Tue Jul 28 2026

Logo

Knowledge: દુનિયાને ચોંટાડતું ફેવીક્વિક પોતાની બોટલમાં કેમ નથી ચોંટતું? જાણો તેની પાછળનું સાયન્સ...

2026-06-18 15:59:27
Author: Darshana Visaria
Article Image

ઘરમાં જ્યારે પણ કોઈ પ્લાસ્ટિકની વસ્તુ, રમકડું કે કાચનો સામાન તૂટે ત્યારે આપણને સૌથી પહેલા 'ફેવિક્વિક' યાદ આવે છે. માત્ર થોડા રૂપિયામાં મળતી આ નાનકડી ટ્યુબ સેકન્ડોમાં વસ્તુઓને એવી રીતે જોડી દે છે કે જાણે તે ક્યારેય તૂટી જ ન હોય! ઘણીવાર તો જો તે હાથ પર પડી જાય, તો ચામડીને પણ એવી રીતે ચોંટાડી દે છે કે તેને છોડાવવી મુશ્કેલ બની જાય છે. પરંતુ શું તમારા મનમાં ક્યારેય એવો સવાલ થયો છે કે, જે ગ્લુ દુનિયાની બધી વસ્તુઓને મિનિટોમાં ચોંટાડી દે છે, તે પોતાની બોટલની અંદર કેમ નથી ચોંટતો? આની પાછળ વિજ્ઞાનનો એક ખાસ નિયમ કામ કરે છે...

અસલી તાકાત છે આ ખાસ કેમિકલ
ફેવીક્વિકની અંદર કોઈ જાદુ નથી, પરંતુ તેમાં 'સાયનોએક્રિલેટ' નામનું એક શક્તિશાળી લિકવિડ કેમિકલ હોય છે. આ જ એ મુખ્ય ઘટક છે જે ફેવીક્વિકને સુપર સ્ટ્રોંગ ગ્લુ બનાવે છે. સામાન્ય ગુંદર કે ફેવીકોલની જેમ આ કેમિકલને સુકાવા માટે કલાકો સુધી રાહ જોવી પડતી નથી. આ કેમિકલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને એક્ટિવ થવા માટે માત્ર ભેજની જરૂર હોય છે.

વાતાવરણના સંપર્કમાં આવતા જ બને છે પથ્થર
આપણી આસપાસની હવામાં અને જે વસ્તુને આપણે ચોંટાડીએ છીએ તેની સપાટી પર થોડો ઘણો ભેજ હંમેશા હાજર હોય છે. વળી, આપણા હાથની ત્વચા પર પણ કુદરતી ભેજ હોય છે. જેવું ફેવીક્વિક આ ભેજના સંપર્કમાં આવે છે, તે તરત જ એક્ટિવ થઈ જાય છે અને પ્લાસ્ટિક જેવો મજબૂત બોન્ડ બનાવી લે છે.

તો પછી બોટલની અંદર કેમ નથી જામતું?
ફેવીક્વિક પોતાની જ બોટલમાં ન જામવાનું કારણ તેની એરટાઈટ પેકેજિંગ ટેકનોલોજી છે. ફેક્ટરીમાં જ્યારે આ લિકવિડને બોટલ કે ટ્યુબમાં ભરવામાં આવે છે, ત્યારે ત્યાંના વાતાવરણને ઝીરો મોઇશ્ચર રાખવામાં આવે છે. બોટલની અંદર બિલકુલ હવા કે પાણીના કણો હોતા નથી. જ્યાં સુધી સાયનોએક્રિલેટ કેમિકલને હવા કે ભેજનો સાથ ન મળે, ત્યાં સુધી તે કોઈ પ્રતિક્રિયા કરી શકતું નથી. આથી તે મહિનાઓ સુધી બોટલમાં સુરક્ષિત રહે છે.

બોટલ ખુલ્લી રહેતા જ કેમ સુકાઈ જાય છે?
તમે નોંધ્યું હશે કે જો ફેવીક્વિકની બોટલ એકવાર ખોલ્યા પછી તેને બરાબર બંધ કરવામાં ન આવે, તો તે અંદર જ પથ્થર જેવી કડક થઈ જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે બોટલનું મોં ખુલ્લું રહેતા જ બહારની હવા અને ભેજ અંદર પ્રવેશી જાય છે અને કેમિકલ બોટલની અંદર જ જામી જાય છે.

બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલો છે ઈતિહાસ
શું તમે જાણો છો કે સાયનોએક્રિલેટ કેમિકલની શોધ આકસ્મિક રીતે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન થઈ હતી? તે સમયે વૈજ્ઞાનિકો સૈનિકોની બંદૂકો માટે એકદમ સાફ અને પારદર્શક પ્લાસ્ટિક બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એ સંશોધન દરમિયાન ભૂલથી આ સુપર ગ્લુની શોધ થઈ ગઈ હતી.

છે ને એકદમ ઈન્ટરેસ્ટિંગ ઈન્ફોર્મેશન, આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે ચોક્કસ શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ જ વધારો કરો અને આવી જ બીજી કામની માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો...