Tue Jul 28 2026

Logo

સ્વાસ્થ્ય સુધાઃ ફણગાવેલાં અનાજના સેવનમાં સમાયેલી છે નીરોગી સ્વાસ્થ્યની કૂંચી

2026-07-28 10:04:00
Author: Srilekha Yagnik
Article Image

શ્રીલેખા યાજ્ઞિક

ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. મેઘરાજાની મહેરથી સંપૂર્ણ સૃષ્ટિ આનંદિત બની ગયેલી જોવા મળે છે. ધરતી માએ સુંદર લીલુડી ઓઢણી ઓઢી લીધી છે. આવા સમયે કુદરતના સાનિધ્યમાં રહીને મંદ-મંદ પવન સાથે તેનો આનંદ અચૂક માણવો. 

જોઈએ. પ્રકૃતિની સુંદરતાના દીવાના હોય તેવાં અનેક શોખીનો પ્રથમ વરસાદમાં ભીજાયા બાદ નજીકના પર્યટન સ્થળે અથવા તો જંગલોની આસપાસના વિસ્તારમાં અચૂક ફરવા નીકળી જતાં હોય છે. વરસાદ... વાતાવરણમાં ઠંડકની સાથે અન્ય પાણીજન્ય રોગને લઈને આવે છે. ચોમાસાના દિવસોમાં ભોજન આરોગ્યપ્રદ હોવું અત્યંત આવશ્યક બની જાય છે. ઘરનું સાત્ત્વિક ભોજન અતિ-આવશ્યક બની જાય છે. ભોજનમાં વિવિધતા માટે આપ અંકુરિત અનાજનો ઉપયોગ આ મોસમમાં અવશ્ય કરી શકો છો. 

વિવિધ પ્રકારના અંકુરિત અનાજમાં અલગ-અલગ પ્રમાણમાં પોષણ મૂલ્ય સમાયેલાં હોય છે. જેમાં મગ-મટકી-મેથી-ચણા-ઘઉં-મસૂર-અડદ-રાજમાનો સમાવેશ થઈ શકે. એવું કહેવાય છે કે જે તે અનાજ કે કઠોળને પલાળ્યા બાદ તેને ફણગાવવા માટે રાખવામાં આવે છે. તેમાં પ્રારંભિક સમયમાં નાના ફણગા (અંકુર) દેખાવા લાગે છે. તેમાં ભરપૂર માત્રામાં સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્ત્વો સમાયેલાં હોય છે. તેથી ફણગાવેલાં અનાજને ‘સુપરફૂડ’ કહેવામાં આવે છે. 

ફણગાવેલાં અનાજમાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઈ, તથા પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાઇબર, પ્રોટીન તેમજ ઍન્ટિ-ઓક્સિડન્ટનું પ્રમાણ વધી જતું હોય છે. તેથી જ તો તેને સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ લોકો દ્વારા મૂલ્યવાન આહાર ગણવામાં છે. કેમ કે તે માનવશરીરમાં થતી રાસાયણિક પ્રક્રિયાને મજબૂત બનાવવામાં મુખ્ય ભાગ ભજવે છે. 

જો આપ પ્રતિદિન ફક્ત 1 કપ એક જ પ્રકારનું ફણગાવેલું વિવિધ અનાજ ખાવાનું શરૂ કરો તો તેમાં કૅલરીની માત્રા 257, પ્રોટીન 7.7 ગ્રામ, કાર્બોહાઈડ્રેટ 6.2 ગ્રામ, ફાઈબર 2 ગ્રામ, વિટામિન સી 13.7 મિલિગ્રામ, 0.38 ગ્રામ ફેટ  હોય છે. જુદા-જુદા ફણગાવેલાં અનાજમાં નિયાસિન, થિયામિન, ફૉલેટ, રાઈબોફ્લેવીન, પૈંટોથેનિક જેવાં એસિડ સમાયેલાં હોય છે. આયર્ન તેમજ કેલ્શિયમની માત્રા પણ સમાયેલી હોય છે. 

