અભિષેકના અનોખા વિક્રમોએ પણ પ્રવાસને ચાર ચાંદ લગાવી દીધા
વેલિંગ્ટન/ઑકલૅન્ડઃ ભારતનો ન્યૂ ઝીલૅન્ડ-પ્રવાસ ભાગ્યે જ સફળ રહ્યો છે અને આ વખતનો ભારતીયોનો પર્ફોર્મન્સ એ સફળતા અગાઉ જવલ્લે જ મળેલી સફળતામાં ઉમેરા સમાન છે, કારણકે કિવીલૅન્ડ પર આવતાંવેંત ભારતીયોએ પહેલી ત્રણેય ટી-20 જીતીને ટ્રોફી પર કબજો કરી લીધો છે અને એમાં પણ ખાસ કરીને બે ઓપનર અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશીએ મંગળવારે જે ધમાલ મચાવી એને કિવી બોલર્સ ક્યારેય નહીં ભૂલે.
અભિષેક-વૈભવે પહેલી જ ઓવરથી ફટકાબાજી શરૂ કરી હતી અને પહેલી જ ઓવરમાં 26 રન બનાવવાનો વિશ્વવિક્રમ નોંધાવી દીધો હતો. બીજી રીતે કહીએ તો તેમણે 199 રનનો લક્ષ્યાંક મળ્યા પછી શરૂઆતથી જ કિવી બોલર્સની બોલિંગની ધુલાઈ શરૂ કરી દીધી હતી. આ જોઈને એવું લાગતું હતું કે આ કોઈ આંતરરાષ્ટ્રીય મૅચ નહીં, પણ વીડિયો ગેમ ચાલી રહી છે. અભિષેક (Abhishek) અને વૈભવ (Vaibhav)એ આ મૅચની પહેલાં ભેગા મળીને ઑફ-બીટ ફોટો માટે પોઝ આપ્યો હતો અને મૅચ બાદ તેઓ સાથે મળીને ઍરપોર્ટ પર ટીમ-બસ તરફ જઈ રહ્યા હતા ત્યારે ચાહકોએ બૂમો પાડીને તેમને શાનદાર ઇનિંગ્સ બદલ અભિનંદન આપ્યા હતા.
આઇપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વતી રમતા અભિષેકે 38 બૉલમાં અગિયાર છગ્ગા અને નવ ચોગ્ગાની મદદથી 38 બૉલમાં 113 રન ઝૂડી કાઢ્યા હતા. વૈભવે તેને કુલ 133મા રન સુધી સાથ આપ્યો હતો. વૈભવે 19 બૉલમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી 45 રન બનાવ્યા હતા. બન્નેએ દરેક ઓવરમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ વરસાવ્યો હતો. કિવીઓએ કલ્પના પણ નહીં કરી હોય કે તેમણે 20 ઓવરમાં ત્રણ વિકેટે 198 રન બનાવ્યા બાદ ભારતીયો મોટી સંખ્યામાં બૉલ બાકી રાખીને વિજય મેળવી લેશે. ભારતે 13.2 ઓવરમાં (40 બૉલ બાકી રાખીને) ચાર વિકેટના ભોગે 199 રન બનાવી લીધા હતા.
મેદાન પરના કિવી ખેલાડીઓ, ડગઆઉટમાં બેઠેલા ભારતીય પ્લેયરો, કૉમેન્ટરી બૉક્સમાં બેઠેલા ભૂતપૂર્વ ક્રિકેટરો, સ્ટૅડિયમમાં બેઠેલા હજારો પ્રેક્ષકો તેમ જ કરોડો દર્શકો અભિષેક અને વૈભવની ધમાકેદાર બૅટિંગ જોઈને ચોંકી ગયા હતા. કિવી કૅપ્ટન મિચલ સૅન્ટનરે પોતે તેમ જ બીજા બોલર્સે આ અભિષેક-વૈભવને રોકવા અનેક પ્રયાસો કર્યા હતા, ઘણી નવી યોજના બનાવી હતી, પરંતુ એ બધુ નિષ્ફળ રહ્યું હતું.
2 bhai, dono tabahi! 🔥😎 Abhishek Sharma aur Vaibhav Suryavanshi ek frame mein! #AbhishekSharma #VaibhavSuryavanshi #TeamIndia #IndianCricket #Cricket #indvsnzlive https://t.co/FRlolyFgT6
— SITA SHARMA (@sharma_S9) October 27, 2026
અભિષેકે વિરાટને ઓળંગ્યો, ત્રણ વખત 40થી ઓછા બૉલમાં સેન્ચુરી ફટકારી
(1) ટી-20 ક્રિકેટમાં અભિષેકે 11 સેન્ચુરી ફટકારી છે અને તેેણે ભારતીયોમાં વિરાટ કોહલી (10 સદી)ને બીજા નંબર પર મોકલી દીધો છે. આ ફૉર્મેટમાં હવે અભિષેકથી માત્ર બે ખેલાડી આગળ છે, ક્રિસ ગેઇલ (બાવીસ સદી) અને બાબર આઝમ (13 સદી).
(2) ટી-20 ઇન્ટરનૅશનલમાં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીયોમાં અભિષેક હવે ચાર સદી સાથે રોહિત શર્મા (પાંચ સદી) પછી બીજા સ્થાને છે. સૂર્યકુમાર (ચાર સદી) પણ બીજા ક્રમે છે.
(3) અભિષેકે ચારમાંથી ત્રણ સેન્ચુરી 40 કરતાં ઓછા બૉલમાં ફટકારી છે. આ રીતે વિશ્વના બીજા કોઈ બૅટ્સમૅનની બે સદી પણ નથી.
(4) અભિષેકે નવ હાફ સેન્ચુરી 20 કે એનાથી ઓછા બૉલમાં ફટકારી છે. વિશ્વના બીજા કોઈ બૅટ્સમૅનની આવી પાંચ અડધી સદી પણ નથી.
(5) અભિષેકે ટી-20 ઇન્ટરનૅશનલની ત્રણ મૅચમાં 10 કે વધુ છગ્ગા ફટકાર્યા છે જે વર્લ્ડ રેકૉર્ડ છે. તેણે મંગળવારે વેલિંગ્ટનની મૅચમાં 11 સિક્સર ફટકારી હતી.