Tue Nov 10 2026

Logo

મુંબઈ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓને ૩૩,૦૦૦ રૂપિયાનું બોનસ

2026-10-28 17:40:42
Author: Sapna Desai
મુંબઈ મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓને ૩૩,૦૦૦ રૂપિયાનું બોનસ

૮૩,૦૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકાએ આ વર્ષે તેના ૮૩,૦૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને ૩૩,૦૦૦ રૂપિયાનું દિવાળી બોનસ આપવાની જાહેરાત કરી છે. આ બોનસની રકમ દેશની સૌથી ધનિક મહાનગરપાલિકા દ્વારા ગયા વર્ષે જાહેર કરાયેલ ૩૧,૦૦૦ રૂપિયાની અનુદાન (એક્સ-ગ્રેશિયા) રકમ કરતાં ૨,૦૦૦ રૂપિયા વધુ છે.

પાલિકાના કર્મચારીઓને આ રકમ નવેમ્બર મહિનામાં તેમના નિયમિત વેતન સાથે સાનુગ્રહ અનુદાન તરીકે આપવામાં આવશે. આ લાભ અનુદાનિત ખાનગી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના શિક્ષકો અને બિન-શૈક્ષણિક કર્મચારીઓને પણ આપવામાં આવશે, જેમાં ટીચિંગ આસિસ્ટન્ટ (શિક્ષણ સહાયકો) અને શિક્ષણ સેવા કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. યુનિયન નેતા શશાંક રાવે જણાવ્યું કે, પાલિકા  મુખ્યાલય ખાતે તમામ જૂથ નેતાઓની બેઠકમાં પાલિકા પ્રશાસને  તેના કર્મચારીઓને ૩૩,૦૦૦ રૂપિયાનું બોનસ ચૂકવવા માટે સંમતિ દર્શાવી છે.

યુનિયન દ્વારા પાલિકા કર્મચારીઓને ૫૦,૦૦૦ રૂપિયાનું બોનસ આપવાની માગણી કરવામાં આવી હતી. બુધવારે પાલિકા મુખ્યાલયમાં મેયરની કેબિનમાં યોજાયેલી બેઠકમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી, જેમાં આ વર્ષે રાજ્યમાં દુકાળની પરિસ્થિતિની હોઈ તેનો વિચાર કરીને કર્મચારીઓને ૩૩,૦૦૦ રૂપિયાનું બોનસ આપવાનો નિર્ણય સહમતિએ લેવામાં આવ્યો હતો.