Thu Jun 18 2026

Logo

ગુજરાતમાં વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યામાં 47  ટકાનો વધારો થયો

2026-04-10 21:37:32
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં વન વિભાગની બે દિવસીય ચિંતન શિબિરના સમાપન અવસરે જણાવ્યુ કે, ગુડ ગવર્નન્સ માટે સતત ચિંતન કરવું અત્યંત જરૂરી છે. તેમણે  જણાવ્યું કે રાજ્યમાં ગ્રીન કવર વધારીને જ ગ્લોબલ વોર્મિંગની વિનાશક અસરોમાંથી પોતાને અને આવનારી પેઢીઓને બચાવી શકાશે. તેમજ  પર્યાવરણલક્ષી અભિયાનોના સકારાત્મક પરિણામોથી છેલ્લા 12 વર્ષમાં રાજ્યમાં વન વિસ્તાર બહારના વૃક્ષોની સંખ્યામાં 47 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે. 

મુખ્યમંત્રીએ ટેકનોલોજીના ઉપયોગ દ્વારા બિન ઉપજાઉ જમીનમાં વધુને વધુ વૃક્ષો વાવીને રાજ્યને હરિયાળું બનાવવા પણ આહવાન કર્યુ હતું. વૃક્ષારોપણ, પાણી સંરક્ષણ અને પર્યાવરણ જાળવણીના કાર્યોમાં જનભાગીદારી વધી રહી છે.

દરિયા કિનારે મેન્ગ્રુવના જંગલોમાં પણ વધારો

આ અંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં વર્ષ 2003 ‌માં સૌ પ્રથમ વન વિભાગની ચિંતન શિબિર યોજાઈ હતી ત્યારબાદ આ બીજી ચિંતન શિબિર છે. આ બે દિવસીય ચિંતન શિબિરમાં વન વિભાગ અધિકારીઓમાં સમાયેલી કાર્ય શક્તિ અને આગવી ટેલેન્ટ જોવા મળી છે. ગુજરાત સૌથી વધુ દરિયા કિનારો ધરાવતા ગુજરાતે ઉદ્યોગોના વિકાસની વચ્ચે  દરિયા કિનારે મેન્ગ્રુવના જંગલોમાં પણ વધારો કર્યો છે. 

જિલ્લાઓમાં 8  થી 10 હાઇટેક નર્સરી તૈયાર કરવાનું આયોજન 

ગુજરાતમાં નર્સરી કલ્ચરને પ્રાધાન્ય આપીને‌ ગ્રીન કવર વધારવા માટે વિવિધ જિલ્લાઓમાં 8  થી 10 હાઇટેક નર્સરી તૈયાર કરવાનું આયોજન છે. જેમાં એગ્રો,હોર્ટિકલ્ચર અને વન વિભાગ એમ ત્રણ પ્રકારે મોટા છોડ સાથેની નર્સરી તૈયાર કરવામાં આવશે જેથી વૃક્ષ જીવંત રહેવાનું પ્રમાણ વધી જશે. આ ઉપરાંત ગુજરાતમાં ઇકો ટુરીઝમની અપાર સંભાવનાઓ છે જેને વધુ બળ આપવામાં આવશે. 

રાજ્યમાં સિંહોની સંખ્યા સતત વધી

ગુજરાતમાં  વન્યજીવોના સંરક્ષણના લીધે રાજ્યમાં સિંહોની સંખ્યા સતત વધી રહી છે. તદુપરાંત, રાજ્યમાં વાઘ અને ચિત્તાના આગમન સાથે વન્યજીવ સૃષ્ટિ પણ વધુ સમૃદ્ધ બની રહી છે.હાલમાં રાજ્યનો કુલ વન વિસ્તાર 11 ટકા છે, જેને વધારીને 13  ટકા સુધી લઈ જવા તેમણે સૌને આહ્વાન કર્યું હતું. રાજ્યમાં વનીકરણના સફળ મોડલ એવા ‘વન કવચ'ને વર્ષ 2035  સુધીમાં 10  થી 15  હજાર ગ્રામ પંચાયતો સુધી લઈ જવાનું અને પીપીપી મોડલ દ્વારા ઇકો ટુરિઝમ પોલિસી અમલી બનાવી લોકોની આજીવિકા વધારવાનું આયોજન છે.