Thu Jun 18 2026

Logo

મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસની મોટી કાર્યવાહી યુપીમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો કર્યો પર્દાફાશ:  300 લીટર કેમિકલ સહિત કરોડોની મતા જપ્ત

2026-06-18 18:48:53
Author: Yogesh D Patel
Article Image

મુંબઈ: મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ કરવા હાથ ધરાયેલી તપાસનો રેલો તેલંગણાના ઝહિરાબાદ બાદ હવે ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લા સુધી પહોંચ્યો હતો, જ્યાં એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી પોલીસે પકડી પાડી હતી. ત્યાંથી પોલીસે 300 લીટર કેમિકલ અને ડ્રગ્સ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સામગ્રી સહિત કરોડોની મતા જપ્ત કરી હતી.

મીરા રોડ પૂર્વમાં નયાનગર ખાતે આવેલી છેડા આદર્શ બિલ્ડિંગમાં પોલીસે 4 એપ્રિલ, 2026ના રોજ રેઇડ પાડી હતી અને બિલ્ડિંગમાં રહેતી ફિરદોસ અરબાઝ કુરેશી નામની મહિલાના ફ્લેટમાંથી 2.66 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ડ્રગ્સ તેના પતિ અરબાઝ વકીલ કુરેશીનું હોવાનું જાણવા મળતાં બંને વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.ડ્રગ્સની જપ્તીના આ કેસની તપાસ દરમિયાન પોલીસે 18 આરોપીઓની ધરપકડ કરી હતી અને આગ્રીપાડા, માલવણી, મનોરી વિસ્તારમાં કાર્યવાહી કર્યા બાદ તેલંગણાના ઝહિરાબાદમાં ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે આ કેસમાં ડ્રગ્સ, કેમિકલ, સાધનો સહિત 20.72 કરોડ રૂપિયાની મતા જપ્ત કરી હતી.

દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-4ના અધિકારીઓએ ઉત્તર પ્રદેશના હરદોઇ જિલ્લામાં સન્ડીલા પોલીસ સ્ટેશનની હદમાં 16 જૂને તસલીમ આરિફ ઉર્ફે છુટ્ટન રઝાક નામના આરોપીની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં ત્યાં ડ્રગ્સની ફેક્ટરી વિશે જાણવા મળ્યું હતું. ત્યાર બાદ પોલીસે ફેક્ટરીમાં રેઇડ પાડીને કરોડોની મતા જપ્ત કરી હતી.