ફણગાવેલાં અનાજમાંથી વિવિધ વાનગી બનાવી શકાય છે. જેમ કે મગ-મઠનું સલાડ, મગ-મઠનું ઉસળ, મગના ચિલા, મગનું શાક જે કઢી સાથે ગુજરાતી રસોડામાં આજે પણ બનતું હોય છે. ફણગાવેલાં મગનો હલવો બનાવી શકાય છે. 

ફણગાવેલાં અનાજના લાભ:

માનવ શરીરના સંપૂર્ણ સ્વાસ્થ્યને ટકાવવા ગુણકારી : ફણગાવેલાં કઠોળમાં પ્રોટીનનું પ્રમાણ ભરપૂર સમાયેલું હોય છે. જે શરીરમાં રાસાયણિક પ્રક્રિર્યાને સુચારૂ રીતે કરવામાં સહાય કરે છે. શરીરના વિભિન્ન કોષનું સમારકામ કરે છે. ત્વચાની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. માંસપેશીના વિકાસમાં તેમજ હાડકાંની મજબૂતાઈ જાળવી રાખવામાં ગુણકારી ગણાય છે. શાકાહારી માટે ફણગાવેલું અનાજ વરદાન સમાન છે. 

પાચન શક્તિ વધારવામાં લાભદાયક : ફણગાવેલાં કઠોળમાં સૌથી વધુ માત્રામાં ઍન્ઝાઈમ હોય છે. ઍન્ઝાઈમ પાચન-પ્રક્રિયા સહિત શરીરમાં થતી રાસાયણિક ક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. જેમના શરીરમાં પાચનક્રિયા નબળી હોય તેમના શરીરમાં ઍન્ઝાઈમ બનવામાં મુશ્કેલી ઊભી થાય છે. તેમને માટે ફણગાવેલાં કઠોળનું સેવન લાભકારક ગણાય છે. ફણગાવેલાં કઠોળમાં સારી માત્રામાં ફાઈબર સમાયેલું હોય છે. જે પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે. કબજિયાતની સમસ્યામાં ફણગાવેલું કઠોળ લાભદાયક ગણાય છે. 

વજનને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ : ફણગાવેલાં અનાજને પોષક તત્ત્વોનો ખજાનો ગણવામાં આવે છે. તેમાં કૅલરી તેમજ ચરબીની માત્રા ઘટાડવાના ગુણ સમાયેલાં હોય છે. વજનને નિયંત્રણમાં રાખવા માટે ફણગાવેલું અનાજ ફાયદાકારક ગણાય છે. ફણગાવેલાં અનાજમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી તેનું સેવન ર્ક્યા બાદ લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. અનેક વખત એવું બનતું હોય છે કે વ્યક્તિને સખત ભૂખ લાગી જતી હોય છે. તેવા સમયે કાંઈ પણ ખાઈને ભૂખને સંતોષવાને બદલે ફણગાવેલાં કઠોળને ભેળ સ્વરૂપે ખાવાથી ભૂખ સંતોષાઈ જાય છે. જેને કારણે વધુ પડતો ખોરાક પેટમાં પધરાવવાથી બચી શકાય છે.

સખત ભૂખ લાગી હોય ત્યારે જો થોડું પણ વધુ ખવાઈ જાય તો અકળામણ થવા લાગે છે. જે સ્વાસ્થ્યને માટે નુકસાનકારક ગણાય છે. વળી ચરબીયુક્ત ખોરાક લીધો હોય તો ધીમે પગલે વજન વધવાની સમસ્યા દેખા દે છે. ફણગાવેલું અનાજ ભૂખને નિયંત્રણમાં રાખવા માટેનો સરળ ઉપાય છે. 

હૃદયના સ્વાસ્થ્ય માટે લાભકારી : ફણગાવેલાં અનાજમાં ઑમેગા-3 ફેટી એસિડ સારી માત્રામાં હોય છે. જે ખાદ્યપદાર્થમાં ઑમેગા-3 ફેટી એસિડની માત્રા હોય તેમાં ઍન્ટિ-ઈન્ફ્લેમેટરી ગુણો સમાયેલાં હોય છે. જે હૃદયની ઉપર વધતાં તણાવની માત્રાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. ફણગાવેલાં કઠોળમાં રહેલું પોટેશિયમ વૈસોડિલેટરના રૂપમાં કામ કરે છે. જે રક્તવાહિની તેમજ ધમનીઓમાં વધતા તણાવને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. લોહીમાં ઑક્સિજનનું સ્તર વધારી દે છે. જેને કારણે લોહીનું પરિભ્રમણ સારી રીતે થાય છે. હૃદયની ધમનીઓમાં લોહી ગંઠાઈ જવાની સમસ્યાથી કે હૃદયરોગનો હુમલો થવાની શક્યતાથી બચાવમાં મદદરૂપ બને છે. 

ઍનિમિયાથી બચાવે છે : શરીરમાં આયર્નની ઊણપ વધતી જાય તેમ વ્યક્તિના શરીરમાં નબળાઈ આવવા લાગે. આયર્નની ઉણપને કારણે લાલ રક્તકોશિકાની સંખ્યા પ્રભાવીત થઈ શકે છે. જેની અસર શરીર ઉપર હાનિકારક ગણાય છે. શરીરમાં નબળાઈને કારણે થાક લાગવો, ચક્કર આવવા, એકાગ્રતાથી કામ કરવાની શક્તિ ઘટી જવી, સાથે પેટમાં વિકાર પેદા થવાની શક્યતા વધતી જાય છે. ઉપરોક્ત સમસ્યાથી બચવું હોય તો શરીરમાં લાલ રક્તકોશિકાની સંખ્યા વધતી રહે તે આવશ્યક છે. જેને કારણે શરીરમાં ઑક્સિજનની માત્રા જળવાઈ રહે છે. શરીરના પ્રત્યેક અંગ તેનું શ્રેષ્ઠ કામ આપવા લાગે છે. તે માટે આહારમાં ફણગાવેલાં કઠોળનો ઉપયોગ આવશ્યક છે. 

વાળ તેમજ ત્વચા માટે ફાયદાકારક : ફણગાવેલાં અનાજમાં વિટામિન એ, વિટામિન સી તેમજ ઍન્ટિ-ઑક્સિડન્ટ સમાયેલાં હોય છે. જે ત્વચા તેમજ વાળ માટે ફાયદાકારક ગણાય છે, વાળનો જથ્થો વધારવાની સાથે ત્વચાની ચમક વધારવામાં ફણગાવેલાં અનાજનું સેવન લાભદાયક ગણાય છે. 

આંખોની તંદુરસ્તી માટે લાભદાયક : ફણગાવેલાં કઠોળનું સેવન કરવાથી શરીરમાં વિટામિન એની માત્રા વધે છે. જે આંખોની સાથે સંબંધિત સમસ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. જેમ કે ઝાંખું દેખાવું, આંખની અંદરના ભાગમાં ઝીણું કળતર થવું કે આંખમાંથી સતત પાણી પડતું હોય તેમાં રાહત આપે છે. તેમાં રહેલાં ઍન્ટિ-ઓક્સિડન્ટ આંખોની રોશની વધારવામાં મદદ કરે છે.  

શરીરમાં જમા થયેલો કચરો દૂર કરવામાં ઉપયોગી :

ફણગાવેલું અનાજ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે શરીરમાં જમા થયેલાં કચરાને દૂર કરવામાં મદદ કરે છે. ફણગાવેલાં અનાજમાં ક્લોરોફિલ સેલ્સ ડાયજેસ્ટિવ સિસ્ટમમાંથી ટોક્સિક પદાર્થ બહાર કાઢવામાં મદદ કરે છે. વળી તેમાં સમાયેલાં ઍન્ઝાઈમ પાચનપ્રક્રિયાને સરળ બનાવે છે. જેને કારણે શરીરમાં લાંબા સમયથી રહેલાં ઝેરી પદાર્થોથી છુટકારો મળે છે. 

અંકુરિત ધાન્ય ખાવાનો સમય : ફણગાવેલાં કઠોળ ખાવાનો સમય સવારનો ફાયદાકારક ગણાય છે. રાત્રિના સમયે તે ગેસ કે અપચો કરે છે. અડધી કે એક વાટકી ફણગાવેલું અનાજ ખાવું યોગ્ય છે. અનાજને ફણગાવતાં પહેલાં તેને સ્વચ્છ પાણીથી ધોવા જરૂરી છે. તેમ કરવાથી તેમાં રહેલી માટી-કાંકરા-કીટક નીકળી જશે. ફણગાવવા માટે જે કપડાંમાં મૂકવામાં આવે તે કપડું કે વાસણ સ્વચ્છ હોવું જરૂરી છે. હાલમાં તો ફણગાવવા માટે ખાસ ડબ્બા બજારમાં ઉપલબ્ધ છે. તેનો ઉપયોગ કરવો ઉત્તમ છે.      

વિવિધ અંકુરિત કઠોળની ચટપટી ભેળ

સામગ્રી : 1 વાટકી ફણગાવેલાં મગ,1 વાટકી ફણગાવેલાં મઠ, 1 વાટકી ફણગાવેલાં ચણા, 1 વાટકી ફણગાવેલાં ચોળા

1 નાની વાટકી ઝીણાં સમારેલાં ટામેટાં, 1 નાની વાટકી ઝીણી સમારેલી કાકડી, 1 નાની વાટકી ઝીણું સમારેલું બાફેલું બીટ, 1 નાની વાટકી બાફેલી મકાઈ, 1 નાની વાટકી બાફેલાં શીંગદાણા, 1 લીંબુનો રસ, સ્વાદાનુસાર સંચળ, 1 નાની ચમચી ખાંડ, 1 નાની ચમચી આમલીની ચટણી, 1 નાની ચમચી કોથમીર-ફુદીનાની ચટણી, 1 નાની વાટકી મસાલા શીંગ, 1 ચમચી દળેલી ખાંડ, 2 નંગ ઝીણાં સમારેલાં મરચાં, સજાવટ માટે સેવ-કોથમીર-દાડમના દાણા. 

બનાવવાની રીત : સૌ પ્રથમ મગ-મઠ-ચણા-ચોળાને સ્વચ્છ પાણીથી સાફ કરીને 7-8 કલાક પલાળી રાખવા. ત્યારબાદ તેનું પાણી બહાર કાઢી લેવું. તેને એક સ્વચ્છ કપડાંમાં બાંધી દેવાં. ત્યારબાદ તેને 10 મિનિટ માટે બાફી લેવાં. હવે એક મોટી કડાઈમાં બાફેલાં કઠોળ લેવાં. તેમાં સમારેલો તાજો સલાડ ભેળવવો. લીંબુ નીચોવવું. સ્વાદાનુસાર સંચળ ભેળવવું. ખાંડ ઉમેરીને બરાબર ભેળવી લેવું. તેમાં 1 નાની ચમચી આમલીની ચટણી ભેળવવી. લીલી ચટણી લેવી. કઠોળને બરાબર ભેળવી લેવું ઉપરથી મસાલા સિંગ, દાડમના દાણા, કોથમીર ભેળવવી. બરાબર મિક્સ કરી લેવું. ઉપરથી ઝીણી સેવ તથા દાડમના દાણા-કોથમીર-લીલી ચટણીથી સજાવીને તેનો ચટાકો માણવો.