હ્યુસ્ટન (અમેરિકા): બુધવારે અહીં ફિફા વર્લ્ડ કપની મૅચમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોવાળા પોર્ટુગલને આફ્રિકન દેશ ડીઆર કૉન્ગોના ખેલાડીઓએ શરૂઆતથી છેક સુધી કાબૂમાં રાખ્યો હતો, ખીચોખીચ ભરાયેલા સ્ટેડિયમમાં હજારો પ્રેક્ષકો પોતાના ફેવરિટ ખેલાડીઓ તથા ટીમને ચિયર-અપ કરવા સતત બૂમાબૂમ કરી રહ્યા હતા અને ચીસો પાડી રહ્યા હતા, પરંતુ એક માણસ પોતાની સીટ પર પ્રારંભથી છેક સુધી ઊભો રહ્યો હતો અને એ પણ કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ વગર!
માઇકલ ઍન્કૂકા ઍમ્બોલૅન્ડિંગાને કૉન્ગો ફૂટબૉલનો સુપરફૅન માનવામાં આવે છે. તે હંમેશાં કૉન્ગોની આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ મૅચ વખતે સ્ટેડિયમમાં પહોંચી જાય છે (અથવા તેને સામેથી આમંત્રણ આપવામાં આવે છે) અને પોતાની સીટ પર જઈને ઊભો રહી જાય છે. તે જમણો હાથ ઊંચો રાખીને મૅચના અંત સુધી એ જ જગ્યાએ જરા પણ હલ્યા વગર ઊભો રહે છે. આસપાસના લોકોની કોઈ પણ પ્રકારની સંવેદનાની તેમ જ મૅચમાં બનતી ઘટનાની તેના મગજ પર કોઈ અસર નથી થતી. લોકોમાં તે `લુમુમ્બા'ના હુલામણા નામે ઓળખાય છે.
મૅચની કોઈ પણ ઘટનાની અસર નથી થતી
બુધવારે પોર્ટુગલ સામેની મૅચમાં કૉન્ગોનો આ સુપરફૅન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. પોર્ટુગલના યાઓ નેવીઝે છઠ્ઠી મિનિટમાં ગોલ કરીને 1-0થી સરસાઈ લીધી ત્યારે આ કૉન્ગૉની પ્રજાના આ લાડલા લુમુમ્બા (Lumumba)એ કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નહોતી બતાવી. તેનો ચહેરો ગોલ પહેલાં હતો એવો જ ગોલ પછી પણ હતો. તેણે હાથને જરાય પણ મૂવ પણ નહોતો કર્યો. 45 મિનિટના ફર્સ્ટ-હાફની અંતિમ ક્ષણમાં (સ્ટોપેજ ટાઇમની પાંચમી મિનિટમાં એટલે કે કુલ 50મી મિનિટમાં) કૉન્ગોના યૉએન વિસાએ ગોલ કરીને કૉન્ગોને 1-1ની બરાબરી અપાવી ત્યારે પણ લુમુમ્બા પર કોઈ અસર નહોતી થઈ. અસર થઈ હશે તો પણ તે કોઈ પણ પ્રકારની મૂવમેન્ટ વગર એ જ પૉઝિશનમાં ઊભો રહ્યો હતો.
રાષ્ટ્રધ્વજ જેવા રંગવાળા ડ્રેસમાં સજ્જ
વાત એવી છે કે લુમુમ્બા દરેક મૅચ પહેલાં સ્ટૅચ્યૂની જેમ લાંબા સમય સુધી ઊભા રહેવાની પ્રૅક્ટિસ કરે છે. શરીરના કોઈ પણ અવયવની મૂવમેન્ટ મગજનું સિગ્નલ મળે તો જ થતી હોય છે, પરંતુ લુમુમ્બા મગજ પર એટલો બધો કાબૂ રાખે છે કે તેનું કોઈ પણ સિગ્નલ મગજ પૂરતું જ સીમિત હોય છે, તેના શરીરના કોઈ પણ ભાગ સુધી તે પહોંચવા નથી દેતો અને જબરદસ્ત સંયમથી એકસરખી સ્થિતિમાં જમણો હાથ ઊંચો રાખીને ઊભો રહે છે. તે કૉન્ગોના રાષ્ટ્રધ્વજ જેવા રંગના ટ્રાઉઝર, શર્ટ અને બ્લેઝરમાં સ્ટેડિયમમાં આવે છે, તેના ચહેરા પર રેટ્રો ગ્લાસ હોય છે અને આ ચશ્માથી પણ તે બધાની વચ્ચે જલદી ઓળખાઈ જાય છે. મૅચ શરૂ થતાં પહેલાં તે સીટ પર ઊભો રહી જાય છે અને છેક સુધી તેને કોઈ ખલેલ પણ નથી પહોંચાડતું. ફોટોગ્રાફરો અને વીડિયોગ્રાફરો તેને વારંવાર પોતાના લેન્સમાં સમાવી લેતા હોય છે.
લુમુમ્બા શા માટે સ્ટૅચ્યૂ બને છે?
લુમુમ્બાની આ આદત કૉન્ગોના ઇતિહાસ સાથે જોડાયેલી છે. પૅટ્રિસ લુમુમ્બા ડીઆર કૉન્ગો એટલે કે ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કૉન્ગો દેશના પ્રથમ વડા પ્રધાન હતા. 1960માં કૉન્ગોને બેલ્જિયમથી આઝાદી અપાવવામાં પૅટ્રિસનું સૌથી મોટું યોગદાન હતું અને તેમને દેશની એક્તાના પ્રતીક માનવામાં આવે છે. જોકે આઝાદીના થોડા સમય બાદ કૉન્ગોમાં રાજકીય ઊથલપાથલ થઈ જેમાં પૅટ્રિસની ધરપકડ કરીને તેમને કેટલાક કથિત બેલ્જિયન લોકોના ટેકાથી ફાંસી આપી દેવામાં આવી હતી. પૅટ્રિસ પર ગોળીબાર કરીને મૃત્યુદંડ અપાયો હતો અને પુરાવા ન રહે એ માટે તેમના દેહનો નાશ કરવામાં આવ્યો હતો.

કહેવાય છે કે પૅટ્રિસ એ સમયના સોવિયેત સંઘની તરફેણમાં હોવાથી અમેરિકા-તરફી દળોએ તેમને સત્તાવિમુખ કરવામાં ટેકો આપ્યો હતો. કૉન્ગોના ક્નિશાસામાં પૅટ્રિસનું એકતાનો સંદેશ આપતા પ્રતીક તરીકે જમણો હાથ ઊંચો રાખેલું સ્ટૅચ્યૂ મૂકવામાં આવ્યું છે અને લુમુમ્બા દરેક વખતે ફૂટબૉલ સ્ટેડિયમમાં જઈને પૅટ્રિસની પ્રતિમાની સ્ટાઇલમાં 90 મિનિટ સુધી ઊભો રહે છે. લુમુમ્બાને કૉન્ગો ટીમના જોશ અને ઝનૂનનું પ્રતીક માનવામાં આવે છે.