Thu Jun 18 2026

Logo

ગુજરાત SEZનો નવો રેકોર્ડ: નિકાસ રૂ. 3 લાખ કરોડને પાર, 12 વર્ષમાં 67 ટકાનો જંગી ઉછાળો

2026-06-18 13:04:00
Author: Mayur Patel
Article Image

અમદાવાદઃ ગુજરાતમાં આવેલા SEZ (સ્પેશિયલ ઈકોનોમિક ઝોન્સ)એ વર્ષ 2025-26માં રૂ. 3,00,793  કરોડની નિકાસ નોંધાવી હતી. રાજ્યમાં SEZથી થતી નિકાસે પ્રથમ વખત રૂ. 3 લાખ કરોડનો આંકડો પાર કર્યો હતો. 12 વર્ષ પહેલાં એટલે કે 2014-15માં SEZની નિકાસ રૂ. 1,79,808 કરોડ હતી, જેની સરખામણીએ આ મોટો વધારો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા 12 વર્ષમાં ગુજરાતના SEZમાંથી થતી નિકાસમાં આશરે 67 ટકાનો વધારો થયો છે. દેશની કુલ SEZ નિકાસમાં રાજ્ય આશરે 21 ટકા ફાળો આપે છે.  ગુજરાતના SEZની 12 વર્ષની સિદ્ધિઓ અને પ્રગતિ તેમજ ભવિષ્ય માટેનું વિઝન વિષય પર યોજાયેલા પ્રોગ્રામ દરમિયાન આ સિદ્ધિઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં બોલતા વાણિજ્ય મંત્રાલયના એડિશનલ સેક્રેટરી અજય ભાદુએ જણાવ્યું હતું કે, ભારતની એકંદર નિકાસ છેલ્લા દાયકામાં લગભગ બમણી થઈ ગઈ છે, જે અંદાજે 441 બિલિયન ડોલરથી વધીને નાણાકીય વર્ષ 2025-26માં રેકોર્ડબ્રેક 863 બિલિયન ડોલર થઈ ગઈ છે.

કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાતના SEZમાં રોકાણ 2014-15માં રૂ, 1,22,654  કરોડ હતું જે વધીને 2025-26માં રૂ, 2,28,624 કરોડ થયું છે. આ જ સમયગાળા દરમિયાન, SEZ દ્વારા ઊભી કરવામાં આવેલી રોજગારી 63,475થી વધીને 2.22 લાખ પર પહોંચી ગઈ છે.

આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું કે, રાજ્યએ તાજેતરમાં વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 જાહેર કરી છે, જેમાં 21 ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે. આ નીતિ રોકાણ આકર્ષશે અને ઔદ્યોગિક વિકાસને વેગ આપશે.