ભુજ: પૂર્વ કચ્છના પંચરંગી ગાંધીધામ શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા એક વેપારીના ૨૧ વર્ષીય પુત્રએ ઘરમાં જ ચોરી કરી પિતાની કિંમતી કાર લઈને ફરાર થઈ જતાં ચકચાર મચી ગઈ છે. પિતાની ગેરહાજરીનો લાભ ઉઠાવી ઘરમાંથી લાખોની રોકડ, સોનાના ઘરેણાં અને જમીનના અસલ દસ્તાવેજો ચોરીને ૨૫ લાખની લકઝરી બીએમડબલ્યુ કાર હંકારી મુંબઈ ભાગી ગયેલા સગા પુત્ર વિરુદ્ધ આખરે પિતાને પોલીસ ચોપડે ચોરીની ફરિયાદ નોંધાવવી પડી છે.
કળિયુગી બનાવની વિગતો અનુસાર, સુભાષનગરમાં રહેતા વેપારી રામજીભાઈ રાજપૂત ગત ૨૦ જુલાઈના રોજ સવારે કામઅર્થે અમદાવાદ જવા નીકળ્યા હતા. તે દરમિયાન સવારે ૧૧ વાગ્યાના સુમારે તેમનો ૨૧ વર્ષીય 'જેન-ઝી' પુત્ર પ્રહલાદ પિતાની બીએમડબ્લ્યુ કાર લઈને ઘરેથી નીકળ્યો હતો. મોડી રાત સુધી પ્રહલાદ પરત ન ફરતાં તેની માતાએ અમદાવાદ સ્થિત પતિને આ અંગે જાણ કરી હતી અને ઘરમાં કબાટ તથા તિજોરીના લોક તૂટેલી હાલતમાં હોવાનું જણાવ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ ફરિયાદીના મોટા પુત્રએ નાના ભાઈ પ્રહલાદનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ફોન પર પ્રહલાદે પોતે મુંબઈ હોવાનું જણાવીને તુરંત જ મોબાઈલ સ્વિચ ઓફ કરી દીધો હતો. ત્યારબાદ પિતા રામજીભાઈએ તાત્કાલિક ગાંધીધામ પરત ફરીને ઘરમાં તપાસ કરતા તિજોરીમાંથી રૂ ૧.૫૦ લાખની રોકડ રકમ, સોનાની ત્રણ વીંટી, ત્રણ ચેઈન, બ્રેસલેટ અને સોનાની રુદ્રાક્ષની માળા મળી કુલ રૂ ૫.૫૫ લાખની કિંમતના સોનાના દાગીના ગાયબ હોવાનું માલૂમ પડ્યું હતું. આ ઉપરાંત, જમીનને લગતા કેટલાક અત્યંત મહત્વના અસલ દસ્તાવેજો પણ તિજોરીમાંથી ચોરાયા હતા.
સગા પુત્ર દ્વારા જ ઘરમાંથી રૂ.૧.૫૦ લાખ રોકડા, રૂ ૫.૫૫ લાખના ઘરેણાં તથા અસલ દસ્તાવેજોની ચોરી કરી રૂ ૨૫ લાખની બીએમડબ્લ્યુ કાર લઈ નાસી છૂટ્યાનું સ્પષ્ટ થતાં, પરિવારજનો અને સગા-સંબંધીઓ સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ રામજીભાઈએ ગાંધીધામ 'એ' ડિવિઝન પોલીસ મથકે પુત્ર પ્રહલાદ વિરુદ્ધ ચોરીની સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી મુંબઈ તરફ ફરાર થઈ ગયેલા પુત્રની શોધખોળ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)