દિવાળી હવે માત્ર ભારત પૂરતો મર્યાદિત તહેવાર રહ્યો નથી, પરંતુ તે એક વૈશ્વિક પર્વ બની ચૂક્યો છે. ભગવાન શ્રી રામના અયોધ્યા આગમનની યાદમાં ઉજવાતો આ રોશનીનો ઉત્સવ ભૌગોલિક સીમાઓ ઓળંગીને સમગ્ર વિશ્વમાં, લોકલ માર્કેટમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. ભારતમાં તો દિવાળીની અત્યારથી જ ધામધૂમ જોવા મળી રહી છે, પરંતુ સાત સમંદર પાર પણ કેટલાક દેશોમાં દિવાળીની રોનક જોવા મળી રહી છે. ચાલો જોઈએ કયા છે આ દેશો...
સૌથી રસપ્રદ બાબત એ છે કે વિશ્વના એવા અનેક મુસ્લિમ બહુલ દેશો છે, જ્યાં દિવાળી માત્ર ધામધૂમથી જ ઉજવાતી નથી, પરંતુ ત્યાંના સાંસ્કૃતિક કેલેન્ડરમાં પણ તેને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. સ્થાનિક હિન્દુ લઘુમતીઓ અને ભારતીય ડાયસ્પોરાના સન્માનમાં આ દેશોમાં સત્તાવાર સરકારી રજાઓ કે વિશેષ ઉત્સવોનું આયોજન કરવામાં આવે છે.
મલેશિયામાં જાહેર રજા અને 'હરિ દિવાળી'ની ભવ્યતા
મુસ્લિમ બહુમતિ ધરાવતા દેશ મલેશિયામાં ભારતીય સમુદાયની મોટી વસ્તી વસે છે. ત્યાં દિવાળીને સ્થાનિક ભાષામાં 'હરિ દિવાળી' તરીકે ઓળખવામાં આવે છે. માત્ર સારાવાક પ્રાંતને બાદ કરતાં સમગ્ર મલેશિયામાં દિવાળીના દિવસે રાષ્ટ્રીય સ્તરની જાહેર સરકારી રજા હોય છે. રાજધાની કુઆલાલમ્પુર અને પ્રખ્યાત 'લિટલ ઈન્ડિયા' વિસ્તારોને રંગબેરંગી રોશની, દીવાઓ અને આકર્ષક રંગોળીઓથી દુલ્હનની જેમ શણગારવામાં આવે છે. લોકો એકબીજાના ઘરે જઈને મિઠાઈઓ વહેંચી ભાઈચારા સાથે પર્વ ઉજવે છે.
AI
બાલી ટાપુ પર વિશેષ સ્થાનિક રજા અને પરંપરાગત પૂજા
વાત કરીએ ઈન્ડોનેશિયાની તો સમગ્ર ઈન્ડોનેશિયામાં દિવાળીની દેશવ્યાપી રજા હોતી નથી, પરંતુ દેશના સાંસ્કૃતિક કેન્દ્ર ગણાતા બાલી ટાપુ પર માહોલ તદ્દન ભારત જેવો જ જોવા મળે છે. બાલીમાં હિન્દુ વસ્તી બહુમતીમાં હોવાથી પ્રાંતીય સરકાર દ્વારા આ દિવસે સ્થાનિક સ્તરે સત્તાવાર રજા જાહેર કરવામાં આવે છે. બાલીના હિન્દુઓ ભારતની જેમ જ ઘરો અને મંદિરોમાં દીવા પ્રગટાવે છે અને પારંપરિક વિધિ-વિધાનો સાથે લક્ષ્મી પૂજન કરે છે.
યુએઈ અને ગલ્ફ કન્ટ્રીઝમાં લાઈટ શો અને ગ્લોબલ વિલેજમાં મેળા
સંયુક્ત આરબ અમીરાતમાં લાખો ભારતીય પ્રવાસીઓ રહે છે. ભલે ગલ્ફ કન્ટ્રીઝમાં ત્યાં સત્તાવાર સરકારી રજા નથી, પરંતુ વહીવટીતંત્ર આ તહેવારને પૂર્ણ સન્માન આપે છે. દિવાળી નિમિત્તે વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પર વિશેષ લાઈટ અને એલઈડી શોનું આયોજન થાય છે. દુબઈના ગ્લોબલ વિલેજમાં મોટા પાયે દિવાળી મેળાનું આયોજન કરવામાં આવે છે. આ ખાડી દેશોમાં પણ ભારતીય સમુદાય કોઈપણ જાતના પ્રતિબંધ વગર પોતાના ઘરો તેમજ સ્થાનિક મંદિરોમાં દીપ પ્રગટાવી, પૂજા-અર્ચના કરી ધામધૂમથી દિવાળી ઉજવે છે.