માવજી મહેશ્વરી
‘શું જોઈ રહ્યા છો?’ સોનલે પોતાની સામે એકીટશે જોઈ રહેલા સનતને પૂછ્યું.
‘હું જોઉં છું કે કુદરતે તમારી કેવી કસોટીઓ કરી છે. તમે ખરેખર નિખાલસ છો. તમારામાં જરાય દંભ નથી.’
‘થેન્કસ, ક્યારેક કુદરત ઘણું બધું છીનવીને કેટલુંક આપતી હોય છે. મને જે મળ્યું તે ગુમાવ્યાના બદલામાં મળેલું છે સનત. મેં ખૂબ ગુમાવ્યું છે. ખાસ કરીને મારું બાળપણ, જે ઉંમરમાં છોકરીઓ પતંગિયાંની માફક ઉડાઉડ કરતી હોય છે તે ઉંમરે હું ચોપડીઓમાં માથું ઘાલીને સમય પસાર કરતી. જાણે મારી અંદરની તમામ સંવેદનાઓ બુઠ્ઠી થઈ ગઈ હતી. હું એકાંકી થતી ગઈ. હા, મમ્મી ગઈ તે પછી દાદા એકદમ બદલાઈ ગયા હતા. જાણે મમ્મીને તિરસ્કારવાનો પસ્તાવો કરતા હોય તેમ એ મારા થઈ ગયા હતા. તે વખતે મને પણ એવા કોઈ વ્યક્તિના સહારાની જરુર હતી. દાદા મારા દોસ્ત બની ગયા હતા.’
‘તમારા પપ્પા એ વખતે તમારાથી નજીક નહોતા?’
‘પપ્પાની હાલત વિચિત્ર હતી. માણસને જે ગમતું હોય તે મળે, તેમ છતાં એનો આનંદ ન લઈ શકે કે ન તો એનો રાજીપો બતાવી શકે. આમ તો મમ્મીએ પપ્પાથી મોં ફેરવી લીધું હતું. કદાચ પપ્પાની એટલી હિંમત પણ નહોતી કે મમ્મીને સમજાવી શકે. વળી એમની પાસે એ માટે એક ઓપ્શન હતું જ. જોકે એ પણ હકીકત છે કે પપ્પાને મમ્મીના મૃત્યુનો મોટો આઘાત લાગ્યો હતો. હું પપ્પાનો વિચાર કરું છું તો થાય છે કે કુદરતે એમને કેવા કેવા વળાંકો પર ઊભા રાખી દીધા છે.
મારી મમ્મી સાથે લગ્ન તો કરી લીધા પણ મુંબઈ લઈ જઈ શકે તેમ નહોતા. તો કુદરતે કમલામાને ઉપાડી લીધાં. મારી મમ્મી સાથે એ બરાબર ગોઠવાયા ત્યાં એમના જીવનમાં ત્રીજી સ્ત્રીએ પ્રવેશ કર્યો. પપ્પા એની સાથે લગ્ન કરવા માગતા નહીં હોય. પણ કુદરતે ફરી એકવાર એમનો રસ્તો ખુલ્લો કર્યો. મારી મમ્મી ચાલી ગઈ. મીનાક્ષી સાથે લગ્ન કરવા માટે એમને કાયદેસર એક કારણ મળી ગયું.’
‘તમારા પપ્પાને એવી શંકા ગઈ નહોતી કે મીનાક્ષીએ તમારી મમ્મીને મરાવી નાખ્યાં હોય.’
‘ના, એમણે એ દિશામાં વિચાર્યું જ નહોતું. જોકે એકલતાના સમયમાં પડખે રહેનાર સ્ત્રી પુરુષની નજરમાં શંકારહિત હોય છે. કદાચ પપ્પાને એટલે પણ વિચાર ન આવ્યો હોય એવું બની શકે.’
‘કેટલા સમય પછી પપ્પાએ તમારી ત્રીજી મમ્મી સાથે લગ્ન કર્યાં? તેમણે તમારા દાદા સાથે કોઈ ચર્ચા કરી હતી?’
