઝલની સૌથી વધુ માંગ કચ્છમાં જોવા મળી હતી. અહીંયા ડીઝલની માંગ 75.9 ટકા વધી હતી.  જે બાદ ડીઝલની માંગમાં બોટાદમાં 72.3 ટકા, ગીર સોમનાથમાં 72.2 ટકા, બનાસકાંઠામાં 69.4 ટકા, જૂનાગઢમાં 64.1 ટકા વધારો થયો હતો. આ જિલ્લામાં હાલ વાવણી કાર્યનો આરંભ થઈ ગયો હોવાથી ડીઝલની માંગ વધુ જોવા મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

આ ઉપરાંત જો કુલ જથ્થાની  વાત કરવામાં આવે તો, કચ્છ લગભગ 66,000 કિલોલીટર ડીઝલના વપરાશ સાથે રાજ્યમાં મોખરે રહ્યું છે. અમદાવાદ 61,271 કિલોલીટર સાથે બીજા ક્રમે, જ્યારે સુરત 52,358 કિલોલીટર અને વડોદરા 35,285 કિલોલીટર જથ્થા સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા નંબરે રહ્યા હતા.

માંગ વધવાનું મુખ્ય કારણ શું છે?

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ જણાવ્યું હતું કે, માંગમાં આ ઉછાળો મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાં વાવણીની શરૂઆતના કારણે છે. આ ઉપરાંત, કંપનીઓએ મુજબ, ખાનગી સપ્લાયર્સ સાથેના ભાવ તફાવતને કારણે ખરીદદારો હવે સરકારી પેટ્રોલ પંપ તરફ વળી રહ્યા છે. મોટા સંસ્થાગત અને વ્યાપારી ગ્રાહકો પણ સીધા રિટેલ પંપ પરથી ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે.

ગભરાવાની જરૂર નથી, પુરવઠો પૂરતો છે

ઈંધણની માંગને પહોંચી વળવા ત્રણેય સરકારી કંપનીઓ તેમના ટર્મિનલ્સ, ડેપો, પાઇપલાઇન્સ, રાંધણ ગેસ બોટલિંગ પ્લાન્ટ્સ અને રિટેલ આઉટલેટ્સના દેશવ્યાપી નેટવર્કનો ઉપયોગ કરી રહી છે. લોજિસ્ટિક્સ ટીમો, ટ્રાન્સપોર્ટ વાહનો અને ટર્મિનલ સુવિધાઓ 24 કલાક કાર્યરત છે. સપ્લાય ચેઇનને સુમેળભરી રાખવા માટે આ કંપનીઓ રાજ્ય સરકારના અધિકારીઓ સાથે મળીને પણ કામ કરી રહી છે.

કંપનીઓએ તેમની પાસે પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસનો પૂરતો સ્ટોક હોવાની પુષ્ટિ કરી હતી. ઉપરાંત સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ચાલુ હોવાથી નાગરિકોને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા સલાહ આપી હતી.