Wed Aug 26 2026

Logo

પાકિસ્તાની એરસ્પેસમાં ભારતીય વિમાનો પરનો પ્રતિબંધ એક મહિના લંબાવાયો

lahore   2026-06-17 21:48:00
Author: Mumbai Samachar Team
પાકિસ્તાની એરસ્પેસમાં ભારતીય વિમાનો પરનો પ્રતિબંધ એક મહિના લંબાવાયો

લાહોરઃ પાકિસ્તાને આજે ભારતમાં રજીસ્ટર્ડ વિમાનો માટે પોતાના એરસ્પેસન (હવાઈ ક્ષેત્ર)માં પ્રવેશ પરનો પ્રતિબંધ વધુ એક મહિના એટલે કે 24 જુલાઈ સુધી લંબાવી દીધો છે. આ પ્રતિબંધો પહેલી વાર એપ્રિલ 2019માં લગાવવામાં આવ્યો હતો. તે સમયે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓ 26 લોકોની હત્યા કરી હતી. બાદમાં બંન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો અને ચાર દિવસ સુધી સૈન્ય સંઘર્ષ ચાલ્યો હતો.

ભારતે પણ પાકિસ્તાની વિમાનોનો ભારતીય એરસ્પેસમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો હતો. પાકિસ્તાની એરપોર્ટસ ઓથોરિટીએ આજે જાહેર કરેલી એક નોટિસમાં કહ્યું હતું કે ભારતીય વિમાનો નાગરિક અને લશ્કરી બંને – પર લગાવવામાં આવેલો પ્રતિબંધ 16 જૂન સાંજે 5:50 વાગ્યાથી 24 જૂલાઈ સવારે 4:59 વાગ્યા સુધી અમલમાં રહેશે.

જોકે બંન્ને દેશો વચ્ચે લશ્કરી તણાવ ઓછો થયો છે પરંતુ રાજદ્વારી સંબંધો હજુ પણ તણાવપૂર્ણ રહ્યા છે. એરસ્પેસ લાંબા સમય સુધી બંધ રહેવાથી ભારતીય એરલાઇન કંપનીઓ માટે સંચાલન ખર્ચમાં વધારો થવાની ધારણા છે, જેમાંથી ઘણી કંપનીઓને મધ્ય એશિયા, યુરોપ, પશ્ચિમ એશિયા અને ઉત્તર અમેરિકાના સ્થળોએ જવા માટે લાંબો રૂટ લેવાની ફરજ પડી છે.