મુંબઈ: બોલિવૂડમાં નેપોટિઝમ એટલે કે પરિવારવાદનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. અભિનેત્રી સારા અલી ખાને તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં પોતાના ફિલ્મી કરિયર અને પરિવારના પ્રભાવ અંગે ખુલીને વાત કરી છે. સારા અલી ખાન અભિનેતા સૈફ અલી ખાન અને અભિનેત્રી અમૃતા સિંહની પુત્રી છે. તેણે સ્વીકાર્યું કે ફિલ્મી પરિવારમાં જન્મ લેવાનો ફાયદો તેને મળ્યો છે, પરંતુ તેના મતે પિતા સૈફ અલી ખાને ફિલ્મોમાં કામ અપાવવા માટે નિર્માતાઓ કે દિગ્દર્શકોને કોઈ ભલામણ કરી નથી.
સારા અલી ખાને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ફિલ્મી પરિવારમાંથી આવવાને કારણે તેને ઓળખ અને તકો મેળવવામાં મદદ મળી હતી. જોકે, નેપોટિઝમની ચર્ચા દરમિયાન કલાકારની મહેનતને અવગણવામાં આવે તે તેને પસંદ નથી. સારાના મતે, કોઈ કલાકારનો જન્મ કયા પરિવારમાં થયો છે તે તેના હાથમાં નથી. તેણે જાહ્નવી કપૂર અને અનન્યા પાંડેનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, તેઓ પણ પોતાના જન્મ માટે જવાબદાર નથી. ફિલ્મી પરિવારમાં જન્મ લેવો એક તક છે, પરંતુ તેના આધારે કલાકારની મહેનતને નકારી શકાય નહીં.
સારાએ પોતાના પિતાની ભૂમિકા અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, 'મારી પાસે એવા પિતા નથી, જે મારા માટે ફિલ્મોમાં કામ અપાવવા લોકોની ઓફિસોના ચક્કર લગાવે, નિર્માતાઓને વિનંતી કરે કે તેમની ફિલ્મમાં મને તક આપે.' તેણે વધુમાં જણાવ્યું કે, ફિલ્મી પરિવારમાંથી હોવાને કારણે તેને શરૂઆતમાં ઓળખ અને તકો મળી હતી, પરંતુ તેનો અર્થ એ નથી કે તેની કારકિર્દીની તમામ સફળતાનો શ્રેય માત્ર પરિવારને જ આપવો જોઈએ.
અભિનેત્રીએ પોતાની ફિલ્મ ‘કેદારનાથ’ના સમયનો પણ ઉલ્લેખ કર્યો હતો. વર્ષ 2018માં સુશાંત સિંહ રાજપૂત સાથે આ ફિલ્મથી સારાએ બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરી હતી. ફિલ્મ સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરતી વખતે તેણે પોતાની સમસ્યાઓ જાતે ઉકેલવી પડી હતી. સારાએ જણાવ્યું કે તે સમયે તેની સાથે કોઈ ગોડફાધર નહોતો, જે તેની મુશ્કેલીઓ દૂર કરી શકે. તેના મતે, ફિલ્મી પરિવારમાંથી આવવું એક તરફ ફાયદાકારક છે, પરંતુ બીજી તરફ તેના કારણે કલાકારે પોતાની પ્રતિભા વારંવાર સાબિત કરવી પડે છે.
સારાએ પોતાના ઉછેર અંગે વાત કરતાં જણાવ્યું કે, માતા અમૃતા સિંહે તેને મુખ્યત્વે એકલા હાથે ઉછેરી છે. સારાએ કહ્યું કે તેની માતાએ તેના જીવનમાં બંને માતા-પિતાની ભૂમિકા ભજવી હતી. તેણે સ્વીકાર્યું કે પિતા સૈફ તેના જીવનમાં સલાહ આપવા માટે હંમેશાં હાજર રહ્યા છે, પરંતુ રોજિંદા નિર્ણયો અને મંજૂરીની બાબતોમાં તેની માતાની ભૂમિકા વધુ મહત્ત્વપૂર્ણ રહી છે.
સારાએ એમ પણ કહ્યું કે, નેપોટિઝમને કારણે કલાકારોને મળતી તકોનો મુદ્દો મહત્ત્વનો છે, પરંતુ આ ચર્ચામાં તેમની મહેનતને સંપૂર્ણપણે અવગણવી યોગ્ય નથી. તેના મતે, ફિલ્મી પરિવારમાંથી આવતા કલાકારોને શરૂઆતમાં લાભ મળે છે અને તે હકીકતનો તેણે ઇનકાર કર્યો નથી. જોકે, કારકિર્દીનાં આઠ વર્ષ પછી પણ વારંવાર પોતાના પરિવાર અને નેપોટિઝમ અંગે સ્પષ્ટતા આપવી પડે તે તેને યોગ્ય લાગતું નથી. તેણે ભારપૂર્વક જણાવ્યું કે, પરિવારની ઓળખ અને વ્યક્તિગત પ્રતિભા બંનેને અલગ રીતે જોવાં જોઈએ.