(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ સહિત થાણેના નાગરિકોને આગામી સાત દિવસ સુધી પાણી ઉકાળીને તથા ગાળીને પીવાની સલાહ પાલિકા પ્રશાસન દ્વારા આપવામાં આવી છે.
મુંબઈ મહાનગરપાલિકાને પાણીપુરવઠો કરનારા પિસે-પાંજરાપૂરના યેવઈમાં આવેલા રિઝોર્વિયરના કમ્પાર્ટમેન્ટ બેનું સમારકામ પૂર્ણ થયું છે અને તેને બુધવાર, ૨૮ ઑક્ટોબરથી ફરી શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયાને કારણે મુંબઈ શહેર, ઉપનગર તેમ જ મુંબઈ મહાનગરપાલિકા મારફત થાણે અને ભિવંડી મહાનગરપાલિકાને આપવામાં આવતા પાણીની ગુણવત્તાને અસર થવાની છે. તેથી નાગરિકોને તકેદારીના પગલારૂપે આગામી સાત દિવસ સુધી પાણી ઉકાળીને તથા ગાળીને પીવાની અપીલ કરવામાં આવી છે.
પાલિકાના જણાવ્યા મુજબ મુંબઈ શહેરમાં એ વોર્ડમાં નેવલ ડોકયાર્ડ અને બીપીટી પરિસર, બી, ઈ, એફ-દક્ષિણ અને એફ-ઉત્તરના આખા વોર્ડને અસર થશે. તો પૂર્વ ઉપનગરમાં ટી વોર્ડમાં સમગ્ર મુલુંડમાં, એસ વોર્ડમાં ભાંડુપ, નાહૂર, કાંજુરમાર્ગ, વિક્રોલી, એન વોર્ડના ઘાટકોપર સહિત એલ વોર્ડમાં કુર્લા વિસ્તારને અસર થશે.
થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં હાજુરી, લુઈસવાડી, કાજુવાડી, જિજામાતા નગર, રઘુનાથ નગર, નામદેવ વાડી, સાઈનાથ નગર, રામચંદ્ર નગર, કોપરી-આનંદનગર, રામ મારુતી રોડ, માસુંદા તળાવ, જાંભલી નાકા, ખારકર આળી, મહાગિરી, કોળીવાડા, પાટીલવાડી, ભક્તિ મંદિર રોડ, પાચપાખાડી વિસ્તારમાં મુંબઈ મહાનગરપાલિકાની પાઈપલાઈનમાંથી લેવામાં આવેલા પાણીના જોડાણમાંથી પાણીપુરવઠો કરવામાં આવે છે. તેથી સંબંધિત વિસ્તારના નાગરિકોને પાણી ઉકાળીને ગાળીને પીવાનું રહેશે.