Thu Jun 18 2026

Logo

ચોમાસું બેઠા છતાં ગુજરાત કોરૂં ધાકોર: ચોમાસાના આરંભે જ 91 ટકા વરસાદની ઘટ, ખેડૂતો ચિંતામાં

2026-06-18 17:39:05
Author: Devayat Khatana
Article Image

(અમાર પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ ગુજરાતમાં અધિક જેઠ માસ પુર્ણ થઈ ગયો છે, તેમજ જૂન મહિનો પણ અડધો પુરો થઈ ગયો છે, તેમ છતા રાજ્યમાં હજુ વરસાદ ન નોંધાતા, રાજ્યમાં વરસાદનું સંકટ ઘેરાય રહ્યું છે.  હવામાન વિભાગના તાજેતરના આંકડા અનુસાર, સત્તાવાર ચોમાસાની શરૂઆત થઈ ગઈ હોવા છતાં ગુજરાતમાં 91 ટકા વરસાદની અછત નોંધાઈ છે. આ અછત મહારાષ્ટ્રની 80 ટકાની ખાધ કરતાં પણ ઘણી વધારે છે. સેટેલાઇટમાંથી મળેલી તસવીરો દર્શાવે છે કે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળો દેખાતા નથી, મોટાભાગના વરસાદી વાદળો પૂર્વ ભારત, બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ગુજરાતના દરિયાકાંઠાથી ઘણા દૂર કેન્દ્રિત થયેલા હોવાનું હવામાન વિભાગે જણાવ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે જૂન મહિનામાં ગુજરાત એક દુર્લભ વાતાવરણીય પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહેલા સતત પશ્ચિમી વિક્ષેપના કારણે વરસાદી ગતિવિધિઓ રાજસ્થાન, પંજાબ અને પશ્ચિમ હિમાલય તરફ ફંટાઈ ગઈ છે. પરિણામે સૂકા ગણાતા રાજસ્થાનના કેટલાક જિલ્લાઓમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે ગુજરાતમાં સૂકું હવામાન રહ્યું છે. સામાન્ય રીતે જૂનના પ્રથમ પખવાડિયામાં અરબી સમુદ્રમાંથી મળતા ભેજને કારણે ગુજરાતમાં સારો વરસાદ થતો હોય છે, પરંતુ આ વર્ષે પશ્ચિમ ભારતમાં ચોમાસાનું સરક્યુલેશન મજબૂત ન થતાં અરબી સમુદ્રની શાખા નબળી અને વિખરાયેલી રહી છે.

ચોમાસામાં થઈ રહેલા આ મોટા વિલંબને કારણે રાજ્યના ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. જૂન મહિનાનો આ સમયગાળો ખરીફ પાકના વાવેતર માટે અત્યંત મહત્વનો ગણાય છે. જો વરસાદ ખેંચાવાનો આ સિલસિલો જૂન મહિનાના અંત સુધી યથાવત રહેશે, તો ગુજરાતના મુખ્ય ખરીફ પાકો જેવા કે કપાસ, મગફળી અને અન્ય પાકોના વાવેતર પર તેની ખૂબ જ ગંભીર અસર પડી શકે છે. હાલમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને મુખ્ય ગુજરાતના મોટાભાગના વિસ્તારો વાવણીલાયક સારા વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

હવામાન વિભાગના મોડેલ્સ અનુસાર, 20 જૂન પછી ચોમાસાને રોકી રહેલી વાતાવરણીય પરિસ્થિતિઓ નબળી પડવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં 'સોમાલી જેટ' મજબૂત થવાને કારણે અને ભારતના પશ્ચિમ કિનારે ભેજનું પ્રમાણ વધવાથી જૂનના છેલ્લા સપ્તાહમાં ચોમાસું ફરી વેગ પકડી શકે છે. અંદાજ પ્રમાણે, 22 થી 26 જૂન વચ્ચે ગુજરાતના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધશે અને ત્યારબાદ વરસાદી માહોલ શરુ થશે. જો કે, અત્યારે જે સ્તરની વરસાદની તંગી સર્જાઈ છે, તેને જોતાં માત્ર થોડા દિવસોનો વરસાદ આ ખાધને પૂરી કરવા માટે પૂરતો નહીં હોય તેવું હવામાન નિષ્ણાતોનું માનવું છે.