‘મીનાક્ષી સાથે લગ્ન કરતી વખતે તો પપ્પાએ ફૂંકી ફૂંકીને પીધું હતું. કદાચ પપ્પાએ એને કેટલુંક સમજાવ્યું હશે. મારી મમ્મીના મૃત્યુ પછી એ અવારનવાર ઘેર આવવા લાગી હતી. દાદા સાથે તેણે ઈન્ટીમસી કેળવી લીધી હતી. ખબર નહીં મારો મોટોભાઈ એ સ્ત્રીના ઈરાદા કળી ગયો હોય તેમ તે એનાથી બોલતો નહીં. એ સ્ત્રી અતિ ચાલાક અને ધીરજવાન છે. એ કશું કાચું કાપવા માગતી નહોતી. તમને નવાઈ લાગશે કે લગ્ન પહેલા એ ઘણીવાર મને ફરવા બહાર તેડી ગઈ હતી. એ આવતી ત્યારે હંમેશાં મારા માટે મને ગમતી ચોકલેટ લઈ આવતી.
જોકે એનું મધરહૂડ બહુ સારું છે. તે કદી મને વઢી નથી. એટલું જ નહીં રજાના દિવસે બપોરે તે મારા રૂમમાં આવતી અને મને વળગીને સૂઈ જતી. મને એ સ્ત્રી તરફ કોઈ અભાવ નથી જાગ્યો. જોકે એ ખૂબ રૂપાળી છે. કોઈ પણ બાળકને વહાલ કરે તો ગમી જાય એવી. પપ્પાથી પંદર વર્ષ નાની છે. આજેય બહાર જવાનું હોય અને તૈયાર થાય ત્યારે મારા ભાઈઓની પત્નીઓને એની ઈર્ષા આવે છે.’
‘એક વિચિત્ર પ્રશ્ન કરું?’
‘યાર આટલી રામાયણ કર્યા પછી પણ આવું પૂછો છો? તમ તમારે બેધડક પૂછો.’
‘તમારી ત્રીજી મમ્મીમાંથી છોકરું કેમ ન થયું?’
સોનલ થોડીવાર હસતી જ રહી. સનતે જોયું કે સોનલ આવું પહેલીવાર હસી છે. કદાચ આજ તેનું અસલી હાસ્ય હશે. તેણે હસતા હસતા જ જવાબ આપ્યો. વાહ ઈન્ટ્રેસ્ટીંગ સવાલ પૂછ્યો. હું મારા પપ્પા મમ્મીના બેડરૂમની ચોકીદાર હોત તો મને જરૂર ખબર હોત. યાર આ સવાલ ખરેખર તમારે મારી મમ્મીને પૂછવો જોઈએ. કારણ કે પપ્પાએ તો સાબિતિ આપી દીધી હતી કે તેઓ ઈચ્છે કે ન ઈચ્છે તેઓ છોકરા પેદા કરવા સક્ષમ છે જ. જેમ કે હું. મને નવાઈ લાગે છે કે પપ્પા જેવો પુરુષ આવી ભૂલ કેમ કરી બેઠો? જ્યારે આટલા બધા સાધનો પડ્યા છે.’ સોનલ ફરી એકવાર હસી.
‘મારા પ્રશ્નનો કચરો જ કરી નાખ્યો. બાય ધ વે સ્વાભાવિક છે કે કોઈ પણ સ્ત્રીને એવી ઈચ્છા થાય કે એને પોતાનું બાળક હોય.’
‘પપ્પાની ત્રણ પ્રોડક્ટ તો ઓલરેડી ઘરમાં પડી જ હતી. પપ્પાને વધુ ઉત્પાદનમાં રસ નહીં હોય. રહી મમ્મીની વાત. તો પપ્પાએ બાળક ન પેદા કરવાની શરતે જ એની સાથે લગ્ન કર્યા હતા.’
‘મતલબ પપ્પાએ તમારું સૌનું હિત જોયું એમ જ ને.’
‘જે હોય તે, પપ્પાના કેટલાક નિર્ણયો હંમેશાં મને ગમ્યા છે.’
‘તમારા પપ્પાના સાળાઓએ ત્રીજા લગ્ન વખતે વિરોધ ન કર્યો?’
‘ના, જરાય નહીં. એમને જે વાંધો હતો તે મારી મમ્મી સામે હતો. જોકે એમને પપ્પા સાથે બોલવાના વહેવાર નથી. એ લોકો મારા ભાઈઓ સાથે ફોન પર વાત કરી લે છે.’
‘તમારી ભાભીઓ તમારી સ્ટોરી જાણે છે?’
‘હા, જાણે છે ને. એ મને નણંદ તરીકે માન આપે. તેમ છતાં ભાઈઓ મને બહેન નથી માનતા કે મારી પાસે રાખડી પણ બંધાવતા નથી એ કારણે મારાથી થોડું અંતર રાખે છે. બેય જણી શોખીન છે. એ આખાય જમેલામાં હું ન્યુટ્રલ છું. હું કોલેજમાં આવી ત્યાં સુધીમાં મને મારું ભવિષ્ય સમજાઈ ગયું હતું. મને ખબર હતી કે હું જે લોકો વચ્ચે રહું છું તેમની બધાને પોતાની દુનિયા છે.’
