Thu Jun 18 2026

Logo

કચ્છને મોટી ભેટ: આદિપુર-ભુજ વચ્ચે રૂ. ૪૯૩ કરોડનો ડબલ ટ્રેક મંજૂર, દરરોજ બે નવી ટ્રેનો દોડાવી શકાશે

2026-06-18 14:53:49
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: રણપ્રદેશ કચ્છમાં ભારતીય રેલવેના માળખાકીય વિકાસને વધુ વેગ આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી ભેટ આપવામાં આવી છે. પશ્ચિમ અને પૂર્વ કચ્છમાં રેલવે લાઈનોના વિસ્તૃતીકરણના ચાલી રહેલા ધમધમાટ વચ્ચે, હાલમાં સિંગલ ટ્રેક ધરાવતા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા ૪૯ કિલોમીટર લાંબા આદિપુર-ભુજ રેલવે સેક્શનને ડબલ ટ્રેક કરવાના મેગા પ્રોજેક્ટને રેલવે મંત્રાલયે સત્તાવાર મંજૂરી આપી દીધી છે.

અમદાવાદ રેલવે ડિવિઝનના ડીઆરએમ  વેદપ્રકાશે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આશરે ૪૯ કિલોમીટર લંબાઈના આ ડબલિંગ પ્રકલ્પ માટે રૂા. ૪૯૩ કરોડની માતબર રકમની ફાળવણી કરવામાં આવી છે. રેલવે નેટવર્કની ક્ષમતા વધારવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલા સંરચના વિકાસ કાર્યક્રમ હેઠળ આ મંજૂરી અપાઈ છે, જેની ટેન્ડરિંગ પ્રક્રિયા ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે.

ભુજ-નલિયા ગેજ પરિવર્તનની ઐતિહાસિક કામગીરી પૂર્ણ થયા બાદ હવે પશ્ચિમ કચ્છમાં નલિયા-જખૌ, વાયોર, દેશલપર-હાજીપીર, લુણા અને ધોળાવીરા સુધી નવા રેલવે ટ્રેકની મંજૂરી મળતાં ત્યાં કામગીરી પ્રગતિ હેઠળ છે. આ તમામ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં ગાંધીધામ-નલિયા સેક્શન પર પ્રવાસીઓ અને ગુડ્સ ટ્રેનોના  ટ્રાફિકનું ભારણ અતિશય વધી જવાનું છે. રેલવેના આંતરિક અંદાજ મુજબ, આદિપુર-ભુજ લાઈનની ક્ષમતાનો ઉપયોગ વર્ષ ૨૦૨૯-૩૦ સુધીમાં ૧૨૩ ટકા જેટલો થઈ જશે. આથી સમયની માંગને વરતીને આ ટ્રેકનું ડબલિંગ કરવું અનિવાર્ય બન્યું હતું. આ યોજનાથી રેલ માર્ગની ભીડ (કંજેશન) ઘટશે અને ટ્રેનોના સંચાલનમાં સરળતા રહેશે.

સિંગલ લાઈનની મર્યાદાને કારણે ગાંધીધામ સુધી આવતી લાંબા અંતરની ટ્રેનોને ભુજ સુધી લંબાવવામાં મુશ્કેલી પડતી હતી. હવે આ લાઈન ડબલ થતાં દરરોજ બે નવી લાંબા અંતરની પ્રવાસી ટ્રેનો દોડાવી શકાશે, જેનાથી મુસાફરોને બહેતર કનેક્ટિવિટી મળશે. માલ પરિવહન ક્ષેત્રે કચ્છ જિલ્લો અમદાવાદ ડિવિઝનને સિંહફાળો આપે છે. આ ડબલ ટ્રેક બનવાથી દર વર્ષે વધારાના ૧૨ મિલિયન ટન માલ સામાનનું પરિવહન શક્ય બનશે, જે પશ્ચિમ ગુજરાતની લોજિસ્ટિક્સ વ્યવસ્થાને સંગીન બનાવશે.

કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારતા જણાવ્યું હતું કે, આ રેલખંડ ડબલ થવાથી બંને દિશાઓમાંથી એકસાથે ટ્રેનો દોડાવી શકાશે. ટ્રાફિકનું ભારણ ઘટવાથી ટ્રેનો સમયસર દોડશે અને કચ્છના આર્થિક-ઔદ્યોગિક વિકાસને નવી પાંખો મળશે.

નોંધનીય છે કે, કચ્છ જિલ્લામાં હાલમાં રેલવેના અબજો રૂપિયાના વિકાસકામો ચાલી રહ્યા છે. તાજેતરમાં જ ગાંધીધામ-આદિપુર વચ્ચે નવી ચાર રેલવે લાઈનો કાર્યરત કરવામાં આવી છે. આ ઉપરાંત સામખિયાળી-ગાંધીધામ વચ્ચે પણ વધારાની ચાર લાઈન નાખવાનું કામ યુદ્ધના ધોરણે ચાલુ છે. સામખિયાળીથી વિરમગામ અને સામખિયાળીથી પાલનપુર સેક્શન ઓલરેડી ડબલ ટ્રેક થઈ ચૂક્યા છે. 

ગાંધીધામ અને આદિપુર વચ્ચે આવેલા ગોપાલપુરી રેલવે સ્ટેશનનું પણ કરોડોના ખર્ચે નવનિર્માણ કરાયું છે, જે આગામી સમયમાં ધમધમતું થશે. સાથે જ, આદિપુર રેલવે સ્ટેશને એન્જિન ફેરવ્યા વિના ટ્રેનો સીધી પસાર થઈ શકે તે માટે ‘વાય કનેક્ટિવિટી’ અને વધારાના નવા પ્લેટફોર્મ બનાવવાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. 

(ઉત્સવ વૈદ્ય)