Thu Sep 10 2026

Logo

વૉલન્ટિયર મહિલાઓ મોટી ઉંમરની હતી એટલે અસંખ્ય લોકો વર્લ્ડ કપના સ્ટેડિયમમાં ટિકિટ વગર ઘૂસી ગયા!

Arlington   2026-06-18 18:01:05
Author: Ajay Motiwala
વૉલન્ટિયર મહિલાઓ મોટી ઉંમરની હતી એટલે અસંખ્ય લોકો વર્લ્ડ કપના સ્ટેડિયમમાં ટિકિટ વગર ઘૂસી ગયા!

AP


ઍર્લિંગ્ટન (ટેક્સસ): ભારતીય સમય મુજબ બુધવારે મધરાત બાદ અહીં એટી ઍન્ડ ટી સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ અને ક્રોએશિયા વચ્ચે ફૂટબૉલ વર્લ્ડ કપની જે મૅચ રમાઈ એ જોવા માટે ઘણા લોકો ટિકિટ (Ticket) વગર સ્ટેડિયમમાં ઘૂસી ગયા હોવાનો આક્ષેપની જે ચર્ચા છે એ સંબંધમાં ટૂર્નામેન્ટના સંચાલક ફેડરેશન ઇન્ટરનૅશનલ દ ફૂટબૉલ અસોસિયેશન (FIFA)એ કહ્યું છે કે તેમને આવી કોઈ ઘટના બની હોવાની જાણ નથી. જોકે એક જાણીતા અંગ્રેજી અખબારને કેટલાક નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે `સ્ટેડિયમના પ્રવેશદ્વારથી થોડે દૂર એવો ગેપ હતો જેમાંથી લોકો ટિકિટ વગર અંદર જતા રહ્યા હતા.'

એક ફૂટબૉલપ્રેમીએ અખબારના રિપોર્ટરને કહ્યું, `સ્ટેડિયમના આવા બિનસત્તાવાર પ્રવેશદ્વાર પર મોટી ઉંમરની મહિલા વૉલન્ટિયર્સ ઊભી હતી અને તેઓ કોઈને રોકતી નહોતી.' એવો પણ આક્ષેપ કરાયો છે કે ઘણા લોકો સલામતી કવચ ભેદીને કોઈ પણ પ્રકારના ચેકિંગ વગર સ્ટેડિયમમાં ઘૂસી શક્યા હતા.

જોકે ફિફાના પ્રવક્તાએ કહ્યું, `કોઈ પણ વ્યક્તિ ટિકિટ વગર સ્ટેડિયમમાં પ્રવેશી શકી હોય એવી અત્યાર સુધી અમને કોઈ જ જાણ નથી કરાઈ. અમારી દૃષ્ટિએ આવું કંઈ બન્યું જ નહોતું.'

એટી ઍન્ડ ટી સ્ટેડિયમમાં કુલ 70,649 પ્રેક્ષકો બેસી શકે એટલી સીટ છે, જ્યારે કુલ જેટલા પ્રેક્ષકોએ આ મૅચ જોઈ એ સંખ્યા થોડી ઓછી હતી. કુલ 70,389 પ્રેક્ષક સ્ટેડિયમમાં બેઠા હતા.

ઇંગ્લૅન્ડ-ક્રોએશિયા વચ્ચેની આ મૅચ માટેની સૌથી સસ્તી ટિકિટનો ભાવ 198 પાઉન્ડ (અંદાજે 24,700 રૂપિયા) હતો. જોકે સૉકરપ્રેમીઓના વિરોધને પગલે ફિફાએ 10 ટકા ટિકિટનો ભાવ ઘટાડીને 45 પાઉન્ડ (5,614 રૂપિયા) કરી નાખ્યો હતો.

આ વર્લ્ડ કપમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ કહેવાતી આ મૅચમાં ઇંગ્લૅન્ડે ક્રોએશિયાને 4-2થી હરાવ્યું હતું. ઇંગ્લૅન્ડના કૅપ્ટન હૅરી કેને બે ગોલ કર્યા હતા.