‘તમારા અભ્યાસ વગેરેના નિર્ણયો તમે જાતે લીધા હતા કે ઘરમાંથી કોઈએ મદદ કરી હતી?’
‘મને એ લોકોની ઉપેક્ષાનો સૌથી મોટો ફાયદો એ મળ્યો કે કદી કોઈએ મારા ભણવામાં ઈન્ટરફીયર જ ન કર્યું. મેં અત્યાર સુધીના મારા નિર્ણયો જાતે લીધા છે. મારા દાદા હતા ત્યાં સુધી મને પૂછતા. મારી ચિંતા પણ કરતા. એમના સિવાય કોઈએ એ જાણવામાં પણ રસ નથી લીધો કે હું શું ભણું છું. મારું પરિણામ શું આવ્યું. જાણે હું એ ઘરમાં પેઈંગ ગેસ્ટ હોઉં. જોકે કોલેજમાં આવ્યા પછી મારી જીભ ખૂલી ગઈ હતી. ભાઈઓ જ્યારે કોઈ વાત પર મારી સાથે માથાકૂટ કરતા ત્યારે હું પણ એમને સંભળાવી દેતી...’
‘એક સાવ અંગત સવાલ કરું? સાચો જવાબ દેજો. તમને કોઈ છોકરો ગમી ગયો હોય. આઈ મીન......’
‘સમજી ગઈ બાબા સમજી ગઈ. હું ખોટું નથી જ બોલી. મને અત્યાર સુધી કોઈ છોકરો ગમ્યો નથી કદાચ હવે પણ ગમશે કે કેમ તે હું જાણતી નથી. મને તો બોયફ્રેન્ડ શબ્દ જ સમજાતો નથી. કદાચ કુદરતે મારી અંદર છોકરીમાં હોય એવા કોઈ પાર્ટસ જ મૂક્યા નથી. જો લગ્ન કરીશ અને તે ઈમોશનલ માણસ હશે તો રોજ માથું કૂટશે. કેમકે મને શરમાતા જ નથી આવડતું !’
‘છોકરીએ શરમાવું જરૂરી છે?’
‘પણ આપણે જે દેશમાં રહીએ છીએ તે દેશમાં પરણીને આવનાર છોકરી પાસે પુરુષને કેટલીક અપેક્ષાઓ હોય છે. તમે માઠું ન લગાડશો પણ ભારતીય પુરુષ ઘરવાળી પાસે ઈચ્છે કે તે શરમાય અને બહારવાળી પાસે એવી અપેક્ષા રાખે છે કે તે બેશરમ બને.’
‘એક વાતની નવાઈ લાગે છે કે તમે કોઈના પ્રેમમાં નથી પડ્યા, એવું કરતા તમને આવડતું નથી. તેમ છતાં તમે સ્ત્રી પુરુષ વિશે ખાસ્સું જાણો છો.’
‘અતિજ્ઞાન માણસના જીવનરસને સૂકવી મૂકે છે. હું અતિજ્ઞાની છું. મેં મારી લાઈફનો અડધો અડધ સમય વાંચવામાં પસાર કર્યો છે. તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા છો કે ગુજરાતીમાં ?’
‘ગુજરાતી માધ્યમમાં’ સનતે જરા ઢીલો જવાબ આપ્યો.
‘ગુજરાતી માધ્યમમાં ભણવું એ કોઈ શરમની વાત નથી. જો તમે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હો અને તમને વાંચવાનો શોખ હોય તો એવાં પુસ્તકો તમને મળી રહે જે નર્યા સત્ય પર લખાયેલાં હોય. આપણી પ્રાદેશિક ભાષાઓમાં રચાયેલું સાહિત્ય ભારતીય પરંપરાઓને પડકારતું નથી. આપણા લેખકો પાસે એ પ્રકારની હિંમત જ નથી. આજની તારીખે પણ ભારતીય લેખકો માટે દંભમાં વિંટળાયેલાં મૂલ્યો અગત્યનાં રહ્યાં છે. જોકે આપણે મૂળે અધ્યાત્મને અગત્યતા આપનારી પ્રજા છીએ, જ્યારે પશ્ચિમની પ્રજા ફંકશનલ છે.’
‘વાહ, તમે ખરેખર પ્રોફેસર થઈ જાઓ.’
