Mon Sep 14 2026

Logo

'ઓપરેશન ટાઈગર' સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી, બાવનકુળેનો રાઉતને જવાબ

2026-06-18 15:41:00
Author: Mumbai Samachar Team
'ઓપરેશન ટાઈગર' સાથે ભાજપને કોઈ લેવાદેવા નથી, બાવનકુળેનો રાઉતને જવાબ

મુંબઈઃ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી)માંથી પક્ષપલટાના કોઈ પણ કથિત પ્રયાસ સાથે તેમની પાર્ટીનો કોઈ સંબંધ નથી, એમ મહારાષ્ટ્ર ભાજપના નેતા ચંદ્રશેખર બાવનકુળેએ ગઈકાલે ભારપૂર્વક જણાવ્યું હતું. શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે મંગળવારે મોડી રાત્રે દાવો કર્યો હતો કે "મહારાષ્ટ્રના સાંસદોને ખરીદવા માટે 15 કરોડ રૂપિયા એડવાન્સ" આપવામાં આવી રહ્યા છે.

રાઉત દ્વારા કરવામાં આવેલ આરોપો અંગેના પ્રશ્નોના જવાબમાં,  બાવનકુળેએ નાગપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ફક્ત નાણાકીય કારણોસર તેમના રાજકીય હોદ્દા બદલ્યા એમ કહેવું અયોગ્ય છે. 

"મને 'ઓપરેશન ટાઇગર' વિશે કોઈ માહિતી નથી. મને ખબર નથી કે 'ઓપરેશન ટાઇગર' શું છે. કારણ કે મારી પાસે તેના વિશે કોઈ માહિતી નથી, તેથી મારા માટે આ મુદ્દા પર ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં."ભાજપના નેતાએ કહ્યું કે રાજકીય પક્ષો અને તેમના ધારાસભ્યો અંગેના નિર્ણયો સંબંધિત પક્ષના નેતૃત્વનો વિષય છે. " ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જાણે છે કે તેમના પક્ષોમાં શું ચાલી રહ્યું છે. ભાજપનો આ સમગ્ર મુદ્દા સાથે કોઈ સંબંધ નથી," તેમણે જણાવ્યું હતું.

બાવનકુળેએ વધુમાં કહ્યું કે ભાજપ અને તેના નેતાઓને વિવાદમાં ઘસડવાના પ્રયાસો ગેરવાજબી છે. ઉદ્ધવ ઠાકરે ધારાસભ્યો અને સાંસદોને પોતાનો પક્ષ છોડતા અટકાવવામાં અસમર્થ હોવાની ટીકા અંગે પૂછવામાં આવતા, બાવનકુળેએ કહ્યું કે સેના (યુબીટી)ના વડાએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ.