અમદાવાદ: રાજ્યના પક્ષી પ્રેમીઓ માટે ખુશખબર છે. પક્ષી અભયારણ્ય નળ સરોવરમાં બે વર્ષ બાદ ફરીથી બોટિંગ શરૂ થશે. સુરક્ષા સર્ટિફિકેશનના વિવાદના કારણે જૂન 2024થી નળ સરોવરમાં બોટિંગ બંધ હતું. જોકે ઓક્ટોબરથી શરૂ થતી પક્ષીઓની નવી સીઝનથી નળ સરોવરમાં ફરી બોટિંગ શરૂ થઈ શકે છે.
સૂત્રોએ જણાવ્યું કે, ગુજરાત પ્રવાસન વિભાગે વન વિભાગના સંકલન સાથે નવી બોટોની ડિઝાઇન નક્કી કરી લીધી છે અને તેને ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ પગલાથી બોટિંગ પ્રવૃત્તિ સ્થગિત કરવી પડી હતી તે અવરોધ દૂર થવાની શક્યતા છે. આ સમસ્યા નવા પ્રમાણપત્રની જરૂરિયાતોને લીધે ઊભી થઈ હતી. નળ સરોવરમાં પરંપરાગત રીતે ઉપયોગમાં લેવાતી બોટો સ્થાનિક સ્તરે બનાવવામાં આવતી હતી અને તેમની પાસે મેન્યુફેક્ચરર સર્ટિફિકેટ નહોતું. ઓપરેશનલ લાયસન્સ મેળવવા માટે મેન્યુફેક્ચરનું સર્ટિફિકેટ જરૂરી છે. જેના કારણે ગુજરાત મેરિટાઇમ બોર્ડ રજીસ્ટ્રેશન અને લાયસન્સ માટે જરૂરી પ્રમાણપત્ર પ્રક્રિયા પૂર્ણ કરી શક્યું ન હતું.
આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું, અગાઉની બોટો સ્થાનિક હતી, ફેક્ટરીમાં બનેલી નહોતી, તેથી કોઈની પાસે મેન્યુફેક્ચરર સર્ટિફિકેટ નહોતું. આ સમસ્યાના ઉકેલ માટે પ્રવાસન વિભાગે 230 સ્ટાન્ડર્ડાઇઝ્ડ બોટો ખરીદી છે, જેમાંથી લગભગ 100 બોટો આવી પણ ગઈ છે. બોટિંગ બંધ થયું તે પહેલાં જે અંદાજે 250 નાવિકો રજીસ્ટર્ડ હતા અને બોટ ચલાવતા હતા, તેમને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. પ્રવાસન વિભાગે બોટો ખરીદી લીધી છે અને તે લાયક નાવિકોને ફાળવવામાં આવશે. આનાથી બોટિંગ કામગીરી ફરી શરૂ કરવામાં મદદ મળશે.
સૂત્રોએ જણાવ્યું કે, લાંબા સમય સુધી બોટિંગ બંધ રહેવાને કારણે નાવિકોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. નાવિકોનું કહેવું છે કે તેઓ ઓક્ટોબરથી માર્ચ સુધી ચાલતી પ્રવાસનની બે આખી સીઝન ગુમાવી ચૂક્યા છે. જેમાં દરરોજ 1200 થી 1400 પ્રવાસીઓ આવે છે. એક નાવિક પ્રવાસીઓ અને પક્ષી પ્રેમીઓને નળ સરોવરમાં ફેરવીને સામાન્ય રીતે એક સીઝનમાં આશરે રૂ. 50,000 કમાઈ લેતો હોય છે.
આ ઉપરાંત સૂત્રો કહ્યું કે, બોટિંગની ગેરહાજરીના કારણે પ્રવાસીઓની સંખ્યા પર પણ અસર પડી હતી, જેના લીધે ઘણા પ્રવાસીઓ નળસરોવરના બદલે થોળ તળાવ તરફ વળ્યા હતા. જો કે પ્રવાસીઓ પિકનિક અને કિનારેથી પક્ષીઓ જોવા માટે નળસરોવર આવતા રહ્યા હતા, પરંતુ અભયારણ્યનું મુખ્ય આકર્ષણ સમાન બોટિંગ 2024 અને 2025ની આખી સીઝન દરમિયાન બંધ રહ્યું હતું.