‘મેં એક વર્ષ એ કામ કર્યું છે. એમ.એ.ના રિઝલ્ટ પછી હું એક કોલેજમાં પાર્ટ ટાઈમ લેક્ચરર હતી. મને ભણાવવાનું ગમે છે સનત.’
‘તમારા પપ્પાએ કદી તમને લગ્ન કરવાનું કહ્યું છે?’
‘સાચું કહું તો મારા અને પપ્પા વચ્ચે એક ચોક્કસ અંતર પડી ગયું છે. હું નાની હતી ત્યારે અમને બેયને એકબીજાનું જે ખેંચાણ હતું એમાંનું હવે કશું નથી રહ્યું. એ એકલા પડી ગયા છે. પહેલી પત્નીથી થયેલા છોકરા એમની દુનિયા અને કાવાદાવામાં પડ્યા છે. મારી સાથે એમનો તંતુ તૂટી ગયો છે. મને એવો કોઈ ભાવ નથી આવતો જે એક યુવાન દીકરીને એના બાપ તરફ આવતો હોય છે. પપ્પાને જે સ્ત્રીની કાયામાં રસ પડ્યો હતો તે સ્ત્રી હવે આખેઆખી એમની પાસે છે ત્યારે એમનો જીવનરસ સૂકાવા માંડ્યો છે. પપ્પા એમના જીવનમાં ઘટેલી ઘટનાઓના ભારથી પીડાય છે.
જીવનમાં સ્થિર ન થઈ શકવાનો એક અફસોસ એમને ખાઈ રહ્યો છે. તમે માનશો મારા દાદા ગુજરી ગયા તે વખતે પપ્પા નાના બાળકની જેમ રોયા હતા. પપ્પાને મૂળ સંબંધ જે વ્યક્તિ સાથે હતો તે છેલ્લી વ્યક્તિ દાદા હતા. મારા પપ્પામાં હવે એ નૈતિક હિંમત જ નથી રહી કે મારી સાથે મારા લગ્ન વિશે વાત કરી શકે.’
સનતે ઘળિયાળ જોતાં કહ્યું ‘ઓહ, અઢી વાગી ગયા?’
આપણે ત્યાં ફિલ્મો અઢી કલાકની જ હોય છે ને ?
‘હા પણ હું માનું છું કે તમારી ફિલ્મનો ક્લાઈમેક્સ હવે આવવાનો છે. જેના થકી આજે આપણે અહીં એક જ રૂમમાં ભેગા થઈ ગયા છીએ. મને એ કહો કે તમારે ઘર છોડવાની શી જરૂર પડી? અને તમને એવું શા માટે લાગે છે કે કોઈ તમારું ખૂન કરાવી નાખશે.’
‘સનત માફ કરશો પણ તમે એટલે નસીબદાર છો કે તમે એવા પરિવારમાં જન્મ્યા નથી જ્યાં અપાર દોલત હોય. પૈસાદારોનાં ઘરોમાં એક છત નીચે જીવતા લોકો વચ્ચે ખેલાતા જંગ આમ તો જાહેરમાં નથી આવતા, પણ એ જંગ ક્યારેક લોહિયાળ પણ બનતા હોય છે. મારા ઘર છોડવાના કારણમાં મારા દાદા છે.’
‘દાદા? એ તો તમારા ફ્રેન્ડ થઈ ગયા હતા ને? વળી એકાદ વર્ષ પહેલા ગુજરી ગયા એવું તમે કહ્યું.’
‘હા, એ અત્યારે આ દુનિયામાં નથી. મારા દાદા જે કંઈ કરી ગયા છે તેનું મહાભારત ખેલાય છે. હું એ ઘરમાં અસ્વિકાર્ય તો હતી જ, હવે દુશ્મન થઈ ગઈ છું. હું અત્યાર સુધી કોઈ માટે અગત્યની નહોતી હવે એટલી બધી અગત્યની બની ગઈ છું કે મારું જીવવું હરામ થઈ ગયું અને મારે ભાગવું પડ્યું.’
‘ઓહ ! ફરી એક સસ્પેન્સ? મને વિગતે સમજાવો મારી ગુડ લેક્ચરર !’
‘મારા દાદા જે વસિયત કરી ગયા છે તે વસિયત મારી જાનની દુશ્મન બની ગઈ છે. કંઈ સમજાય છે મીસ્ટર?’
સનત સોનલની આંખોમાં ચમકતી વીજળી જોઈ રહ્યો! (ક્રમશ:)