Sat Aug 29 2026

Logo

નિંદામણને બાળવાનું અટકાવવા સરકાર યોજના ઘડશેઃ કૃષિ પ્રધાન

2026-06-17 21:21:54
Author: Ramesh Gohil
નિંદામણને બાળવાનું અટકાવવા સરકાર યોજના ઘડશેઃ કૃષિ પ્રધાન

નવી દિલ્હીઃ લણણી પશ્ચાત્‌‍ બાળવામાં આવતા નિંદામણને કારણે પર્યાવરણ તેમ જ જમીનના સ્વાસ્થ્ય પર માઠી અસર પડતી હોવાથી નિંદામણને બાળવામાં આવતા કિસ્સાઓને અટકાવવા માટે સરકાર યોજના ઘડશે, એમ કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે તાજેતરમાં જણાવ્યું હતું. 

તાજેતરમાં કૃષિ પ્રધાન ચૌહાણે પર્યાવરણ ખાતાના પ્રધાન ભુપેન્દર યાદવ સાથે એક બેઠક કરી હતી જેમાં દિલ્હી એનસીઆર અને તેની આસપાસના વિસ્તારોમાં હવાની ગુણવત્તાનું સંચાલન કરવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે બાળવામાં આવતા નિંદામણ અને પાકના અવશેષોના નિકાલના સંચાલન માટેના માર્ગની ચર્ચા કરવામાં આવી હતી. નોંધનીય બાબત એ છે કે દિલ્હી એનસીઆર ખાતે પ્રદૂષણના ઉચ્ચ પ્રમાણના મુખ્ય કારણોમાં બાળવામાં આવતા નિંદામણ છે. 

આ સંદર્ભે સોશ્યલ મીડિયાની એક પોસ્ટમાં ચૌહાણે જણાવ્યું હતું કે અમે નિંદામણને બાળતું અટકાવવા ડાંગરના વાવેતરનાં આરંભથી જ યોજના ઘડવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે દેશમાં ખરીફ ડાંગરના વાવેતરનો આરંભ થઈ ગયો છે અને તેની લણણી સપ્ટેમ્બર આસપાસ થશે. ખેડૂતો દ્વારા બાળવામાં આવતા નિંદામણ અંગે ચિંતા વ્યક્ત કરતા તેમણે જણાવ્યું હતું કે તેને કારણે વાયુ પ્રદૂષણ થવાની સાથે સાથે જમીનના સ્વાસ્થ્ય પર પણ માઠી અસર પડે છે. 

વધુમાં તેમણે માહિતી આપી હતી કે બન્ને મંત્રાલયે નિંદામણ-પાકના અવશેષોના સંચાલન-વ્યવસ્થાપન માટે પ્રેઝન્ટેશન આપ્યું હતું અને અમે ઘણાં પગલાં લેશું. જેમાં ખાસ કરીને હોટસ્પોટ જિલ્લાઓની વાસ્તવિક સમયની દેખરેખ અને વિશેષ દેખરેખ દ્વારા નિંદામણના વ્યવસ્થાપનના તમામ પાસાઓ પર અસરકારક રીતે કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે ગામડાઓએ સફળતાપૂર્વક નિંદામણનું સંચાલન કર્યું હોય તેવા આદર્શ ગામડાઓ પણ ઓળખી કાઢશે, આધુનિક ટેક્નોલૉજીને પ્રોત્સાહન આપવાની સાથે નિંદામણનાં સંગ્રહ અને તેના ઉપયોગની પ્રણાલીઓ સ્થાપિત કરવામાં આવશે. તેમ જ નિંદામણને બાળવામાં આવતી ક્રિયાને અટકાવવા જાહેર જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવશે. 

અન્ય એક પોસ્ટમાં યાદવે જણાવ્યું હતું કે નવી દિલ્હી એનસીઆર અને આસપાસના વિસ્તારોમાં પાકના અવશેષોનું સંચાલન થાય અને હવાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે બન્ને મંત્રાલયો દ્વારા દેખરેખ રાખવામાં આવશે. નોંધનીય બાબત એ છે કે આ બેઠકમાં એક ક્વૉલિટી મેનેજમેન્ટ કમિશનના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.