Tue Nov 10 2026

Logo

ભારતને તેની સુરક્ષા સાથે સમજૂતી જેવું લાગ્યું તો પરિણામ ભોગવવું પડશે ', PAK પહોંચ્યા મુઇજ્જુને કોણે આપી ચેતવણી

2026-10-28 14:45:00
Author: Mumbai Samachar Team
ભારતને તેની સુરક્ષા સાથે સમજૂતી જેવું લાગ્યું તો પરિણામ ભોગવવું પડશે ', PAK પહોંચ્યા મુઇજ્જુને કોણે આપી ચેતવણી

માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ પાકિસ્તાનની મુલાકાત લીધી છે. પાકિસ્તાન સાથે વધતી નિકટતા તેમના માટે મુશ્કેલ રાજદ્વારી પરિસ્થિતિ ઊભી કરી રહી છે. આ દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ નશીદ સહિત વિપક્ષી નેતાઓએ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે ઇસ્લામાબાદ તરફ મુઇઝ્ઝુનો આ ઝુકાવ માલદીવના સૌથી નજીકના પડોશી ભારત સાથેના સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.

કોઈપણ માલદીવિયન રાષ્ટ્રપતિની 11 વર્ષમાં આ પ્રથમ પાકિસ્તાન મુલાકાત છે, જેણે માલેની વિદેશ નીતિ પર રાજકીય ચર્ચા છેડી છે. વિપક્ષી નેતાઓએ સવાલ ઉઠાવ્યો છે કે શું મુઇઝ્ઝુ દેશની સુરક્ષા અને ભારત સાથેની લાંબા સમયથી ચાલી આવતી ભાગીદારીને જોખમમાં મૂકી રહ્યા છે.

માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિનો આરોપ

માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP)ના અધ્યક્ષ નશીદે મુઇઝ્ઝુ પર આરોપ લગાવ્યો કે તેઓ માલદીવને ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવમાં બેદરકારીપૂર્વક ખેંચી રહ્યા છે. માલદીવના એક સમાચારના અહેવાલ મુજબ, નશીદે જણાવ્યું હતું કે, "નાના દેશો, ખાસ કરીને માલદીવ સામે ઘણા ગંભીર જોખમો છે. તેમ છતાં, રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ યોગ્ય વિચાર-વિમર્શ કર્યા વિના પાકિસ્તાનની મુલાકાત લીધી અને ફરી એકવાર માલદીવને ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદોના કેન્દ્રમાં લાવીને ઊભું કરી દીધું." પૂર્વ રાષ્ટ્રપતિની આ ચેતવણી ખૂબ જ કડક હતી. તેમણે કહ્યું, "જો ભારતને લાગશે કે તેની સુરક્ષા સાથે સમજૂતી થઈ રહી છે, તો તેના માલદીવ માટે ખૂબ જ ખરાબ પરિણામો આવશે.

મુઇઝ્ઝુની પાકિસ્તાન મુલાકાત પર સવાલ

માલદીવના અન્ય વિપક્ષી નેતાઓએ પણ મુઇઝ્ઝુની પાકિસ્તાન મુલાકાત પર સવાલો ઉઠાવ્યા અને ટીકા કરી. માલદીવના પૂર્વ વિદેશ મંત્રી અબ્દુલ્લા શાહિદે આરોપ લગાવ્યો કે મુઇઝ્ઝુ ફરીથી એવું જ ભારત-વિરોધી અભિયાન શરૂ કરશે, જેવું તેમણે 2023માં કર્યું હતું. પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને આ મુલાકાત દરમિયાન પાકિસ્તાન તરફથી મુઇઝ્ઝુને માનદ ડૉક્ટરેટ આપવાના નિર્ણય પર પણ સવાલો ઉઠાવ્યા. મુઇઝ્ઝુએ 20 થી 22 ઓક્ટોબર સુધી ત્રણ દિવસની પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની 60મી વર્ષગાંઠ પ્રસંગે થઈ હતી અને તેમાં આરોગ્ય સેવા અને શિક્ષણથી લઈને વેપાર, કૃષિ, સાયબર સુરક્ષા, સંરક્ષણ અને મેરીટાઇમ સિક્યુરિટી જેવા ક્ષેત્રોને આવરી લેતા 20 સમજૂતી કરાર (MoUs) થયા.