Wed Jul 22 2026

Logo

Monsoon Care Tips: ચોમાસામાં હેલ્મેટની દુર્ગંધ અને ભેજ દૂર કરવા માટે આ સરળ ટિપ્સ ઉપયોગી થશે

2026-07-22 16:58:01
Author: Darshana Visaria
Article Image

ચોમાસાની ઋતુમાં ટૂ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું સુરક્ષાની દ્રષ્ટિએ જેટલું જરૂરી છે, એટલું જ પડકારજનક ચોમાસા દરમિયાન હેલ્મેટમાંથી આવતી દુર્ગંધથી છુટકારો મેળવવાનું છે. સતત ભેજ, પરસેવો અને પૂરતો તડકો ન મળવાને કારણે હેલ્મેટના અંદરના ભાગમાં બેક્ટેરિયા અને ફંગસ ઝડપથી પંપાળવા લાગે છે. જો સમયસર તેની સફાઈ કરવામાં ન આવે, તો તે માત્ર દુર્ગંધ જ નહીં, પણ ત્વચા અને વાળને લગતી ગંભીર સમસ્યાઓ કે ઈન્ફેક્શનનું કારણ પણ બની શકે છે. પરંતુ કેટલીક સરળ ટીપ્સ અને આદતો અપનાવીને તમે આ સમસ્યાથી સરળતાથી બચી શકો છો. ચાલો જોઈએ શું છે આ ટિપ્સ.. 

પેડ્સ અને લાઈનરની યોગ્ય સફાઈ

રિમૂવેબલ લાઈનર માટે: જો તમારા હેલ્મેટમાં અંદરના પેડ્સ કે લાઈનર બહાર નીકળી શકતા હોય, તો તેને કાઢીને હૂંફાળા પાણીમાં હળવો સાબુ કે શેમ્પૂ ઉમેરીને ધોઈ લો. તેને પૂરેપૂરા સુકાઈ ગયા પછી જ ફરી હેલ્મેટમાં લગાવો. ભેજવાળા કે ભીના પેડ્સ લગાવવાથી દુર્ગંધ વધી શકે છે.

નોન-રિમૂવેબલ લાઈનર માટે: જો પેડ્સ બહાર ન નીકળતા હોય, તો માઈક્રોફાઈબર કાપડને સાબુવાળા પાણીમાં સહેજ ભીનું કરીને અંદરની સપાટી સાફ કરો. ત્યારબાદ સૂકા કપડાથી ભેજ લૂછી લો અને હેલ્મેટને સારી રીતે હવા-ઉજાસ વાળી જગ્યાએ સૂકાવા દો.

ધ્યાન રાખો: હેલ્મેટને ખુબ જ કડક તડકામાં લાંબો સમય ન મૂકવું, તેનાથી અંદરનું ફોમ અને બહારનું પ્લાસ્ટિક ક્ષતિગ્રસ્ત થઈ શકે છે.

ભીનું હેલ્મેટ ક્યારેય બંધ જગ્યાએ ન મૂકો

ચોમાસામાં જો હેલ્મેટ ભીનું થઈ જાય તો તેને ક્યારેય પણ તરત જ બંધ કબાટ, બેગ કે બાઇકની ડીકીમાં ન મૂકવું. આમ કરવાથી અંદરનો ભેજ અંદર જ ફસાઈ રહે છે અને બેક્ટેરિયા ઝડપથી વધે છે. હેલ્મેટને પહેલાં પંખા કે હવાની અવરજવર વાળી જગ્યાએ બરાબર સુકાવા દો, ત્યારબાદ જ તેને સ્ટોર કરો.

સેનિટાઈઝર સ્પ્રે અને કોટન કેપનો ઉપયોગ

સ્પ્રેનો ઉપયોગ: દુર્ગંધ દૂર કરવા માટે બજારમાં મળતા સ્પેશિયલ 'હેલ્મેટ સેનિટાઈઝર સ્પ્રે' અથવા હળવા એન્ટીબેક્ટેરિયલ સ્પ્રેનો મર્યાદિત ઉપયોગ કરી શકાય છે. પરંતુ સીધા પરફ્યુમ કે ડિઓડરન્ટ અંદર સ્પ્રે કરવાનું ટાળો, કારણ કે તેમાં રહેલા કેમિકલ્સ ફોમને નુકસાન પહોંચાડી શકે છે.

કોટન કેપ: હેલ્મેટ પહેરતા પહેલાં કોટનની હેલ્મેટ કેપ કે રૂમાલ બાંધવો ખૂબ જ ઉપયોગી છે. તે પરસેવો સોષી લે છે, જેથી અંદરનું લાઈનર જલ્દી ગંદુ થતું નથી અને ભેજ જમા થતો નથી.
વાળ સૂકા રાખો: ક્યારેય પણ ભીના વાળ કે ખૂબ પરસેવા સાથે સીધું હેલ્મેટ ન પહેરો.

નિયમિત જાળવણી છે જરૂરી

જો તમે રોજ હેલ્મેટનો ઉપયોગ કરતા હોવ, તો અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર તેની સફાઈ ચોક્કસ કરો. સમય-સમય પર અંદરના પેડ્સની સ્થિતિ પણ તપાસતા રહો. જો પેડ્સ ખૂબ જ જૂના, ફાટેલા કે સતત દુર્ગંધ મારતા હોય, તો નવા પેડ્સ બદલી નાખવા જ હિતાવહ છે.

છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં ચોક્કસ વધારો કરજો. આવી જ બીજી માહિતીસભર સમાચાર જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો.