મુંબઈ: બોલીવુડની ડિમ્પલ ગર્લ અને પંજાબ કિંગ્સ ટીમની કો-ઓનર પ્રીતિ ઝિંટાએ થોડા મહિના પહેલા પાલી હિલમાં પોતાનો ફ્લેટ 18.5 કરોડ રૂપિયામાં વેચ્યો હતો. હવે, તે જ પોશ વિસ્તારમાં ભાડાના ઘરમાં રહેવા જઈ રહી છે. CRE મેટ્રિક્સમાંથી મેળવેલા પ્રોપર્ટી રજિસ્ટ્રેશન દસ્તાવેજો અનુસાર પ્રીતિએ બાંદ્રા વેસ્ટના પાલી હિલમાં આર્ટ વેદ બિલ્ડિંગમાં બે વર્ષ માટે ફ્લેટ ભાડે રાખ્યો છે.
ભાડા કરાર મુજબ, આ સોદો 1 માર્ચ, 2026થી 29 ફેબ્રુઆરી, 2028 સુધી માન્ય છે. આ સમયગાળા દરમિયાન પ્રીતિ કુલ આશરે 1.5 કરોડ રૂપિયા ભાડું ચુકવશે. માસિક ભાડું પ્રથમ વર્ષ માટે 6.5 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. વધુમાં તેણે 27 લાખ રૂપિયાની સુરક્ષા રકમ જમા કરાવી છે. આશરે 1500 ચોરસ ફૂટના આ ફ્લેટમાં 100 ચોરસ ફૂટ પાર્કિંગ એરિયા છે. કરારમાં 15 મહિનાનો લોક-ઈન સમયગાળો સામેલ છે. જેનો અર્થ છે કે કોઈ પણ પક્ષ આ નિર્ધારિત સમયમર્યાદા દરમિયાન સરળતાથી કરાર સમાપ્ત કરી શકશે નહીં.
પ્રીતિએ તાજેતરમાં જ વેચ્યો હતો ફ્લેટ
માર્ચ 2026માં પ્રીતિ ઝિંટાએ પાલી હિલ સ્થિત પોતાનો નવો ફ્લેટ 18.5 કરોડ રૂપિયામાં વેચી દીધો હતો. અહેવાલો અનુસાર તેણે આ ફ્લેટ તેની જૂની ઇમારતના પુનર્વિકાસ પછી મળ્યો હતો. તે પહેલા, નવેમ્બર 2025માં તેણે રુસ્તમજી પરિશ્રમ બિલ્ડિંગમાં એક ફ્લેટ પણ 14 કરોડ રૂપિયાથી વધુમાં વેચી દીધો હતો. પ્રીતિ ઝિંટા ફક્ત ફિલ્મો સુધી જ નહીં પણ આઇપીએલ ટીમ પંજાબ કિંગ્સની પણ સહ માલિકી ધરાવે છે. તેણે 2008માં નેસ વાડિયા અને મોહિત બર્મન સાથે ટીમમાં રોકાણ કર્યું હતું. તે સમયે ટીમમાં તેના હિસ્સાનું મૂલ્ય આશરે 35 કરોડ રૂપિયા જેટલું આંકવામાં આવ્યું હતું. હવે પંજાબ કિંગ્સનું મૂલ્ય આશરે 1,195 કરોડ રૂપિયા જેટલું છે, ભલે ટીમ હજુ સુધી IPL ટાઇટલ જીત્યું નથી.
પાલી હિલ બન્યું સેલિબ્રિટીઝની પસંદ
મુંબઇનો પાલી હિલ વિસ્તાર લાંબા સમયથી ફિલ્મ સ્ટાર્સ માટે ટોચની પસંદગી રહ્યો છે. આ વર્ષની શરૂઆતમાં, અભિનેતા ઈશાન ખટ્ટરે આ વિસ્તારમાં આશરે 29.37 કરોડ રૂપિયાનો એક વૈભવી ફ્લેટ ખરીદ્યો હતો. દરમિયાન ઓગસ્ટ 2025માં કૃતિ સેનને 78.2 કરોડ રૂપિયામાં સી-વ્યૂ ધરાવતું ડુપ્લેક્સ પેન્ટહાઉસ ખરીદ્યુ હતું. રણબીર કપૂરે પણ આ જ વિસ્તારમાં પોતાનો એપાર્ટમેન્ટ લગભગ 11 લાખ રૂપિયાના માસિક ભાડા પર ભાડે આપ્યો છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે પાલી હિલમાં વૈભવી ઘરોની સતત માંગ છે.