Thu Jun 18 2026

Logo

ગુજરાતની ટોપ મેડિકલ કોલેજમાં રેગિંગ માટે 3 સીનિયર રેસિડેન્ટ ડોક્ટર સસ્પેન્ડ, શું કરેલું ?

2026-06-18 09:45:00
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદઃ અમદાવાદની પ્રતિષ્ઠિત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બી. જે. મેડિકલ કોલેજ (BJ Medical College) ફરી એકવાર રેગિંગ વિવાદને કારણે ચર્ચામાં આવી છે. કોલેજના ઓર્થોપેડિક વિભાગમાં ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓ સાથે માનસિક અને શારીરિક રીતે રેગિંગ કરવામં આવતું હોવીની ગુપ્ત ફરિયાદ બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. હેલ્થ ડિપાર્ટમેન્ટે બુધવારે મોડી સાંજે ઓર્થોપેડિક વિભાગના સેકન્ડ યરના ત્રણ અનુસ્નાતક (PG) વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે. આ ત્રણ વિદ્યાર્થીઓમાંથી એક સિનિયર રેસિડેન્ટ ડોક્ટરને એક વર્ષ માટે અને અન્ય બે વિદ્યાર્થીઓને છ-છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાનું કડક વલણ

આ ઘટના અંગે કડક વલણ અપનાવતા રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ‘રેગિંગની ફરિયાદને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને તેમાં સામેલ ત્રણેય વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવાયા છે. ગુજરાત સરકાર અને આરોગ્ય વિભાગ વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત, આદરપૂર્ણ અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છે’.

ગુપ્ત ફરિયાદ બાદ એન્ટી રેગિંગ કમિટીની તપાસ

ગત 8 જૂનના રોજ મેડિકલ કોલેજના સત્તાધીશોને એક ફરિયાદ મળી હતી. જેમાં ઓર્થોપેડિક વિભાગના સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો દ્વારા ફર્સ્ટ યરના જુનિયર વિદ્યાર્થીઓનું ‘માનસિક અને શારીરિક શોષણ’ કરવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ કરાયો હતો. આ ફરિયાદ માત્ર કોલેજને જ નહીં, પરંતુ નેશનલ મેડિકલ કમિશન (NMC) અને યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ને પણ મોકલવામાં આવી હતી. જેથી ફરિયાદ મળતાની સાથે જ બી. જે. મેડિકલ કોલેજની 20 સભ્યોની એન્ટી-રેગિંગ કમિટી સક્રિય થઈ હતી.

સમિતિએ ઓર્થોપેડિક વિભાગના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ યરના તમામ રેસિડેન્ટ વિદ્યાર્થીઓ સાથે વ્યક્તિગત પૂછપરછ કરી હતી. વિભાગના તમામ 17 ફર્સ્ટ યરના રેસિડેન્ટ વિદ્યાર્થીઓનું મેડિકલ બોર્ડ પણ કંડક્ટ કરવામાં આવ્યું હતું. તપાસના અંતે કમિટીને ત્રણ સિનિયર વિદ્યાર્થીઓ રેગિંગમાં સીધા દોષિત જણાતા તેમને સસ્પેન્ડ કરવાની ભલામણ સરકારને મોકલી હતી, જેને મંજૂરી આપી દેવાઈ છે.

વર્ષ 2022 માં પણ આ જ વિભાગમાં થયો હતો વિવાદ

બી. જે. મેડિકલ કોલેજનો ઓર્થોપેડિક વિભાગ રેગિંગ મામલે બદનામ થયો હોય તેવી આ પહેલી ઘટના નથી. આ અગાઉ વર્ષ 2022 માં પણ આ જ વિભાગમાં રેગિંગનો મોટો વિવાદ સામે આવ્યો હતો. ડિસેમ્બર 2022 માં જુનિયર પીજી વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે એન્ટી-રેગિંગ કમિટીએ કડક કાર્યવાહી કરી હતી. તે સમયે પણ દોષિત ઠરેલા ત્રણ સિનિયર વિદ્યાર્થીઓમાંથી એકને એક વર્ષ માટે અને અન્ય બે વિદ્યાર્થીઓને 18 મહિના (દોઢ વર્ષ) માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ જૂની ઘટના બાદ પણ તંત્ર દ્વારા કોઈ બોધપાઠ ન લેવાયો હોય તેમ ફરી એકવાર જુનિયર ડોક્ટરો રેગિંગનો ભોગ બન્યા છે.